મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારની બોલેરો કાર પર ડંપર પલટતા, પુત્રી સહિત 3નાં મોત 5 ગંભીર
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશનાં ઇંદોર-બૈતૂલ હાઇવે પર સોમવારે મોડી રાત્રે એક ગંભીર રોડ અકસ્માત થયો છે. દેવાસ જિલ્લાના રાધૌગઢ અને અકબરપુર વચ્ચે ઇંદોરથી આવી રહેલી બોલેરો કાર પર નેમાવરથી રેતી ભરીને આવી રહેલી ડંપર પલટી ગઈ. બોલેરોમાં સવાર 8 લોકોમાંથી 2 વર્ષની બાળકી સહિત ત્રણ લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં. ઘટના રસ્તા વચ્ચે ઝઘડી રહેલા બાઇકસવારોને બચાવવામાં બની.
પોલીસના જણાવ્યા મુજબ, દેવાસમાં માતા ચામુંડા ટેકરીથી પરત ફરતી વખતે ડમ્પર બોલેરોની આગળની બાજુ પલટી ગયો હતો, જેમાં બોલેરોના ડ્રાઇવર અને સાથે બેસેલી 2 વ્યક્તિ સહિત એક બાળકીનાં મોત થયાં હતાં. બોલેરોના આગળના ભાગનો ભુક્કો થઇ ગયો હતો. આ અકસ્માતમાં પ્રદીપ વ્યાસ (40), તેની બે વર્ષની પુત્રી દિવ્યાંશી અને ડ્રાઇવર કમલેશ માલવિયા (30)નાં મોત નીપજ્યાં હતાં, જ્યારે કિરણ વ્યાસ (30), શીતલ વ્યાસ (24), મોનિકા (35), વિષ્ણુ પ્રસાદ (45) અને સંદીપ વ્યાસ (30)ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે બધા હોશંગાબાદ જિલ્લાની સીવની માલવા તાલુકાના માલાપત ગામના રહેવાસી છે. ઘાયલોને સારવાર હેઠળ ઈંદોર લઇ જવામાં આવ્યા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હાઇવે પર બે બાઇકસવાર ઝઘડો કરી રહ્યા હતા. એ દરમિયાન ડંપર ઝડપથી પસાર થઈ રહી હતી અને બાઇકસવારોને બચાવવાના પ્રયાસમાં ડ્રાઇવરે બ્રેક લગાવી, પરંતુ એ કાબૂ બહાર જતાં બાજુથી ક્રોસ કરી રહેલી બોલેરો ઉપર પલટી ગઈ હતી.
JCBથી રેતી હટાવી મૃતકો અને ઘાયલોને કાઢવામાં આવ્યા
અકસ્માત પછી રસ્તા પર અફરાતફરી જેવો માહોલ બની ગયો હતો. બોલેરોમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યા હતા, પરંતુ નિષ્ફળ રહ્યા. પોલીસ આવે એ પહેલાં ગ્રામજનોએ જેસીબી અને ક્રેન બોલાવ્યા હતા, જેનાથી મૃતકો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.