નડિયાદમાં 5 વર્ષની દીકરીના ગુપ્ત ભાગમાં સોજા આવતાં ડોક્ટર પાસે લઈ ગયા, અંદરથી એવી વસ્તુ મળી કે…
નાના બાળકો રમત રમતમાં કેટલીકવાર એવી ભૂલો કરી બેસતા હોય છે, જેના કારણે તેમના જીવને જોખમ અને પરિવારને મુશ્કેલીમાં મુકી દેતા હોય છે. તાજેતરમાં નડિયાદ શહેરની એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં આવી જ એક બાળ દર્દીને લવાઈ હતી, જેના ગુપ્ત ભાગમાંથી હેરપિન મળી આવી હતી. હોસ્પિટલના ડોક્ટરોએ કાળજી પૂર્વક બાળકીનું ઓપરેશન કરી જીવ બચાવ્યો હતો. જોકે હેરપિન બાળકીના ગૃપ્ત ભાગમાં કેવી રીતે ગઈ હશે એ અંગે ડોક્ટર પણ આશ્ચર્યમાં છે, પરંતુ તેને નવજીવન આપનાર ડોક્ટરનું સ્પષ્ટ કહેવું છે કે આ ઘટના પરથી સમાજે દાખલો લઈ નાની બાળકીઓની વિશેષ કાળજી રાખવી જરૂરી છે.
પાંચ વર્ષની દીકરીના ગુપ્ત ભાગ સાથે કોઈ શારીરિક દુર્ઘટના પણ ઘટી હોઈ શકે. રમત રમતમાં ઘટના ઘટી છે કે પછી તથ્ય કંઈક અલગ છે, એ આશંકા હોવાથી ડોક્ટરે આ બાબતે પોલીસને જાણ કરી છે. મહુધા પંથકમાં રહેતા દંપતીની પાંચ વર્ષની બાળકીને લઘુશંકા માર્ગમાં સોજો આવતાં માતા-પિતા તેને નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલના ગાયનેક વિભાગની ઓપીડીમાં લાવ્યા હતા. બાળકીને ચેક કરતાં છેલ્લા એક માસથી ગૃપ્ત ભાગે સોજો હોવાનું વાલીએ જણાવ્યું હતું. મેડિકલ કોલેજના ગાયનેક વિભાગના વડા ડૉ. ચિંતન ઉપાધ્યાય દ્વારા ચકાસવામાં આવતાં સોજો હોવાથી એનાં કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બાળકીના લઘુશંકા માર્ગમાં ફોરેન પાર્ટિકલ (હેરપિન) ફસાયેલી છે, જે બાબતે માતા-પિતાને અવગત કરતાં એક સમયે તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. જોકે બાળકી નાની હોય ડૉક્ટર દ્વારા સાવધાનીપૂર્વક નિદાન કર્યા બાદ એનું સફળ ઓપરેશન ડોક્ટર ચિંતન ઉપાધ્યાય અને ડૉ.પુકુર ઠેકડીની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું. એ બાદ બાળકી પીડામાંથી મુક્ત થઇ છે. બાળકીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે તે સંપૂર્ણ સાજી થયેલ છે. સમાજ માટે આ એક ઉદાહરણ છે કે નાના બાળકોનું ધ્યાન ખૂબ જ કાળજીપૂર્વક રાખવું જોઈએ.
અનેક નિદાન બાદ આખરે સીટી સ્કેનમાં હેરપિન દેખાઈ
એન.ડી.દેસાઈ હોસ્પિટલના ડૉ. ચિંતન ઉપાધ્યાય જણાવ્યું હતું કે દીકરીને હોસ્પિટલ લાવ્યા બાદ અનેક પ્રકારે નિદાન કરવામાં આવ્યા હતા. પરંતુ સોજો હોવાનું ચોક્કસ કારણ મળતું ન હતું, કે સોજો ઉતરતો પણ ન હતો. જેથી પહેલા સોનોગ્રાફી અને બાદમાં સીટી સ્કેન કરાવતા ગુપ્ત ભાગમાં હેરપિન હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તુરંત ઓપરેશન કરી દીકરીને પીડામાંથી મુક્ત કરવામાં આવી હતી.
વિકૃત માનસિકતા ધરાવતાં તત્વોથી બાળકો અસલામત
આ બાબતે એન.ડી.દેસાઈ હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે આ પ્રકારની ઘટના રમત રમતમાં જવલ્લે જ બનતી હોય છે. સમાજમાં કેટલાક એવા લોકો પણ છે, જેમની માનસિકતા વિકૃત હોય છે. આવા લોકોની વિકૃતિનો બાળક ભોગ ન બને તે માટે ત્યારે નાના બાળકોના માતા-પિતાએ બાળકીઓનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. અન્યથા બાળકીની જિંદગી જોખમાઇ શકે છે.