પિતા લકવાગ્રસ્ત, માતાએ ઘરકામ કરી પૈસા બચાવ્યા, પોણા બે લાખ આપીને દીકરા માટે લાવ્યા નવી વહુ, પણ સાતમાં દિવસે માનતાનું બહાનું કરીને…

લગ્નવાંછુકો માટે મહેસાણામાં વધુ એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. પાત્રની ખરાઈ કર્યા વગર એક પરિવારને પુત્રવધુ લાવવી મોંઘી પડી છે. વાત એમ બની છે કે મહેસાણાના એક પરિવારે 1.70 લાખ આપી દલાલ મારફતે ભરૂચની એક યુવતી સાથે પુત્રના લગ્ન કરાવ્યા હતા. જોકે, લગ્નના સાતમા જ દિવસે માનતા પુરી કરવાનું કહીં પુત્રવધુ તમામ દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી. દુલ્હન પરત ન ફરતા પરિવારે દલાલોનો સંપર્ક કરતા તેમણે 1.70 લાખમાંથી માત્ર 30 હજાર પરત આપ્યા હતા અને બાદમાં ધમકીઓ આપી હતી. આ અંગે પરિવારે ચાર માસ અગાઉ પોલીસમાં અરજી આપી હતી. જોકે હજુ સુધી ફરિયાદ ન નોંધાતા પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે.

મધ્યમ વર્ગીય પરિવાર સાથે છેતરપિંડી
મહેસાણામાં આવેલા નાગલપુર વિસ્તારમાં રહેતા હિગુ રૂપાબેન પ્રકાશભાઈ પોતાનું ઘર કામ કરી ગુજરન ચલાવે છે. પરિવારમાં પતિ સાત વર્ષથી લકવાગ્રસ્ત છે. ત્યારે સંતાનમાં બે દીકરા છે. જેમાં દીકરા પ્રભાતને સમાજમાં સગપણ ન થતા તેઓ યુવતીની શોધમાં હતા.

ભરૂચની યુવતી જોડે લગ્ન કરાવ્યા
પરિવાર પુત્ર માટે કન્યાની શોધમાં હતો હત્યારે મહેસાણાના ગોકળગઢના દેવજી ચૌધરી અને ઈશ્વર ચૌધરી સાથે સંપર્ક થતા. તેઓએ દીકરા માટે ભરૂચની કન્યાની વાત કરી હતી અને કન્યા લાઇ આપવાના 2 લાખ થશે એમ કહી 1.70 લાખમાં મામલો પટાવ્યો હતો.

યુવતીના મળતીયાઓને પૈસા આપી લગ્ન કરાવ્યા
1.70 લાખમાં નક્કી થયા બાદ મહેસાણાનો પરિવાર દીકરા માટે કન્યા જોવા ભરૂચ જિલ્લાના કાછીયા ગામે ગયો હતો. જ્યાં તેઓ ભરૂચની હોટેલમાં રોકાયા હતા. આ દરમિયાન હોટેલમાં 1.15 લાખ રૂપિયા અનિતા નામની કન્યાને પરિવારે આપ્યા હતા. આ દરમિયાન યુવકની માતાએ પૈસા ગણતો વીડિઓ પોતાના મોબાઈલમાં કેદ કરી દીધો હતો. ત્યારબાદ અનિતાના લગ્ન પ્રભાત જોડે કરાવવામાં આવ્યા હતા અને બાદમાં પરિવાર મહેસાણા પરત આવ્યો હતો. જેમાં આવવા જવાના ખર્ચના કરીને 20 હજાર ખર્ચ અને બીજો ખર્ચ મળીને કુલ 66 હજાર આપ્યા હતા.

સાતમાં દિવસે ફરાર થઇ ગઇ
પ્રભાત સાથે લગ્ન કર્યાના સાતમા દિવસે પુત્રવધુ અનિતાએ પોતાના સાસુને કહેલું કે, મારા પિયર માનતા કરવા જવાનું છે. એમ કહેતા સસરિયાએ દલાલોને વાત કરી હતી અને બાદમાં અનિતાને પિયર જવા દીધી હતી. જેમાં અનિતા ઘરેણા પણ લઇને ગઇ હતી. ત્યારબાદ લૂંટેરી દુલ્હન અનિતા સાસરીમાં પરત ન આવતા સાસરીયાએ અવારનવાર કોલ કરી વાત કરવા પ્રયાસ કર્યા હતા. એમ છતાં દુલ્હન પરત આવી નહોતી. જેથી પરિવારે સમગ્ર મામલે મહેસાણાના ગોકળગઢના દલાલોને જાણ કરતા પ્રથમ તેઓએ 30 હજાર પરત આપ્યા હતા અને બાદમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

પરિવારે 5 સામે ફરિયાદ નોંધવા અરજી કરી
ભોગ બનનાર મહેસાણાના પરિવારે સમગ્ર છેતરપિંડી મામલે દલાલ દેવજી ચૌધરી અને ઈશ્વર ચૌધરી (રહે ગોકળગઢ), અનિતા કાંતિલાલ વસાવા, સુમન કાંતિલાલ વસાવા, ધર્મેશ કાંતિભાઈ વસાવા (તમામ રહે ભરૂચ)સામે પોલીસ ફરિયાદ નોંધવા રજુઆત કરી હતી. જોકે, પોલીસમાં અરજી કર્યાના ચાર માસ વીત્યા છતાં હજુ પણ આ મામલે કોઇ પ્રકારની પોલીસ ફરિયાદ ન નોંધાઇ હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસ ઝડપી ફરિયાદ દાખલ કરી ન્યાય આપાવે એવી માંગ પરિવાર કરી રહ્યો છે.મહેસાણામાં લગ્નના સાત દિવસ પણ નહોતા વિત્યાને નવવધૂએ કર્યો એવો કાંડ કે પરિવાર હચમચી ગયો

error: Content is protected !!