નિર્લિપ્ત રાયનો સપાટો, ગુજરાતના કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીને હરિયાણા જઈને વેશપલટો કરી આ રીતે દબોચી લીધો
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં દારૂનું વિશાળ નેટવર્ક ધરાવતાં અને 50થી વધુ ગુના આચરીને ફરાર થઈ ગયેલા કુખ્યાત બૂટલેગર નાગદાન ગઢવીને સ્ટેટ મોનિટરિંગ સેલે હરિયાણાના ગુડગાંવમાંથી પકડી પાડ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી હરિયાણામાં બેસીને જ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં દારૂનું વેચાણ કરતાં નાગદાનને પકડવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલે ચાર દિવસથી ગુડગાંવમાં ધામા નાખ્યા હતા અને ગતસાંજે અંતે નાગદાનને પકડી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં નાગદાને હરિયાણામાં જ નકલી દારૂની ફેક્ટરી ઉભી કરી નાખ્યાનો ખુલાસો પણ થવા પામ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગુજરાતમાં અનેક ગંભીર ગુનાઓને અંજામ આપી નાગદાન હરિયાણાના ગુડગાંવમાં છુપાઈ ગયો હતો. અહીંથી જ તે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં દારૂની સપ્લાય કરતો હોવાનું ધ્યાન પર આવતાં સ્ટેટ મોનિટરિંગ સેલની ત્રણ ટીમ ચાર દિવસ સુધી ગુડગાંવમાં રોકાઈ હતી અને એક ફ્લેટમાંથી નાગદાનને દબોચી લીધો હતો. નાગદાનને ગંધ ન આવી જાય તે માટે નિર્લિપ્ત રાય સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ વેશપલટો કરીને આ ઓપરેશન પાર પાડ્યું હતું. નાગદાન ગઢવી સૌરાષ્ટ્રનો સૌથી કુખ્યાત બૂટલેગર પૈકીનો એક છે.
નાગદાન ગઢવી વર્ષ 2003 આસપાસ ફક્ત એક ટ્રક ડ્રાઈવર હતો, જે બાદ તે ભાવનગરથી બુટલેગિંગમાં સંકળાયેલા તેના સંબંધીઓના સંપર્કમાં આવ્યો હતો. આ બુટલેગરો સાથે તે જોડાયો અને તેમની સાથે અને આસપાસના વિસ્તારનો દારૂ સપ્લાયર બન્યો હતો. તે સમયે હકીકતમાં નાગદાન ફક્ત બુટલેગરોના મદદગાર તરીકે કામ કરતો હતો. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તે જાણતો થયો કે, દારૂના ધંધો એક નફાકારક વ્યવસાય છે. જે બાદ તેણે મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણાથી ગુજરાતમાં દારૂ લાવીને પોતાનું નેટવર્ક શરૂ કર્યું અને બાદમાં આ ગુજરાતમાં મજબૂત નેટવર્ક ઉભું કર્યું હતું.
નાગદાન વિરુદ્ધ દારૂની હેરાફેરીના 50 જેટલા ગુન નોંધાયેલા છે અને તે છેલ્લા પાંચ વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. દરમિયાન ભલભલા આરોપીઓને ભોંભીતર કરી નાખવામાં માહેર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ નાગદાન હરિયાણાના ગુડગાંવમાં છુપાયો હોવાની બાતમી મળતાં જ તુરંત તેનું પગેરું દબાવવામાં આવ્યું હતું.
નિયમિત દારૂનું સેવન કરતાં પ્યાસીઓ જ્યારે પણ બૂટલેગર પાસેથી દારૂની ખરીદી કરે એટલે તે બોટલ ઉપર સેલ ઈન હરિયાણા લખેલું જુએ એટલે તુરંત જ કહી દેતાં કે આ દારૂ નાગદાને જ બનાવ્યો હોવો જોઈએ. નાગદાને આ રીતે અત્યાર સુધીમાં લાખો નકલી દારૂની બોટલોનું વેચાણ કરી નાખ્યું હોવાની આશંકા છે. ગુજરાતમાં તેના ઉપર પોલીસની ભીંસ વધતાં તે હરિયાણા નાસી ગયો હતો અને છેલ્લા ત્રણ મહિનાથી ત્યાં જ રોકાઈને પોતાના ગોરખધંધા ચલાવી રહ્યો હતો.
નાગદાન ગઢવીની છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસ શોધખોલ કરી રહી હતી. દરમિયાન ત્રણેક સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે, નાગદાન ગુડગાંવના એક વૈભવી ફ્લેટમાં રહે છે. બાતમી મળતા નિર્લિપ્ત રાય અને તેમની ટીમ સતત વોચમાં હતી. નાગદાન વર્ષ 2017 થી નાસતો ફરતો હતો અને તેના વિરૂધ્ધ 40થી વધુ ગુના પણ નોંધાયા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ કુખ્યાત આરોપી નાગદાન ગઢવી મુળ સુરેન્દ્રનગરના વઢવાણનો વતની છે, અને ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતા કરતા તેણે વિદેશી દારૂ સપ્લાયનું સૌથી મોટું નેટવર્ક બનાવ્યું હતું. જેમાં તેના વિરૂધ્ધ સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં ગુના નોંધાઇ ચુક્યા છે. ઉત્તર ગુજરાતમાં પણ તેની સામે ગુના નોંધાયાનું જાણવા મળે છે.નિર્લિપ્ત રાયની ટીમે હરિયાણામાં બુટલેગર નાગદાન ગઢવીને પકડી પાડ્યો, સ્વિગીનો ડ્રેસ પહેરીને ઓપરેશન પાર પાડ્યું, ગુજરાત પોલીસ માટે એક લાઈક તો બંને છે