‘મારા પતિને નશાની ટેવ છે અને બહારથી સ્ત્રીઓને ઘરે બોલાવે છે’, 75 વર્ષની વૃદ્ધાની વાત સાંભળી અભયમની ટીમ પણ ચોંકી ઉઠી

શહેરના પોશ વિસ્તારમાં રહેતા ધનાઢય પરિવારના 80 વર્ષીય વૃદ્ધ નશો કરવાના રવાડે ચડી ગયા હતા અને બહારથી અલગ અલગ મહિલાને ઘરે બોલાવતા હતા. આ મામલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં 75 વર્ષીય વૃદ્ધાએ મહિલા હેલ્પલાઈન અભયમની મદદ માગતા અભયમની ટીમે વૃદ્ધનું કાઉન્સેલિંગ કરી ઢળતી ઉંમરે આવા વર્તનથી સમાજ-પરિવાર પર પડતી અસર અંગે સમજ આપતા વૃદ્ધે ભૂલ સ્વીકારી હતી.

‘મારા પતિને નશાની ટેવ છે અને બહારથી સ્ત્રીઓને ઘરે બોલાવે છે’
મહિલા હેલ્પલાઈન અભયમને ફોન કરીને એક વૃદ્ધાએ કહ્યું કે, હું સાધન સંપન્ન પરિવાર ધરાવું છું, મારે અને પતિ વચ્ચે સારો મનમેળ હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મારા પતિને નશાની ટેવની સાથોસાથ તેઓ બહારથી અલગ અલગ સ્ત્રીને ઘરે બોલાવે છે. આ બાબતે હું વિરોધ કરું તો મારી સાથે ઝઘડો કરે છે. વૃદ્ધાની વાત સાંભળી અભયમની ટીમે ચોંકી જઇને વૃદ્ધાના ઘરે પહોંચી હતી. અભયમની ટીમે વૃદ્ધને સમજાવ્યા કે તમે સમાજમાં આબરૂ ધરાવતા પરિવારના છો યુવાનીના જોશમાં કોઈ આવું કરે તો સમજી શકાય પરંતુ જીવનના આ પડાવ પર નશો કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, બીજું અન્ય મહિલાને ઘેર બોલાવવાથી સમાજમાં પરિવારની આબરૂ જવાનો ભય છે.

આ સંજોગોમાં આ કુટેવો છોડીને શાંતિથી જીવન જીવવાની સલાહ આપી હતી. જેમાં વૃદ્ધને પોતાની ભૂલ સમજાતા તેમણે હવેથી નશો નહીં કરવાની અને કોઈ મહિલાને ઘરે નહીં બોલાવાની બાંહેધરી આપતા મામલો થાળે પડયો હતો.

પત્નીને જીવનભર સાથ આપવાનું વચન આપ્યું
વૃદ્ધાવસ્થામાં પતિ-પત્ની એકમેકનો સહારો બને તે જરૂરી છે ત્યારે આ કિસ્સામાં વૃદ્ધે નશો કરવાની સાથે બહારથી સ્ત્રીઓને ઘરે બોલાવતા પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. અભયમ ટીમની સમજાવટથી વૃદ્ધે તેની પત્નીને અત્યાર સુધીમાં કરેલી ભૂલો સ્વીકારી તેને જીવનભર સાથ આપવાનો વાયદો કર્યો હતો.

ખોટી સોબતથી નશાની લત લાગી
80 વર્ષીય વૃદ્ધ જીવનભર સભ્ય માણસની જેમ વર્તયા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ અમુક ખરાબ માણસોની સોબતમાં આવી જતા તેમની સાથે મિત્રતા વધતા નશો કરવા લાગ્યા હતા.શરૂઆતમાં તેમની પત્નીને પતિ નશો કરે છે તેની ખબર ન હતી પરંતુ એક વખતે નશામાં ધૃત બનીને ઘરે આવેલા પતિની હાલત જોઈને પત્નીને ખ્યાલ આવી ગયો હતો કે પતિ કુસંગતે ચડી ગયો છે.તેમણે પતિને સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ વૃદ્ધ હું મારી મરજીનો માલિક છું તારે મને કંઈ કહેવાનુ નહીં તેમ કહીને વૃદ્ધા સાથે ઝઘડો કરતા હતા.

ઘરકામનું બહાનું કાઢતા હતા
વૃદ્ધને નશાની ટેવ પડ્યા બાદ, શરૂઆતમાં તે સ્ત્રીઓને ઘરે બોલાવતા ત્યારે તેમની પત્ની પૂછે તો તેઓ ઘરકામ માટે સ્ત્રીને બોલાવે છે તેમ કહીને વાત ટાળતા હતા. જો કે રોજેરોજ અલગ અલગ સ્ત્રી ઘરે આવતી જતી હોઈ, વૃદ્ધાએ વાંધો ઉઠાવતા બંને વચ્ચે ઝઘડા વધી ગયા હતા. અંતે કંટાળીને વૃદ્ધાએ મહિલા હેલ્પલાઈનની મદદ માગતા મામલો થાળે પડ્યો હતો.

error: Content is protected !!