કુંવરજી બાવળિયાની શાળામાં ધો.10માં ભણતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું, કારણ જાણી….
એક રડાવી દેતો અને આંચકાજનક બનાવ સામે આવ્યો છે. વિંછીયાના અમરાપરમાં આવેલ મંત્રી કુંવરજી બાવળિયાની આદર્શ સ્કૂલમાં ધો.10ની એક વિદ્યાર્થિનીએ ગળાફાંસો લગાવી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. બનાવના પગલે વિંછીયા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આત્મહત્યા પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
..ત્યાં સુધીમાં પ્રાણપંખેરું ઊડી ગયું
આ બનાવ અંગે મળતી વિગત મુજબ સોમવાર રાત્રીના વિંછીયામાં આવેલ આદર્શ સ્કૂલ કેમ્પસમાં એક વૃક્ષ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં કાજલબેન મુકેશભાઈ જોગરાજીયા નામની ધો.-10મા અભ્યાસ કરતી વિદ્યાર્થિની ટીંગાતી હાલતમાં આવી હતી. જેને પગલે સ્કૂલ સત્તાધીશોને જાણ થતાં તરત દોડી જઇ વિદ્યાર્થિને નીચે ઉતારી હતી પરંતુ ત્યાં સુધીમાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
આ મામલે મિડીયા સાથેની વાતચીતમાં મૃતકના પિતા મુકેશભાઈ જોગરાજીયાએ જણાવ્યું હતું કે, ખુદ મંત્રી બાવળિયાએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તેમની પુત્રીએ આત્મઘાતી પગલું ભર્યું છે. આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે, શાળાની શિક્ષિકા વાંક વગર તેને ઠપકો આપતાં હતાં. ત્યારે હાલ ભણતરના ભારથી આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તમારી દીકરીને દવાખાને લઈ ગયા છીએ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારી દીકરી કાજલ ધોરણ-10મા અમરાપુર સંસ્થામાં અભ્યાસ કરતી હતી. મારે 4 સંતાન છે અને કાજલ બીજા નંબરની હતી અને તે ધોરણ-9થી સંસ્થામાં બે વર્ષથી અભ્યાસ કરતી હતી. મને ગત રાત્રે 10 વાગ્યા આસપાસ સંસ્થામાંથી ફોન આવ્યો હતો. પરંતુ ત્યારે હું સૂતો હતો એટલે ફોન ઊપડ્યો ન હતો. પછી 10 મિનિટ બાદ કુંવરજી બાવળિયાનો મને ફોન આવ્યો અને કહ્યું કે તમે વિંછીયા આવો તમારી દીકરીને દવાખાને લઈ ગયા છીએ. એ લોકો એમ કહે છે કે દોરી સાથે ગળેફાંસો ખાધો છે. એ લોકો સીધા વિંછીયા દવાખાને જ આવી ગયા હોવાથી અમે સીધા દવાખાને જ ગયા હતા. ત્યાં જે કંઈ બન્યું હોય પણ અમારે અહિયાં તો કોઈ તકલીફ ન હતી. ભણવાની કોઈ ચિંતા હોય તેવું કંઈ હતું નહીં.
હોસ્ટેલમાં જ રહેતી હતી
આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. તેથી વિંછીયા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તપાસ કરતા વિદ્યાર્થિનીનું નામ કાજલ મુકેશભાઇ જોગરાજીયા હોવાનું અને અત્રે હોસ્ટેલમાં જ રહેતી હોવાનું તેમજ ધો.10મા અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું હતું. વિદ્યાર્થિની જસદણ-વિંછીયા પંથકની જ હોવાનું અને બનાવ બાદ તેનાં માતા-પિતાને જાણ કરાઇ હતી.
સ્કૂલ સ્ટાફમાં ગમગીની છવાઇ ગઈ
આ ઉપરાંત મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોલીસે તજવીજ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ સ્કૂલનું સંચાલન કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા કરી રહ્યા છે. આ આદર્શ સ્કૂલમાં જસદણ પંથક અને આસપાસના તાલુકાઓના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા પણ છે. બનાવના પગલે અહીં રહેતા વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફમાં ગમગીની છવાઇ ગઇ હતી. ત્યારે ક્યા કારણોસર આ પગલું ભર્યું તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.