ડૂબતા દોસ્તને બચાવવા એક પછી એક 6 મિત્રો ડેમમાં કૂદી પડ્યા, સાતેય જોતજોતામાં જ મોતને ભેટી પડ્યા
હિમાચલ પ્રદેશના ઉના સ્થિત ગોવિંદ સાગર સરોવરમાં ડૂબી જવાને લીધે 7 યુવકનાં મોત થયાં છે. આ તમામ યુવકો પંજાબના મોહાલી જિલ્લાના રહેવાસી હતા. આ ઘટના બપોરે લગભગ 3 વાગ્યા આસપાસ સર્જાઈ હતી. ગરીબનાથ મંદિર નજીક સરોવરમાં સૌ પહેલા એક યુવક ડૂબી ગયો હતો અને ત્યાર બાદ 6 યુવક તેને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા. જોકે આ પૈકી કોઈ પાણીની બહાર આવી શક્યા નહોતા.આ યુવકોના મૃતદેહો મળી આવ્યા છે. મંગળવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારને સોંપી દેવામાં આવશે.
નૈનાદેવીનાં દર્શન માટે આવ્યા હતા, સરોવરમાં એક યુવક ઊતર્યો હતો
પંજાબના મોહાલીથી 11 યુવક નૈનાદેવીનાં દર્શન માટે આવ્યા હતા. દર્શન બાદ બાબા બાલક નાથ મંદિરનાં દર્શન માટે નીકળ્યા હતા. તમામ બપોરે 12:30 વાગ્યા આસપાસ બાબા ગરીબનાથ મંદિર પહોંચ્યા હતા.
દર્શન બાદ એક યુવક ગોવિંદ સાગર સરોવરમાં સ્નાન કરવા ઊતર્યો હતો, જે ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તેને જોઈ અન્ય 6 યુવક બચાવવા માટે સરોવરમાં કૂદી પડ્યા હતા.
વરસાદને લીધે આ સરોવરમાં વિપુલ પ્રમાણમાં પાણી હતું, જે અંગે તેઓ કોઈ અંદાજ લગાવી શક્યા ન હતા અને તમામ યુવકો ડૂબી ગયા હતા. અન્ય સાથીઓ બૂમો પાડવા લાગ્યા હતા,
જેને લીધે આજુબાજુના લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. સ્થાનિક તરવૈયાઓએ સરોવરમાં ડૂબી રહેલા યુવકોને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. સાંજના 6 વાગ્યે 6 મૃતદેહ કાઢી શકાયા હતા.
6 યુવક 16થી 19 વર્ષના છે, એક યુવક 32 વર્ષનો હતો
ડૂબી જનારા 6 યુવક 16થી 19 વર્ષની ઉંમરના હતા, જ્યારે એક યુવક 32 વર્ષનો હતો. આ તમામ મોહાલી જિલ્લા નજીક આવેલા બનૂડ વિસ્તારના હતા. DSP હેડક્વાર્ટર કુલવિંદર સિંહે જણાવ્યું હતું કે ડૂબનારા યુવકોમાં પવન (35), રમન કુમાર (19), લાભ સિંગ (17), લખવીર સિંહ (16), અરુણ કુમાર (14), વિશાલ કુમાર (18), શિવા (16) છે.
2 મહિના અગાઉ પંજાબના 2 યુવક ડૂબી ગયેલા
ગોવિંદ સાગર સરોવરમાં પંજાબ અથવા અન્ય રાજ્યોથી આવતા લોકો સ્નાન માટે ઊતરે છે, જોકે ઘણી વખત તેઓ દુર્ઘટનાનો શિકાર બને છે. જૂન મહિનામાં પણ અહીં પંજાબથી આવેલા 2 યુવક ડૂબી ગયા હતા.
વહીવટીતંત્ર તરફથી ગોવિંદ સાગરમાં ઊતરવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. તેમ છતાં અન્ય રાજ્યોમાંથી આવતા લોકો પાણીમાં ઊતરે છે.