મેરેજ એનિવર્સરી ઊજવી ઘરે જતાં દંપતીને કારે મારી ટક્કર, તડપી તડપીને બંનેના મોત, જુઓ શોકિંગ તસવીરો
એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના એસજી હાઈવે-સોલા બ્રિજ પર મોડી રાતે કારચાલકે દંપતીને અડફેડે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. બે મહિનાની મેરેજ એનિવર્સરી ઊજવીને દંપતી પરત ફરી રહ્યું હતું ત્યારે કારચાલકે અડફેટે લીધા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે ટક્કરથી દંપતી ફંગોળાઈ બ્રિજ પરથી નીચે પડ્યું હતું. અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. એસજી હાઇવે 1 પોલીસે હાલમાં આ મામલે ગુનો નોંધી ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.
એનિવર્સરી ઊજવી ઘરે જતાં હતાં પતિ-પત્ની
મળતી માહિતી મુજબ, ચાંદખેડા વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર દ્વારકેશ વાણિયા અને તેમનાં પત્ની જુલી ગઈકાલે મોડી રાતે એક્ટિવા લઈ અમદાવાદના એસજી હાઈવે પર સોલા ભાગવત વિદ્યાપીઠના બ્રિજ પરથી પસાર થતા હતા. એ સમયે પૂરઝડપે આવી રહેલી કારે તેમને અડફેટે લીધા હતા, જેમાં તેમનું બ્રિજ પરથી નીચે પટકાતાં મૃત્યુ થયાં છે.
કારચાલક અકસ્માત સર્જીને ફરાર
મૃતક દંપતીના બે મહિના પહેલાં જ લગ્ન થયા હતા અને ગઈકાલે એની એનિવર્સરી ઊજવવા માટે બહાર ગયાં હતાં. એ સમયે પરત ઘરે ફરતી વખતે આ અકસ્માત થયો હતો. અકસ્માત સર્જાનારી કારની ટક્કર એટલી જોરદાર હતી કે દંપતીને અડફેટે લીધા બાદ 100 મીટરના અંતરે તેઓ બ્રિજ પરથી નીચે પટકાયા હતા. જોકે અકસ્માત બાદ કારચાલક કાર મુકી તરત ફરાર થઈ ગયો હોવાનું અને વેજલપુર વિસ્તારનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. હાલ પોલીસે કારના નંબરના આધારે ગુનો નોંધીને આરોપીને પકડવાની કવાયત શરૂ કરી છે.અમદાવાદમાં મેરેજ એનિવર્સરી ઊજવી ઘરે જતાં દંપતીને કારચાલકે ફંગોળ્યા, બ્રિજ પરથી નીચે પટકાતાં કમકમાટીભર્યા મોત, જોનારાઓ પણ હચમચી ગયા