રત્નકલાકારથી રાજ્યપાલ સુધીની મંગુભાઈની સફર બેદાગ રહી, પદની જાહેરાત થતાં જ હર્ષનાં આંસુ આવ્યાં

નવસારીઃ નવસારી જિલ્લા ભાજપના શરૂઆતના કાર્યકરો પૈકીના એક અને પૂર્વ વનમંત્રી મંગુભાઈ પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવતાં પરિવારજનો અને જિલ્લા ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી છે. સામાન્ય પરિવારમાંથી આવતા અને રત્નકલાકારમાંથી રાજકારણી બનેલા મંગુભાઈ પટેલની રાજકીય કારકિર્દી પણ રોચક રહી છે.

નવસારી જિલ્લાના ભાજપના શરૂઆતના કાર્યકરો પૈકીના એક અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી મંગુભાઇ પટેલ આજે મધ્યપ્રદેશના રાજ્યપાલ જાહેર થતાં પરિવારજનો સહિત જિલ્લા ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી છે, સાથે જ તેમને રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓએ પણ ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી.

રત્નકલાકારથી રાજ્યપાલ સુધીની સફર
રત્નકલાકારની સામાન્ય જિંદગીમાંથી સુધરાઈના સભ્ય અને બાદમાં ધારાસભ્ય અને મંત્રી બનેલા મંગુભાઈ પટેલ હવે રાજ્યપાલના ઉચ્ચપદે પહોંચ્યા છે. નવસારી શહેરના જૂનાથાણા નજીકના શ્રમિક વિસ્તારમાં રહેતા મંગુભાઇ પટેલે 25 વર્ષે જ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. અત્યારસુધીની તેમની રાજકીય કારકિર્દી નિષ્કલંક રહી છે.

કારકિર્દીની પ્રથમ ચૂંટણી હાર્યા, બાદમાં ક્યારે પાછું વળી જોયું નથી
પ્રથમ વખત નવસારી સુધરાઈના વોર્ડ નં . 2 માંથી સુધરાઈ સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી હતી, સુધરાઈની ચૂંટણી નવસારી સમિતિના નેજા હેઠળ લડાઈ હતી, જેની ઉમેદવારી પૂર્વે તેમણે ચૂંટણી લડવાની ના પાડી હતી, પરંતુ બાદમાં ચૂંટણી લડ્યા અને હાર મળી હતી, જેની બીજી ટર્મમાં મંગુભાઇએ જીત નોંધાવી અને ત્યારથી અત્યારસુધી તેમણે પાછળવળીને જોયું નથી.

સતત 27 વર્ષ સુધી ધારાસભ્ય અને એમાં 18 વર્ષ મંત્રીપદે રહ્યા
મંગુભાઈએ વર્ષ 1990માં પ્રથમ વખત નવસારી વિધાનસભા પરથી ધારાસભ્ય બન્યા બાદ સતત 27 વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા, જેમાં 5 ટર્મ નવસારી અને 1 ટર્મ ગણદેવીના ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. જોકે વર્ષ 2017માં ઉંમરની બાધને કારણે મંગુભાઇને ધારાસભ્ય પદ ખોવું પડયું હતું. ધારાસભ્ય દરમિયાન મંગુભાઇએ 18 વર્ષ સુધી રાજ્ય સરકારમાં મંત્રીપદ ભોગવ્યું હતું, જેમાં પ્રથમ રાજ્યકક્ષાના અને ત્યાર બાદ કેબિનેટ મંત્રી રહ્યા હતા. ખાસ કરીને આદિવાસી નેતા તરીકે અને ગુજરાતના પૂર્વ વનમંત્રી તરીકેની તેમની કારકિર્દી ગુજરાત હંમેશાં યાદ રાખશે.

વનમંત્રી તરીકે મહત્ત્વની યોજનાઓ અમલી બનાવી
વનબંધુ કલ્યાણ યોજના અને સિકલસેલ – એનિમિયા નાબૂદી માટેની કામગીરી તેમની સિદ્ધિ નવસારીમાં જનસંઘથી ભાજપના સક્રિય કાર્યકર રહેલા પૂર્વ કેબિનેટ મંત્રી મંગુભાઇ પટેલ ગુજરાતની મોદી સરકારમાં શરૂઆતથી રહ્યા હતા. ગુજરાત મોડલમાં આદિવાસીઓના ઉત્થાન માટે મહત્ત્વની યોજના સાબિત થયેલી વનબંધુ યોજના મંગુભાઈનો જ વિચાર હતો, જેને મોદી સરકારે જીવંત કર્યો જે આજદિન સુધી આદિવાસીઓ માટે લાભદાયી યોજના સાબિત થઈ છે, જેની સાથે જ આદિવાસી વિસ્તારોમાં સિકલસેલ એનિમિયાના કેસો પણ જાગરૂકતાના અભાવે વધુ રહેતા હતા, રાજ્યમાં સિકલસેલ – એનિમિયા નાબૂદી માટેનો મહત્ત્વનો પ્રયાસ મંગુભાઈનો રહ્યો હતો. વનબંધુ અને સિકલસેલ – એનિમિયા નાબૂદી આ બંને યોજના મંગુભાઇની રાજકીય કારકિર્દીની મુખ્ય સિદ્ધિઓ કહી શકાય.

જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહના જણાવ્યા મુજબ, મંગુભાઈને રાજયપાલનું પદ મળતાં અમને ખુશી છે, જનસંઘથી શરૂ કરેલી કારકિર્દીમાં તેઓ રાજ્યપાલના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચતાં સમગ્ર જિલ્લાના ભાજપ સહિત અન્ય પક્ષ પણ આ નિર્ણયથી ખુશ છે, વનબંધુ કલ્યાણ યોજનાના સાકાર થવામાં મંગુભાઈએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, ત્યારે ભાજપમાં કોઈપણ સામાન્ય કાર્યકર મહેનત થકી ઊંચા હોદ્દા સુધી પહોંચી શકે છે.

error: Content is protected !!