બાઈક સ્લીપ થતાં ઘટના સ્થળે જ દંપતીનું તડપી તડપીને મોત, આઠ વર્ષના લાડલા દીકરાનું હૈયાફાટ રુદન

ગાંધીનગર : રક્ષા શક્તિ સર્કલ પાસેની ખુશ્બુ ગુજરાત કી હોટલમાં પરિવારજનો સાથે જમવા આવેલ દંપતીનું રાંદેસણ બસ સ્ટેન્ડ નજીક જ્યુપિટર સ્લીપ ખાઈ જતાં બન્નેનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં આઠ વર્ષના એકના એક પુત્રએ માતા પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ અંગે ઈન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના કોટેશ્વર શ્વેદ પરિષદ સોસાયટીમાં રહેતા ભૌમિકભાઈ જીતુભાઈ પટેલ કાર એસેસરીઝનો વ્યવસાય કરતા હતા. ગઈકાલે ભૌમિકભાઈ તેમની પત્ની મિત્તલ અને દીકરા નિત્યને લઈને સાળાના ઘરે ગયા હતા. બાદમાં ઢળતી રાત્રે પરિવારજનો ગાંધીનગરમાં રક્ષા શક્તિ સર્કલ પાસેની ખુશ્બુ ગુજરાત કી હોટલમાં જમવા માટે આવ્યા હતા.

રાત્રીના સમયે જમી પરવારીને બધા અમદાવાદ જવા માટે પરત રવાના થયા હતા. એ વખતે આઠ વર્ષીય પુત્ર નિત્ય તેના મામાની કારમાં બેઠો હતો. જ્યારે ભૌમિક ભાઈ અને તેમના પત્ની મિત્તલબેન જ્યુપિટર લઈને રક્ષા શક્તિ સર્કલ થઈ અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. એ વખતે રાંદેસણ બસ સ્ટેન્ડ નજીક અચાનક જ કોઈ જાનવર રસ્તામાં દોડી આવતા ભૌમિકભાઈએ જ્યુપિટર પરનો કાબુ ગુમાવી દીધો હતો. જ્યુપિટર સ્લીપ ખાઈ જતાં દંપતી રોડ પર પટકાયુ હતું.

આ અકસ્માતમાં બન્નેને ગંભીર ઈજાઓ થવાથી ઘટના સ્થળે જ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે રાહદારીઓ પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. બીજી તરફ તેમનો સાળો કાર લઈને મોટેરા સુધી પહોંચી ગયો હતો. અને તેણે ભૌમિક ભાઈને કેટલે સુધી પહોંચ્યા પૂછવા માટે ફોન લગાવ્યો હતો.

કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન ઉઠાવીને અકસ્માતની જાણ કરતા તેઓ તાબડતોબ પરત ગાંધીનગર આવી પહોંચ્યા હતા. જ્યાં બેન બનેવીને મરણ ગયેલી હાલતમાં જોઈ તેઓ ફસડાઈ પડ્યા હતા. જ્યારે આઠ વર્ષીય પુત્ર નિત્ય પણ માતા પિતાની લાશ જોઈ વલોપાત કરવા કરવાં લાગ્યો હતો. બનાવની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ મથકના પીએસઆઇ એસ આર રાઠોડ પણ સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માત સ્થળે એકઠી થયેલી ભીડનાં કહેવા મુજબ અચાનક રસ્તામાં વાંદરો દોડીને આવી ચઢતાં ભૌમિકભાઈએ વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેમાં કારણે જીવલેણ અકસ્માત સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કોર્પોરેશન તંત્ર દ્વારા રખડતા પશુઓ મામલે કડક કાયદો કાગળ ઉપર અમલમાં મૂક્યો છે, પરંતુ આ બાબતે હજી સુધી નક્કર અમલવારી શરૂ નહીં થવાથી જીવલેણ અકસ્માતો થતાં રહે છે. તો શહેરમાં રખડતા કુતરા અને નીલ ગાયોનો ત્રાસ પણ દિન પ્રતિદિન વધી જવા પામ્યો હોવા છતાં કોર્પોરેશન તંત્ર દ્વારા પરિણામ લક્ષી કાર્યવાહી કરવામાં નહિ આવતાં નાગરિકોમાં પણ રોષ વ્યાપી જવા પામ્યો છે.

error: Content is protected !!