પાવાગઢ મહકાળી માતાજી મંદિર નો ઇતિહાસ, ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે માં….
પાવાગઢ : ચાંપાનેર પાવાગઢની તળેટીમાં વસેલું છે, જ્યાંથી આશરે 5 કિલોમીટરના અંતરે માચી ગામ આવેલું છે, જે ઐતિહાસિક ગામ છે. ચાંપાનેર ગુજરાતનાં સુલતાન મહમદ બેગડાની રાજધાની હતી. જે હાલમાં સંરક્ષિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને તેના ઐતિહાસિક મહત્વને આધારે તેની જાળવણીનું કામ યુનેસ્કો (UNESCO) દ્વારા થઇ રહ્યું છે. અહીં પ્રસિદ્ધ કિલ્લો આવેલો છે અને પવિત્ર યાત્રાધામ પાવાગઢ અહીંથી ખુબજ નજીક છે. અહી ઐતિહાસિક કિલ્લો છે. જેમાં મોતી મસ્જિદ, જામા મસ્જિદ આવેલી છે. જે સુલતાન મહમદ બેગડાના સમયમાં બની હતી.
પાવાગઢ એટલે પિકનિકની સાથે સાથે ધાર્મિક યાત્રા પણ થઇ જાય તેવું સ્થળ. વડોદરાથી માત્ર 50 કિલોમીટરના અંતરે આવેલું છે પાવાગઢ, પર્વત પર વિશ્વ પ્રસિદ્ધ મહાકાળી માતાનું મંદિર આવેલું છે. ગુજરાતમાં 2930 ફૂટની ઉંચાઈ ધરાવતો પાવાગઢ પર્વત પૌરાણિક છે. ધાર્મિક કથા અનુસાર વર્ષો પહેલા પાવાગઢમાં પતઇ કુળના રાજા રાજ્ય કરતા અને તેઓ મહાકાળીના ભક્ત હતાં અને મહાકાળી આ કુળની ભક્તિથી પ્રસન્ન થઇ નવરાત્રી દરમિયાન અહીં ગરબા રમવા આવતાં.
એક માન્યતા મુજબ સુર સમ્રાટ તાનસેનને સંગીતમાં હરાવીને પોતાના પિતાનાં મૃત્યુનો બદલો લેનાર બૈજુનું જન્મ સ્થળ પણ આ ચાંપાનેર ગામ જ હતું. ચાંપાનેર પંચમહાલ જિલ્લાનું મુખ હોવા ઉપરાંત તેની આસપાસ આવેલી વન્યસૃષ્ટિ અને વનરાજી માટે પણ જાણીતું છે. અહીં પર્વતારોહકો પર્વતારોહણ દ્વારા પાવાગઢ તેમજ આસપાસનાં નાની ટેકરીઓ સર કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરતા હોય છે. અહીં આસપાસ જોવાલાયક એવા પાવાગઢ, જાંબુઘોડા અભયારણ્ય જેવા અનેક નાના મોટા સ્થળ છે.
પ્રવાસીઓ પાવાગઢનો અદભૂત નજારો માણવા ઉમટી પડ્યા
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ચોમાસું શરૂ થતા ડુંગરપુરનું પ્રાકૃતિક સૌંદર્ય લીલી ચાદર ઓઢી લેતા પ્રકૃતિ પ્રેમીઓ તેમજ પ્રવાસીઓ પાવાગઢનો અદભૂત નજારો માણવા ઉમટી પડયા છે. સતત એક અઠવાડિયાથી પાવાગઢમાં વ્યવસ્થિત વરસાદ થતા પાવાગઢ ડુંગર પરના ગુપ્તેશ્વર ધોધ તેમજ ખુણીયા મહાદેવ ધોધ શરૃ થઈ ગયા છે. જેના કારણે પાવાગઢનો અદભૂત નજરો મનમોહક જણાઈ આવે છે.
ધોધ શરૂ થતાં ફોટોગ્રાફી માટે બેસ્ટ ચોઈસ છે પાવાગઢ
ધોધ શરૂ થતાં પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં આ ધોધનો નજારો માણવા પાવાગઢમાં ઉમટી પડે છે. પાવાગઢ ડુંગર લીલી ચાદર ઓઢી લેતો ડુંગરો નયન રમ્ય નજારો જોઇ પ્રવાસીઓ અભિભૂત થતાં હોય છે. ત્યારે ધોધની સાથે અહીં આસપાસનો નજારો પણ પ્રવાસીઓનું મન મોહી લે છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંના કુદરતી સૌદર્યની મજા માણતા તેમજ સેલ્ફી તેમજ ફોટોગ્રાફી કરતા જોવા મળે છે. જ્યારે વરસાદ સારો થતાં પાવાગઢ નજીક આવેલા હાથણી માતાનો ધોધ તેમજ શિવરાજપુર નજીક આવેલ નજર માતાનો ધોધ પણ શરૂ થઈ જાય છે.