વડોદરામાં 5 પુત્રોએ માતાનો 90મા જન્મદિવસે માતાને કાવડમાં બેસાડી પ્રદક્ષિણા કરીને, અનોખી રીતે બર્થડે ઉજવ્યો 

રાજપીપળા નિવાસી જયાબેન શરદચંદ્ર શાહે 89 વર્ષ પૂર્ણ કરી 90 વર્ષમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે નિવૃત્ત આચાર્ય સહિતના તેમના પાંચ પુત્રો, વહુઓ, પૌત્રો, પુત્રવધુઓ તેમજ પૌ પૌત્રો, પુત્રીઓ દ્વારા તેમના કુટુંબીજનો તેમજ જુદા જુદા સમાજના અગ્રણીઓની હાજરીમાં જયા બાના 90મા વર્ષની અનોખી રીત ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ મંગલાચરણ અને યમુનાષ્ટકના પાઠ કરવામાં આવ્યા હતાં.

નિવૃત્ત આચાર્યએ કાવડ તૈયાર કર્યું
વડોદરા નિવાસી તેમના ચોથા પુત્ર પ્રદિપભાઇ કે જેઓ વડોદરાની વિનય વિદ્યાલયમાં નિવૃત્ત આચાર્ય છે તેમણે અને તેમના ટ્રસ્ટી તથા ઇન્ચાર્જ આચાર્યની મદદથી જાતે કાવડ તૈયાર કરવામાં આવી હતી. પાંચે પુત્રોએ કાવડમાં આગળ જયા બાને બેસાડી પાછળ પિતા સ્વ.શરદચંદ્રનો ફોટો મૂકી હોલમાં કાવડ યાત્રા મુખ્ય દ્વારથી સ્ટેજ સુધીની કાઢવામાં આવી હતી. આજની પેઢીને સાક્ષાત શ્રવણે કરેલ તેમના માતા-પિતાની કાવડ યાત્રાની યાદ અપાવી હતી. સૌ કુટુંબીજનોએ જયા બાની પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવ્યા હતા.

માતાએ દીકરાઓને શુભાશિષ આપ્યા
વડોદરા નિવાસી તેમના મોટા દીકરા અશ્વિનભાઈ શાહે માતાની 90 વર્ષની સફરને વાગોળી જયા બાના જીવન ઝરમરના દર્શન કરાવતા ભાવુક થઈ ગયા હતા. કામરેજ નિવાસી બીજા દીકરા અરૂણભાઇએ બાળપણમાં તેમણે કરાવેલ ચાર ઓપરેશન વખતે બાએ ઉઠાવેલ જહેમતની વાત યાદ કરી લાગણીશીલ થયા હતા. રાજપીપળા નિવાસી ત્રીજા દીકરા પ્રદ્યુમનભાઈ, અને સૌથી નાના દીકરા મલકેશભાઈ પણ હાજર હતા. જયા બાએ ઉપસ્થિત તમામને ઠાકોરજી સુખી રાખે તે માટે પ્રાર્થના કરી શુભ આશિષ પાઠવ્યા હતાં.

90 વર્ષની ઉંમરે પણ માજી પોતાનું કામ જાતે કરે છે
જયા બાના જૂના ફોટાઓનો આલ્બમ તૈયાર કરી પણ રજૂ કરવામાં આવ્યો હતો. આજે પોતાના જ કુટુંબના 32 સભ્યો છે. જેમાં 12 વહુઓનો સમાવેશ થાય છે. 90 વર્ષની ઉંમરે પણ તેઓ ધાર્મિક પુસ્તકોનું વાંચન કરે છે. તેમજ દરરોજ સમાચાર પત્ર પણ વાંચે છે. તેઓ પોતાનું કામ પણ જાતે જ કરે છે. ઉપસ્થિત તમામે બાની તંદુરસ્તી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં નવરાત્રિ હોવાથી માતાજીનાં ગરબા કરવામાં આવ્યાં હતાં.

error: Content is protected !!