ગુજરાતનો શોકિંગ બનાવ, યુવક યુવતીનું ગળું કાપી બાથરૂમમાં પૂરી ભાગી ગયો, તડપી તડપીને યુવતી…
ગુજરાતમાં વધુ એક હિચકારો બનાવ સામે આવ્યો છે. આણંદના ઉમરેઠની કાછિયાપોળમાં યુવતીનું ગળું કાપી તેની હત્યા કરવાની કોશિશ થઈ હોવાની ઘટના બની છે. એક દિવસ પહેલાં જ અહીં ભાડે રહેવા આવેલાં યુવક- યુવતી વચ્ચે અણબનાવ થતા યુવકે યુવતીના ગળે છરી ચલાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતીએ બુમરાણ મચાવતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા અને તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. ઉમરેઠ પોલીસને આ અંગે જાણ થતાં કાયદેસર કાર્યવાહી આરંભી છે.
વહેલી સવારથી જ ઝઘડો થયો હતો
પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠની કાછિયાપોળમાં ગઈકાલે જ યુવક- યુવતી ભાડે રહેવા આવ્યાં હતાં. જેઓ વચ્ચે આજે વહેલી સવારથી જ ઝઘડો થયો હતો. જે દરમિયાન બપોરના સમયે યુવકે યુવતીના ગળામાં ઘા મારી બાથરૂમમાં પૂરી દીધી અને યુવક મકાનને બહારથી તાળું મારી જતો રહ્યો હતો.
રહીશોએ યુવતીને સરકારી હોસ્પિટલમાં ખસેડી
ઘરમાં બંધક બનેલી અને ઘાયલ યુવતીએ બુમરાણ મચાવતાં આસપાસના રહીશો ટોળે વળ્યાં હતાં અને મકાન માલિકને આ અંગે જાણ કરી હતી. જેથી મકાન ખોલતાં જ બાથરૂમમાંથી ઘાયલ યુવતી ઢળી પડી નજરે ચઢી હતી જ્યાં પોળના રહીશોએ 108ને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી.
યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા થતાં નડિયાદ સિવિલમાં ખસેડાઈ હોવાની માહિતી મળી છે. આ અંગે ઉમરેઠ પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ આ અજાણ્યા યુવક યુવતી ક્યાંનાં છે તેની તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
શું હતો ગ્રીષ્માકાંડનો સમગ્ર મામલો?
સુરતના કામરેજના પાસોદરામાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ જાહેરમાં ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ નામનો યુવક એક વર્ષથી ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનો પીછો કરી રહ્યો હતો.
જેનાથી કંટાળીને ગ્રીષ્માએ તેના ભાઈ અને મોટા પપ્પાને ફરિયાદ કરતાં તેઓએ ફેનિલને ઠપકો પણ આપ્યો હતો. જોકે, એક દિવસ સાંજે ફેનિલ બદલો લેવા માટે હાથમાં ચપ્પુ સાથે ગ્રીષ્માને મળવા પહોંચ્યો હતો. જ્યાં તેણે જાહેરમાં ચપ્પુથી ગ્રીષ્માનું ગળું કાપીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.