હવસખોર ફઈ અને માસીના દીકરાએ યુવતી પર ચાર વર્ષ સુધી અવારનવાર દુષ્કર્મ આચરી દોઢ મહિનાનો ગર્ભ રાખી દીધો

હવસખોર ફઈ અને માસીના દીકરાએ યુવતી પર ચાર વર્ષ સુધી અવારનવાર દુષ્કર્મ આચરી દોઢ મહિનાનો ગર્ભ રાખી દીધો

એક શોકિંગ અને આંચકાજનક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના કોઠારિયા મેઇન રોડ પર રહેતી 21 વર્ષીય યુવતી ઉપર તેના માસીના દીકરા અને ફઈના દીકરાએ ચાર વર્ષ સુધી હેવાનિયત આચરી હોવાની ઘટના સામે આવી છે. બન્ને યુવતીને પરિવારને મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરતા હતા. બન્ને દુષ્કર્મ આચરી યુવતીને દોઢ માસનો ગર્ભ રાખી દીધો છે. આ અંગે યુવતીએ રાજકોટ મહિલા પોલીસ મથકમાં બન્ને ભાઈઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બન્ને નરાધમો યુવતીના કૌટુંબિક માસી-ફઈના દીકરા ભાઇઓ
રાજકોટ મહિલા પોલીસ મથકમાં યુવતીએ પોતાના માસીના દીકરા ધ્રુવ જેઠુરભાઇ હુંબલ અને ફઈના દીકરા રાજેશ ખીમાભાઇ બકુત્રા સામે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતુ કે, તે પરિવાર સાથે છેલ્લા દસ વર્ષથી રાજકોટમાં વસવાટ કરે છે. ધ્રુવ અને રાજેશ તેના કૌટુંબિક માસી-ફઈના દીકરા ભાઇઓ થાય છે. આથી તેને વર્ષોથી ઓળખતા હોય અને બન્નેના પરિવારજનો સાથે ઘર જેવા સંબંધ હોય આવવા-જવાનો વ્યવહાર પણ છે.

યુવતી ઘરે એકલી હોય ત્યારે બન્ને વારા ફરતી આવી દુષ્કર્મ આચરતા
આરોપી ધ્રુવ અને રાજેશ છેલ્લા ચારેક વર્ષથી જ્યારે યુવતીના ઘરમાં કોઇ ન હોય ત્યારે એકલતાનો લાભ ઉઠાવી તેના ઘરે વારા ફરતી જઇ તેની સાથે શારીરિક સંબંધો બાંધતા હતા. તેમજ જો યુવતી તેનો વિરોધ કરે તો પરિવારજનોને મારી નાખવાની ધમકી આપતા હતા. દરમિયાન બે મહિના અગાઉ યુવતીના કૌટુંબિક કાકાનું અવસાન થયું હોય યુવતીના પરિવારજનો તેના ઘરે જતા હોય ત્યારે યુવતી એકલી હતી. આ દરમિયાન રાજેશ અને ધ્રુવ સાથે આવી યુવતી ઉપર દુષ્કર્મ આચરતા હતા. દરમિયાન યુવતીને માસિકના દિવસો ચડતા હોય જે અંગેની જાણ રાજેશ અને ધ્રુવને થઇ જતા બન્ને કોઇક દવા લઇ આવ્યા હતા અને તે દવા યુવતીને બળજબરીપૂર્વક પીવડાવી દીધી હતી.

ખાનગી હોસ્પિટલના તબીબોએ દોઢ માસનો ગર્ભ હોવાનું જણાવ્યું
દવા પીવડાવ્યા બાદ યુવતી ચારથી પાંચ દિવસમાં માસિકમાં આવી જતા તેણે પોતાના પરિવારજનોને જાણ કરતા યુવતી અને તેની માતા ખાનગી હોસ્પિટલમાં તપાસ અર્થે ગયા હતા. અહીં તબીબોએ યુવતી ગર્ભવતી હોવાનું અને તેને દોઢ માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. આ બાબત સાંભળી યુવતીના માતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી અને બન્ને પરત ઘરે આવી ગયા હતા. ત્યારબાદ પરિવારજનોની હાજરીમાં ગર્ભવતી થવા અંગે પૂછતા યુવતીએ પોતાની સાથે થયેલી આપવીતી જણાવી હતી.

ધ્રુવે યુવતીના પિતાને ફોન કરી કહ્યું- ભૂલ થઈ ગઈ
આ બનાવ અંગે યુવતીના પિતાએ તુરંત જ રાજેશના માતા-પિતાને ઘરે બોલાવી તમામ હકિકત જણાવતા રાજેશે બન્ને પરિવારજનોની વચ્ચે યુવતીને ખોટુ બોલતી હોવાનું કહ્યા બાદ તેણે શારીરિક સંબંધ બાંધ્યો હોવાની કબૂલાત આપી ફડાકો ઝીંકી લીધો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો. દરમિયાન આ બાબત અંગે ધ્રુવને જાણ થતાં તે પણ ઘરેથી ગુમ થઇ ગયો હતો. જે બાદ ધ્રુવે અજાણ્યા નંબર ઉપરથી યુવતીના પિતાને ફોન કરી પોતાની ભૂલ થઇ ગઇ હોવાનું અને માફ કરી દેવાનું કહ્યું હતુ.

બન્ને નરાધમોના પરિવારે સમાધાન કરવા કહ્યું
આ ઘટનામાં આરોપી રાજેશના પરિવારજનો તેમજ તેમના સગા-સંબંધીઓ દ્વારા યુવતીના પિતા અને પરિવારજનોને ફોન કરી અવાર-નવાર સમાધાન કરી લેવા સમજાવ્યું હતું. તેમજ દબાણ પણ કરવામાં આવતું હતું. પરંતુ આખરે પરિવારજનોએ યુવતીને હિંમત આપતા આ અંગે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી રાજેશ અને ધ્રુવની શોધખોળ હાથ ધરી છે.રાજકોમાં સંબંધો લજવાયાઃ દીકરીને દુઃખાવો ઉપડતા હોસ્પિટલ ગયા, દોઢ મહિનાની ગર્ભ નીકળી, ગર્ભવતી કરનારનું સાંભળીને માતાના પગ તળેથી જમીન ખસકી ગઈ