મોતને ભેટેલા ચાર પોલીસકર્મીઓની અંતિમવિધિ પૂર્ણ, સૌ કોઈ રડી પડ્યા, જુઓ ભાવુક કરતી તસવીરો

રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ભાવનગરના ચાર પોલીસકર્મીઓને શાહપુરામાં ભાબરું નજીક કાર અકસ્માતમાં મૃત્યુ પામનાર પોલીસ જવાનોના નશ્વરદેહને મંગળવારે રાત્રે ભાવનગર લવાયા બાદ અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી છે. મૃતક પોલીસકર્મીઓના પરિવારજનો માટે પોલીસ વેલ્ફેર ફંડ અને મુખ્યમંત્રી દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે.ભાવનગર એરપોર્ટ પર પોલીસકર્મીઓના નશ્વરદેહને લાવવામાં આવ્યા હતા.

મંગળવારે રાત્રે હવાઈ માર્ગે ભાવનગર એરપોર્ટ પર પોલીસકર્મીઓના નશ્વરદેહને લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાત્રિના એસપી કચેરી પર ચારેય પોલીસકર્મીઓને રાજ્ય પોલીસ વડા દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ચારેય પોલીસકર્મીના નશ્વરદેહની અંતિમ વિધિ કરવામાં આવી હતી જેમાં બે પોલીસકર્મીની હિંદૂ રીતરિવાજો મુજબ અને બે પોલીસકર્મીની દફનવિધિ કરવામાં આવી હતી, જેમાં હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ કાબાભાઈ બાલધિયાને તેના ગામ તળાજા તાલુકાના સાંખડાસર ગામે આજે અંતિમવિધિ કરવામાં આવી હતી,

જયારે પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ યુવરાજસિંહ ગોહિલને ચિત્રા મોક્ષ મંદિર ખાતે મોડીરાત્રે અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ઈરફાનભાઈ સતારભાઈ આગવાનને કુંભારવાડા નદી કબ્રસ્તાન ખાતે મોડીરાત્રે દફનવિધિ કરવામાં આવી હતી, અને પોલીસ કોન્સ્ટેબલ ભીખુભાઈ અબ્દુલભાઈ બુકેરાને રબ્બર ફેકટરી પાસે આવેલ કંસારા કબ્રસ્તાન ખાતે મોડીરાત્રે દફનવિધિ કરવામાં આવી હતી. ચારેય પોલીસકર્મીઓની અંતિમ યાત્રામાં લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ભાવનગરના ચાર પોલીસકર્મીઓને મુખ્યમંત્રીએ રૂ.4 લાખની એક્સ- ગ્રેસિયા સહાયની જાહેરાત કરી છે તેની વિગતો રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ મીડિયાને મોડી રાત્રે દિવંગતોના પાર્થિવ શરીરને ભાવનગર લાવ્યાં બાદ કરી હતી.ભાટિયાએ ચારેય પોલીસકર્મીઓના પાર્થિવ દેહને એર એમ્બ્યુલન્સથી ભાવનગર લાવવા માટેની વ્યવસ્થા કરવા માટે મુખ્યમંત્રીનો આભાર માનતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર આ બાબતે સંવેદનશીલ છે અને તાત્કાલિક અસરથી તેમના પાર્થિવ દેહને લાવવાં માટેની જરૂરી કાર્યવાહી કરીને ઝડપથી દિવંગતોના પાર્થિવ દેહને ભાવનગર એર એમ્બ્યુલન્સથી લાવવામાં આવ્યાં હતાં.

માનવતાના ધોરણે રાજ્ય પોલીસ વેલ્ફેર ફંડ અને કેન્દ્ર પોલીસ વેલ્ફેર ફંડમાંથી દરેક પોલીસ કોન્સ્ટેબલને રૂ.10 લાખની મદદ કરવાની જાહેરાત પણ તેમણે કરી હતી. આ સિવાય કર્મચારી તરીકે મળવાપાત્ર લાભો તરીકે હેડ કોન્સ્ટેબલને વીમા સહિતના અન્ય લાભો સાથે રૂ.1.35 કરોડ અને કોન્સ્ટેબલોને રૂ.55 લાખ તેમના પરિવારજનોને આપવામાં આવશે.

તેમના આત્માને શાંતિ મળે અને મુશ્કેલીના સમયમાં તેમના પરિવારજનોને હિંમત મળે તેવી પ્રાર્થના કરતાં તેમણે જણાવ્યું કે, મૃતકો પોલીસ પરિવારના સભ્યો છે.મુશ્કેલીના સમયમાં પોલીસ પરિવાર તેમની સાથે છે. તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને ઝડપથી તેમને મળવાપાત્ર લાભો મળી જાય તે માટેની સૂચના જિલ્લા પોલીસ તંત્રને આપી દેવામાં આવી છે.મોતને ભેટેલા પોલીસ જવાનોના નશ્વરદેહને ગાર્ડ ઓફ ઓનર અપાયું ,પરિવારજનોના હૈયાફાટ રૂદનથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો

error: Content is protected !!