પરિવારની વિરુદ્ધ જઈ મંદિરમાં કર્યા હતા લગ્ન, 20 દિવસ બાદ જ પંખા સાથે લટકતી મળી જોવા

એક યુવતીએ લવ મેરેજના 20 દિવસ બાદ જ ગળેફાંસો ખાધો હતો. બંનેની મુલાકાત હજી ત્રણ મહિના પહેલાં જ થઈ હતી. બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો તો પરિવારે ચોખ્ખી ના પાડી હતી. બંનેએ ભાગીને મંદિરમાં જઈને લગ્ન કર્યા હતા. આ દરમિયાન શનિવાર, 11 સપ્ટેમ્બરના રોજ બંને વચ્ચે કોઈક વાતને લઈ ઝઘડો થયો હતો. ત્યારબાદ પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. બંનેના પરિવાર હાલમાં ટેન્શનમાં છે.

મધ્યપ્રદેશના ગ્વાલિયરના મુરારના સિદ્ધેશ્વર નગર નિવાસી 22 વર્ષીય નેહા ચૌહાણ સિટી સેન્ટર પટેલ નગરના એક શોરૂમની પાસે પ્રાઇવેટ ઓફિસમાં નોકરી કરતી હતી. નોકરી આવતા જતા સમય દરમિયાન 3 મહિના પહેલાં તેની મિત્રતા પટેલ નગરમાં રહેતા રાહુલ બાથમ સાથે થઈ હતી. બંને વચ્ચે મુલાકાત વધવા લાગી. 22 ઓગસ્ટે બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા.

લગ્ન બાદ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. શનિવારે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને બંને અલગ અલગ સૂઈ ગયા હતા. સવારે 3.30 વાગ્યા સુધી રાહુલે નેહાને સૂતા જોઈ હતી. પછી તે સૂઈ ગયો હતો. જ્યારે તેની આંખ ખુલી તો નેહાએ ફાંસી લગાવી લીધી હતી. રાહુલે નેહાના ધબકારા ચેક કર્યા તો હૃદય બંધ થઈ ચૂક્યું હતું. આ અંગેની માહિતી મળતા જ વિશ્વવિદ્યાલય પોલીસ સ્ટેશનના અધિકારી ઘટનાસ્થળે આવી ગયા હતા. પોલીસે લાશ લઈ તપાસ શરૂ કરી છે. નેહાના પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો છે.

સામાન્ય બોલાચાલી હતી, ખબર નહોતી કે આવું કરશેઃ આ અંગે નેહાના પતિ રાહુલે કહ્યું હતું કે બંને એકબીજાને ઘણો જ પ્રેમ કરતા હતા. તે રાત્રે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. બંને જમીને સૂઈ ગયા હતા. ખબર નહોતી કે તે આવું કંઈ પગલું ભરશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!