બંગાળી યુવતીએ એક યુવકને લગ્નની લાલચ આપી અલગ અલગ બહાના હેઠળ 14 લાખ રૂપિયા પડાવ્યા
ભરુચઃ લૂંટેરી દુલ્હનના અત્યાર સીધું અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. જોકે મેટ્રોમોનિયલ સાઇટ ઉપર લગ્ન કરવાની હામી ભરી લગ્ન પહેલા જ યુવતીએ સુહાગરાતના સપના બતાવી યુવાન પાસેથી એક યા બીજા ઝૂમલા રજૂ કરી ₹13.79 લાખ પડાવી લઇ લગ્નના નામે ઠેંગો બતાવી દીધો હોવાનો નોખો કિસ્સો બહાર આવ્યો છે. અંકલેશ્વરમાંથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં બંગાળી બાબુને લગ્નના નામે લૂંટનાર બંગાળી યુવતીની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે.
અંકલેશ્વરમાં રહેતા અને મૂળ પશ્ચિમ બંગાળના યુવકને બેન્ગાલી મેટ્રોમોનિયલ સાઈટ પર યુવતી સાથે ઓળખાણ થઈ હતી. લગ્નવાંચ્છુ યુવકને આ યુવતીએ લગ્નની લાલચ આપીને ₹ 13.79 લાખ પડાવી લીધા હતા. ભેજાબાજ યુવતીએ લગ્ન કરવાની ના પાડીને રૂપિયા પરત ન કરતા આખરે આ મામલો શહેર પોલીસ મથકમાં નોંધાયો હતો. અને શહેર પોલીસે યુવતીની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.
અંકલેશ્વરના ગડખોલ પાટીયા પાસે મકાન નંબર 15, શ્યામધામ સોસાયટીમાં રહેતા અમિતકુમાર બિસનુપદ સામન્ત ઉ. વ. 31 એ લગ્ન માટે બેન્ગાલી મેટ્રોમોનિયલ સાઈટ પર પોતાનું એકાઉન્ટ ખોલાવીને રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ, આ સાઈટ પર તેને સુપ્રિયા તપનકુમાર મજમુદાર રહેવાશી ભટ્ટ નગર, બેલી મ્યુન્સીપાલિટી વેસ્ટ બંગાળ સાથે પરિચય થયો હતો.
યુવતીનો ફોટો પસંદ પડતા અમિતકુમારે યુવતી સુપ્રિયા સાથે વાતચીત શરૂ કરી હતી, અને વોટ્સએપ દ્વારા રસભર વાતચીતનો દોર આગળ વધ્યો હતો. જોકે એકાદ અઠવાડિયાના સમય વીત્યા બાદ યુવતીએ અમિતને તેની માતા બાથરૂમમાં પડી ગઈ છે અને સારવાર માટે રૂપિયા જોઈએ છે, તેમ કહીને પ્રથમવાર રૂપિયા 5000 પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ ઓપરેશન માટે 25000 રૂપિયા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.
આ સિલસિલો યથાવત રહ્યો હતો. ભેજાબાજ યુવતીએ અમિત પાસેથી વીમા પ્રીમિયમ, મેડિકલ, ખરીદી અન્ય જરૂરિયાતો સહિત નિત નવા બહાના હેઠળ અંદાજીત કુલ ₹ 13.79 લાખ પડાવી લીધા હતા. અમિત દ્વારા તેને લગ્ન માટે પુછવામાં આવતા સુપ્રિયાએ બહાના કાઢવાનું શરુ કર્યુ હતુ, પરંતુ સમય જતા અમિતને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું માલુમ પડતા તેને અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ભેજાબાજ બંગાળી યુવતી સુપ્રિયા મજમુદારની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે. યુવતીએ લગ્નના નામે મેટ્રોમોનિયલ બંગાલી કે બીજી અન્ય સાઇટો ઉપર આવા લગ્ન, પ્રણયફાગના કેટલા ખેલ ખેલી કેટલા લોકો પાસેથી રોકડી કરી છે તેની વિગતો તપાસ બાદ જ બહાર આવશે.