પત્ની બિમાર હોય મદદ માટે આવેલી 12 વર્ષીય ભાણીને પટાવી-ફોસલાવીને ભગાડી ગયો સગો માસો
આણંદઃ ખંભાત તાલુકાના લુણેજ ગામમાં રહેતો 28 વર્ષીય શખસ તેની 12 વર્ષીય ભાણીને લગ્નના ઈરાદે પટાવી-ફોસલાવી ભગાડી ગયો હતો. પત્ની બિમાર હોય મદદ માટે તેને ઘરે બોલાવી હતી. એ સમયે દસેક દિવસ સુધી પોતાના ઘરે રહેલી ભાણીને પ્રેમના પાઠ ભણાવી ભગાડી ગયો હતો. જેને પગલે પત્ની સહિતના તેણીના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. આ મામલે સગીરાના પિતાએ ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણની કલમ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ખંભાત તાલુકાના લુણેજ ગામમાં શૈલેષ રમણ રાઠોડ રહે છે. તે ખંભાતની કંપનીમાં ફરજ બજાવે છે. તેના લગ્ન સોજિત્રાના એક ગામમાં થયા હતા. તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. શૈલેષની પત્ની છેલ્લાં દસેક દિવસથી બિમાર હોય તેણે સોજિત્રા ખાતે રહેતી તેની સાળીની મોટી પુત્રીને સારવાર અર્થે લુણેજ બોલાવી હતી. દરમિયાન, તેમની સાળીની 12 વર્ષીય પુત્રી દસેક દિવસથી તેમના ઘરે રોકાઈ હતી. આ કિશોરી હાલ અભ્યાસ કરતી હોય શાળાઓ શરૂ થતાં તેના પિતાએ પરત પોતાના ઘરે મૂકી જવા માટે સાઢુ શૈલેષભાઈને કહ્યું હતું.
જોકે, તેમણે હા પાડી હતી અને 27મીના રોજ તેણીને મૂકી જશે તેમ જણાવ્યું હતું. બીજી તરફ 27મીના રોજ શૈલેષના પત્ની મીનાબેને તેમના બનેવીને ફોન કરીને પતિ અને તેમની પુત્રી બંને જણાં ઘરમાંથી ક્યાંક ગુમ થયા હોવાની જાણ કરી હતી. બંને જણાંનો કોઈ પત્તો નહોતો.
વધુમાં શૈલેષભાઈનો ફોન પણ બંધ આવતો હતો. બંનેની શોધખોળ કરવા છતાં પણ કોઈ પત્તો ન લાગતાં આખરે તેમણે ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશને શૈલેષ રાઠોડ વિરૂદ્ધ અપહરણની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.