મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, 400થી વધુ લોકો પાણીમાં ખાબક્યા:ઝૂલતા પુલના વચ્ચેથી કટકા, 60થી વધુના મોત…

મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામતા મોડી સાંજે આ પુલ બે ભાગમાં કટકા થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા.

જેમાં 60 બૉડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયાએ દાવો કર્યો છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો​​​​​ છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.

અનેક લોકોના મોતની આશંકા
આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એસપી સહિતના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને વિવિધ આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો બચાવ કાર્યમાં જોડાયા છે. બીજી તરફ 7થી 8 જેટલી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તરવૈયાઓ પણ મોટી સંખ્યામાં પાણીમાં ઉતરીને લોકોને બહાર કાઢી રહ્યા છે.

બેસતા વર્ષે ખુલ્લો મૂકાયો હતો
મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 7 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો. પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે છે.

વર્ષ 1879માં પુલનુ ખાતમુહૂર્ત કરાયું હતું
ઝૂલતા પુલ વિશે વાત કરીએ તો 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે અને તેની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. માત્ર ગુજરાતના મોરબી જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આ ઝૂલતો પુલ ઐતિહાસિક વિરાસત છે.

error: Content is protected !!