હૃદય માત્ર 30 ટકા કાર્યરત, કિડની ખરાબ, બ્લડપ્રેશર નીચું છતાં ભુજની વૃદ્ધાનો જીવ બચી ગયો

ભુજ:શરીરના એક અંગમાં ખોટીપો કે રોગ થાય તો નિયંત્રણમાં લઈ શકાય, પણ એકથી વધુ અવયવમાં નુકસાની સર્જાય તો (મલ્ટીપલ ઓર્ગન ફેઇલર) ખતરો વધી જાય છે. ક્યારેક તો દર્દી જીવથી પણ હાથ ધોઈ બેસે છે. આવા પ્રકારની બીમારી ધરાવતા ગાંધીધામનાં એક વૃદ્ધાને ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાયાં હતાં. તબીબોએ આપેલી એક મહિનાની ઘનિષ્ઠ સારવાર રંગ લાવતાં મહિલા દર્દીને નવજીવન મળ્યું હતું.

હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા અને એસો. પ્રો. ડો. યેશા ચૌહાણે કહ્યું હતું કે ગાંધીધામના 63 વર્ષીય વૃદ્ધા રગુનાબેન જી.કે.માં આવ્યાં ત્યારે જાડા ખૂબ હતાં. શરીર સોજાગ્રસ્ત હતું. ડાયાબિટીસ સાથે કિડની કામ કરતી નહોતી. બી.પી. લો હતું. હૃદય માત્ર 30 ટકા જ કાર્યરત હતું. ફેફસાં નબળાં જણાયાં હતાં. આવી પરિસ્થિતિમાં ગાંધીધામની એક હોસ્પિટલમાથી અત્રે આવ્યાં હતાં.

તેમના વધુ રિપોર્ટ કરાવતાં મલ્ટી ઓર્ગન ડિસ્ફંક્શન સિન્ડ્રોમ(શરીરના બહુવિધ અવયવો અને તંત્રના કાર્યમાં ખોટીપો સર્જાવો) જણાતાં ઘનિષ્ઠ સારવાર શરૂ કરી દેવાઈ. એક તબક્કે શ્વસનતંત્ર બેકાબૂ થતાં દર્દીને વેન્ટિલેટર અને નેબ્યુલાઇઝર પર મૂકવાની નોબત આવી. એક પછી એક તમામ અનિયંત્રિત અવયવો અને સિસ્ટમને નિયંત્રિત કરતાં એક મહિના જેટલો સમય લાગ્યો. દરમિયાન દર્દીનાં સગાંએ તો આશા પણ ત્યજી દીધી હતી. ડો. શક્તિસિંહ ઝાલા, ડો. અનુરાગ બારોટ, ડો. સમર્થ પટેલ, ડો. શૈલી જાની અને ડો. સાગર સોલંકીની ટીમ અને નર્સિંગ સ્ટાફે દર્દીને નવજીવન આપ્યું હતું.

આ લક્ષણો મલ્ટી ઓર્ગન ડિસ્ફંક્શન સિન્ડ્રોમના હોઇ શકે                                                                મલ્ટીપલ ઓર્ગન ડિસ્ટ્રેકશન સિન્ડ્રોમમાં ખાસ તો રોગપ્રતિકારક શક્તિ ખોરવાઈ જાય છે. પરિણામે બ્લડ સર્ક્યુલેશન ખોરવાઇ જાય, પાચનતંત્ર પર અસર થાય, શરીરમાં સોજો, લોહી ગંઠાઈ જાય, પેશાબમાં તકલીફ, શરીરમાં થરથરાહટ, શ્વાસ લેવામાં તકલીફ, માંસપેશીમાં દર્દ વગેરે જણાય છે. જો આવું જણાય તો તાત્કાલિક તબીબની સલાહ લઈ સારવાર કરવી નહીં તો મગજ, હૃદય, ફેફસાં અને કિડની પર અસર થાય છે.

error: Content is protected !!