ગુજરાતમાં વધુ એક દીકરીનો ભોગ લેવાયો, એકતરફી પ્રેમીના ત્રાસથી પરિણીતાનો મોતને વ્હાલું કર્યું
ગુજરાતમાં એકતરફી પ્રેમીના ત્રાસથી વધુ એક દીકરીનો ભોગ લેવાયાનો કિસ્સો સામે આવ્યો છે. પાપ્ત વિગતો અનુસાર કોડીનાર પંથકનાં મોટી ફાફણી ગામના રમેશભાઈ દેગણભાઈ બાભણીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ રોણાજ ગામનો કૌશીક પરબતભાઈ રાવલીયા છેલ્લા ત્રણ મહિનાથી રમેશભાઈની પત્નિના એકતરફી પ્રેમમાં હોય. જેમના ત્રાસથી કંટાળી જઈ રમેશભાઈના પત્નીએ સુત્રાપાડા પંથકનાં પ્રાંસલી ગામે જઈ એક મંદિર પાસે ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ રમેશભાઈના લગ્ન કોડીનાર થયા હોય અને તેને બે નાની બહેન અને એક નાનો ભાઈ છે. બંને બહેનોના લગ્ન થઈ ગયા હોય. નાનો ભાઈ માતા-પિતા સાથે વાડીએ રહેતો હોય અને નાનોભાઈ મેહુલનો મિત્ર કૌશીક રાવલીયા અવારનવાર આવતો જતો હોય જેથી રમેશભાઈની પત્ની સાથે પરીચયમાં આવ્યો હતો. અને માનસીક ત્રાસ પણ આપતો હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરાયો છે.
ગત 23 એપ્રિલના રોજ આ મૃતક પરિણીતા પતિ એક પુત્ર અને પુત્રી સાથે કોડીનાર દવાખાના કોઈ કામ અર્થે ગયા હતા.અને પરિણીતા અને તેમનો પુત્ર એક મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. ત્યાં જ ઝેરી ટીકડા ખાઈ આપઘાત કર્યો હતો. અને 108 દ્વારા સારવાર માટે લઈ જવાયા હતા. વધુ સારવાર માટે અંબુજા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.