15 વર્ષની સગીરાના શરીરમાં ફેરફાર દેખાયા ડૉક્ટર પાસે લઈ ગયા, 7 મહિનાનો ગર્ભ…
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સંબંધોને લાંછન લગાડતો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. સગીર વયની કિશોરીને તેના જ માસીએ પોતાના મિત્ર પાસે મોકલી દુષ્કર્મ ગુજારવામાં મદદ કરવા મામલે ફરિયાદ નોંધાઇ છે. જોકે સગીરાને ગર્ભ રહી જતા તબીબી તપાસમાં સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટનાને પગલે પોલીસે સગીરાના માસી અને દુષ્કર્મ ગુજારનાર યુવકની ધરપકડ કરી છે. કોણ છે આરોપી અને કઈ રીતે એક માસીએ પોતાની જ ભાણી પર દુષ્કર્મ આચરવામાં યુવકને મદદ કરી હતી. ગોમતીપુર પોલીસે બન્નેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
માસીએ દીકરીની જિંદગી બરબાદ કરી
ગોમતીપુર પોલીસ પકડેલા આ બન્ને આરોપીઓએ એક સગીર વયની દીકરીની જિંદગી બરબાદ કરી નાખી છે. અને સૌથી મહત્વની વાત તો એ છે 15 વર્ષની સગીરા સાથે બનેલી દુષ્કર્મની ઘટનામાં આરોપીની મદદ કરવામાં અન્ય કોઈ નહીં, પરંતુ સગીરાના સગા માસી જ હોવાનું ખુલ્યું છે. સ્ક્રીન પર દેખાતા આરોપીનું નામ છે બળદેવ સાગઠીયા અને તેની સાથે દેખાતી મહિલાએ પોતાની જ બહેનની સગીર વયની દીકરીને પોતાના ધર્મના ભાઈ પાસે મોકલી હતી. ગોમતીપુર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને શરીરમાં ફેરફાર દેખાતા માતાએ ડૉક્ટર પાસે તપાસ કરાવતા તેને 7 મહિનાનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. જેથી સગીરાની પૂછપરછ કરતા તેને પોતાની સાથે બનેલી ઘટના જણાવી હતી.
બે વાર બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા
અંદાજે નવ મહિના પહેલા સગીરા પોતાની માસી સાથે બજારમાં ગઈ હતી, તે સમયે માસીનો મિત્ર બળદેવ સાગઠીયા ત્યાં આવ્યો હતો અને તેણે સગીરાની માસીને સગીરા સાથે પ્રેમ સંબંધ કરાવવા માટે જણાવતા કિશોરીની માસીએ જ સગીરાને લઈને પોતાના ધર્મના ભાઈ સાથે એક ઘરમાં લઈ ગઈ હતી. જ્યાં સગીરાની માસીએ જ તેને અન્ય રૂમમાં આરોપી સાથે મોકલતા બળદેવ સાગઠીયાએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ એટલામાં ન અટકતા થોડાક દિવસો બાદ ફરી એકવાર સગીરા જ્યારે તેના માસી સાથે જઈ રહી હતી, ત્યારે સગીરાને તેના ઘરે છોડવાનું કહીને પોતાની બાઈક ઉપર બેસાડી પોતાના ઘરે લઇ જઇ બીજી વાર તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા.
આરોપીએ પોતાની પત્નીની છૂટાછેડા આપેલા છે
મહત્વનું છે કે, ગોમતીપુર પોલીસે આરોપીને ઝડપી પૂછપરછ કરતાં સામે આવ્યું કે, આરોપી બળદેવ સાગઠીયા પોતે પરિણીત છે અને તેણે પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા છે, જોકે તેણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે બે વખત મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી જતા પરિવારને જાણ થઈ હતી અને પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી સગીરાને અને આરોપીને મેડિકલ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ મામલે પકડાયેલી સગીરાની માસીના અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોય જે બાબતની જાણ ભત્રીજીને હોવાથી પોતાની કરતૂત છુપાવવા સગીરા સાથે દુષ્કૃત્ય કરવામાં પોતાના મિત્રને મદદ કરી હોવાની ચર્ચા ચાલતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.