ઇકોની ટક્કરે જૈન સાધ્વી અને શ્રાવિકાનું મોત, મચી ગઈ અરેરાટી, માઈ ભક્તો રડી પડ્યા
ઇડર વડાલી રોડ પર જેતપુર નજીક સોમવારે રાત્રે નવેક વાગ્યે વિહારમાં નીકળેલ 27 વર્ષીય જૈન સાધ્વી અને શ્રાવિકાને પાછળથી ટક્કર મારી જીવલેણ ઈજાઓ પહોંચાડતા બંનેના મોત થતાં ચકચાર મચી હતી. અકસ્માત કરી ઇકોનો ચાલક ફરાર થઇ ગયો હતો. તા.09-05-22 ના રોજ સવારે ઇડરમાં નવીન ઉપાશ્રયનો શિલાન્યાસ હોઇ ઈડર પાવાપુરી જૈન મંદિરથી જૈન આચાર્ય રીમકારેશ્વર મહારાજ, અન્ય એક સાધુ મહારાજ અને વિશુદ્ધિ મહારાજ અરવલ્લી સોસાયટીમાં આવ્યા હતા અને નવીન ઉપાશ્રયનો શિલાન્યાસ કરી સાંજે સાડા છ એક વાગ્યાના સુમારે વિહાર કરી વડાલીના વટપલ્લી જૈનતીર્થમાં પગપાળા જવા નીકળ્યા હતા તેમની સાથે સૂચિતકુમાર શાહ કાર લઈને નીકળ્યા હતા.
ગાડીની આગળ એક મહારાજ અને પાછળ સાધ્વી વિશુદ્ધિ માલાશ્રીજી મહારાજ સાહેબ, બે શ્રાવિકા દિયાબેન સચીનકુમાર દોશી અને બીજા એક શ્રાવિકા અને અન્ય એક સાધ્વીજી મહારાજ પગપાળા જઈ રહ્યા હતા. રાત્રે નવેક વાગ્યાના સુમારે વડાલી નજીક જેતપુર બસ સ્ટેન્ડથી થોડે આગળ ઇડર બાજુથી આવી રહેલ ઈકોના ચાલકે સાધ્વી વિશુદ્ધિ માલાશ્રીજી મહારાજ સાહેબ (27) અને શ્રાવિકા દિયાબેન સચીનકુમાર દોશી (20) ને ટક્કર મારી રોડ પર ઘસેડતા બંનેને માથામાં અને શરીરે જીવલેણ ઈજાઓ થઈ હતી.
સુચિતકુમાર બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લઇ ગયા હતા.પરંતુ તબીબે મૃત જાહેર કર્યા હતા. જૈન સાધ્વીજી અને શ્રાવિકાના મોત નિપજવાની ઘટનાને પગલે જૈન સમાજમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. વડાલી નજીક હીટ એન્ડ રન કેસમાં વધુ એક જૈન સાધ્વીજી મહારાજ અને શ્રાવિકાનું મોત થતાં બેફામ વાહન હંકારતા ચાલકો વિરુદ્ધ કડક કાયદો લાવવાની માંગ પેદા થઈ છે.
પૂજ્ય સાધ્વીજી વિશુદ્ધિમાલાશ્રીજી મહારાજ સાહેબના પાર્થિવ દેહને વડાલીના વટપલ્લી તીર્થ ખાતે દર્શનાર્થે રાખ્યો હતો. ત્યારે જિલ્લા સહિત શહેરના જૈન સમાજ ના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. વટપલ્લી તીર્થથી વાજતે-ગાજતે હાઈવે રોડ થઈ ભવ્ય પાલખીયાત્રા યોજાઈ હતી.
પાલખી યાત્રા શહેરના ચામુંડા માતાજી મંદિર પાસે આવેલા સાધુ-સાધ્વીજી ના અંતિમ ધામ ખાતે પહોંચી હતી જ્યાં મોટી સંખ્યામાં જૈન સમાજ ના ભક્તો ની ઉપસ્થિતિમાં પૂજ્ય સાધ્વીજી વિશુદ્ધિમાલાશ્રીજી મહારાજ સાહેબની અંતિમ ક્રિયા કરાઇ હતી.- જૈમિન ભાવસાર
શ્રાવિકા દિયા નાનપણથી ધાર્મિક હતી: કાકા
શ્રાવિકા દિયાના કાકા ચિંતનભાઈ ગીરીશભાઈ દોશીએ જણાવ્યું કે દિયા નો પરિવાર ઇડર વલાસણા રોડ પર આવેલ અરવલ્લી સોસાયટીમાં રહેતા દિયા નાનપણથી પુણ્યની ભાવના હતી અને ધાર્મિક ભાવ હતો અને આખો પરિવાર ધાર્મિક હતો. તેમજ ધર્મ નું કામ હોય કે સાધુ ભગવાન નું કામ હોય સેવા હોય વિહાર હોય દિયાના ભાવ ઉચ્ચ હતા. તપ અને આરાધના કરતી તેમજ પર્યુષણ વગેરે કરતી હતી .વધુ સમય સેવા પૂજા માં પસાર કરતી સાધ્વીજીના પાર્થિવ દેહને વડાલીના વટપલ્લી તીર્થ ખાતે દર્શનાર્થે રાખાયો, શ્રાવિકા દિયા નાનપણથી જ હતી ધાર્મિક, જુઓ તસવીરો