જર્મનીમાં પોતાની દીકરીને જ પાછી મેળવવા ગુજરાતી પરિવારનો રડાવી દેતો સંઘર્ષ

જર્મનીમાં પોતાની દીકરીને જ પાછી મેળવવા ગુજરાતી પરિવારનો રડાવી દેતો સંઘર્ષ

‘ચાઇલ્ડ સર્વિસ એવું કહે છે કે ન્યૂટ્રિશિયન્સ માટે તો નોનવેજ જરૂરી છે, એ તો આપવું જ પડે,’ આટલું કહેતાં ધારા શાહ ખૂબ જ ભાવુક થઈ જાય છે. આગળ તેઓ કહે છે, ‘અમે ચાઇલ્ડ સર્વિસને કહ્યું હતું કે અમે વેજિટેરિયન છીએ, તેથી તેને નોનવેજ આપતા નહીં. જ્યારે જર્મનીમાં ઈંડાં અને ફિશ પણ વેજ માનવામાં આવે છે. અમે ચોખવટ કરી હતી બાળકને આ બે ઉપરાંત મીટ પણ ન આપવામાં આવે, પણ એ લોકો બાળકને શું ખવડાવે છે અને કેવી રીતે ધ્યાન રાખે છે એ અંગે અમને કંઈ જ કહેવામાં આવતું નથી. આટલા સમયમાં તેમને કોર્ટ અને અન્ય બાબતોનો ખર્ચો પણ ખૂબ થઈ ગયો છે.

આ વિશે ભાવેશભાઈ કહે છે, ‘અમે લગભગ 60 હજાર યુરો એટલે કે 60 લાખ રૂપિયા વાપરી નાખ્યા છે. એ(ચાઇલ્ડ સર્વિસ) લોકો અમારા બાળકને રાખે છે, એના માટે પણ અમને મોટું બિલ મોકલવામાં આવ્યું છે. અમે તેમને લેટર લખ્યો છે કે અમારી પાસે હમણાં પૈસા નથી તો અમે ઇન્સ્ટોલમેન્ટમાં ભરી શકીએ? પહેલા રૂપિયા મેનેજ કરવા માટે મારી વાઈફ પણ નોકરી લાગી ગઈ, પછી પણ ખર્ચો વધતો ગયો એટલે અમે મિત્રો અને અન્ય લોકો પાસેથી ઉધાર લીધા. હવે UK અને ભારતની ઘણી બધી જૈન સંસ્થાઓ પાસેથી ડોનેશન પણ આવવાનું શરૂ થઈ ગયું છે. ધારાના કહેવા પ્રમાણે, અમને નથી ખબર કે ભવિષ્યમાં કેવી રીતે શું કરીશું? અહીં રહીશું કે મુંબઈ પાછા જઈશું? આવા ઘણા બધા કેસ અગાઉ પણ બની ચૂક્યા છે. તેમનાં માબાપ સાથે વાત કરી તો અમને એટલી ખબર પડી કે તે લોકોને ખર્ચો એટલો થઈ ગયો છે કે એ ચૂકવવા માટે પણ અહીં રોકાવવું પડ્યું છે.’

શું છે આ ઘટના?
સોફ્ટવેર એન્જિનિયર ભાવેશ શાહ તેમની પત્ની ધારા સાથે ઓગસ્ટ 2018માં બર્લિનમાં સ્થાયી થયા હતા. દરમિયાન ફેબ્રુઆરી 2021માં તેમને ત્યાં દીકરી અરિહાનો જન્મ થયો હતો. વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનામાં એક દિવસ તેની નેપીમાં લોહી દેખાતાં તેમણે ડૉક્ટરને બતાવ્યું હતું. પછી અમુક દિવસો બાદ તેઓ અરિહાને ફરી ડૉક્ટર પાસે લઈ ગયા ત્યારે ડોક્ટરે ચાઇલ્ડ સર્વિસને બોલાવી અરિહાને તેમને સોંપી દીધી હતી. ત્યારથી જૈન દંપતી વિદેશની ધરતી પર પોતાની બાળકીને પરત લાવવા માટે છેલ્લા 12 મહિનાથી લડત લડી રહ્યા છે. કસ્ટડી બેટલ ફાઇટ કરી રહ્યા છે. અત્યારસુધી ત્રણવાર હિયરિંગ થયું છે.

પહેલા મહિનામાં 4 વખત મળતાં, હવે 1 વખત મળે છે
ધારાએ આગળ કહ્યું હતું, ‘પહેલાં અમે મહિનામાં 4 વખત મળી શકતા હતા, પણ હવે ફક્ત 1 જ વખત 1 કલાક માટે મળવા દેવામાં આવે છે. અગાઉ બાળકના ચહેરા પર જે ચાર્મ હતો અને રોનક હતી, એ હવે અમને નથી દેખાતી. તેના મોં પરથી દેખાય છે કે તેને ખ્યાલ છે કે તેની સાથે કંઈક તો અજુગતું થઈ રહ્યું છે, પણ શું એ એને સમજ પડતી નથી. અમને મળે ત્યારે તે ખીલી ઊઠે છે. અમને વળગી પડે છે. અમારી સાથે રમવામાં, વાતો કરવામાં તેને બહુ મજા આવે છે. એક કલાક તો ક્યાં જતો રહે છે એની કંઈ જ ખબર પડતી નથી. અમે જે જમવાનું લઈ જઈએ છીએ એ ખૂબ જ પ્રેમથી ખાય છે. એ અમારા બે પાસે જ રહે છે. તેને પાછું જવું ગમતું નથી. ફોસ્ટર મધર પાસે જતી જ નથી. અમારા પગ પકડીને ઊભી રહી જાય છે. જાણે કહેતી હોય કે ‘મારે નથી જવું મમ્મી.’ મહિને એક વખત મળે છે તોપણ ઓળખી જાય છે કે આ મારાં મા-બાપ છે. એવું ફીલ થાય છે કે આખો મહિનો બિચારી પ્રેમ અને હૂંફ શોધે છે, પરંતુ એ ત્યારે તેને મળે છે, જ્યારે અમે તેને મળીએ છીએ.’

ચીટ કરીને અરિહાનો પાસપોર્ટ પણ લઈ લીધો
ધારા ચાઇલ્ડ સર્વિસ પર આક્ષેપ કરે છે કે તેમણે ચીટ કરીને અરિહાનો પાસપોર્ટ પણ લઈ લીધો છે. તેમના કહેવા અનુસાર, સપ્ટેમ્બરમાં ત્રણેના વિઝા પતિ જતા હતા ત્યારે અરિહા ચાઇલ્ડ સર્વિસ પાસે હતી. ત્યારે શાહ દંપતી વિઝા એક્સટેન્ડ કરાવવા ગયા ત્યારે ચાઇલ્ડ સર્વિસ અરિહાને ત્યાં લઈને આવી હતી. શાહ દંપતીએ ત્રણેયના પાસપોર્ટ વિઝા માટે આપ્યા. ત્યારે વિઝા ઓફિસરે જર્મનીમાં વાત કરીને અરિહાનો પાસપોર્ટ ચાઇલ્ડ સર્વિસને આપી દીધો હતો. એ અંગે અમને કોઈ નોટિસ પણ નથી આપી અને જાણ પણ ન કરી.

ભાવેશે કહ્યું હતું, ‘તેને જે રીતે રાખે છે એ જોઈને જ ખબર પડી જાય કે આ અમારા માણસો નથી. તેને ખ્યાલ આવી જતો હશે કે હું આ લોકોમાંથી નથી. અમારી પાસે બહુ પ્રેમથી આવે છે. અમારો રિપોર્ટ પણ પોઝિટિવ છે અને વકીલે પણ કહ્યું છે કે બેબી તથા પેરેન્ટ્સ બહુ પ્રેમથી ને સારી રીતે રહે છે. તેમણે એકવાર પણ એવું નથી જોયું કે માબાપને બાળક સાથે નથી રહેવું, પરંતુ અમારી વાત જ સાંભળવામાં આવતી નથી.’

ફિટ પેરેન્ટ એબિલિટી રિપોર્ટ, ક્યારે બનશે ખબર નથી
તેણે વધુમાં કહ્યું હતું, ‘અમને એવું કહેવામાં આવ્યું છે કે અમારો સાઇકોલોજિકલ એસેસમેન્ટ એટલે ‘ફિટ પેરન્ટ એબિલિટી’ રિપોર્ટ પૂરો નહીં થાય ત્યાં સુધી એ કોઈપણ નિર્ણય આપશે નહીં. આ રિપોર્ટ અમને જાન્યુઆરીમાં કરાવવાનું કહ્યું હતું, પણ ઓગસ્ટ પૂરો થઈને સપ્ટેમ્બર પણ આવી ગયો તેમ છતાં હજી સુધી રિપોર્ટ તૈયાર થયો નથી. આ દરમિયાન હવે ચાઇલ્ડ સર્વિસે ‘કન્ટિન્યૂઇટી’નો પ્રિન્સિપલ વાપરવાનો શરૂ કર્યો છે, જે મુજબ જો બાળક લાંબા સમય સુધી કોઈ જગ્યા પર રહ્યું હોય તો પછી તેના ડેવલપમેન્ટ અને સ્ટેબિલિટી માટે તેને મૂવ કરવું યોગ્ય નથી અને ચાઇલ્ડ સર્વિસ ક્લેમ કરે છે કે બાળક અમારા કરતાં વધારે ફોસ્ટરમાં રહ્યું છે. તે લોકોના જ સાઇકોલોજિકલ રિપોર્ટને આટલો સમય લાગ્યો હતો. તેમ છતાં તેઓ કહે છે કે બાળક વધારે ફોસ્ટરમાં રહ્યું છે, માબાપ પાસે રહ્યું નથી એટલે એ એવોઇડ કરવા માટે અમે ભારત સરકાર પાસે મદદ માગી રહ્યા છીએ. અમે ઘણા MP-MLA પાસે ગયા છીએ, જેમણે MEAને રિક્વેસ્ટ કરી છે. MEA સાથે અમારા પરિવારની મીટિંગ પણ થઈ, જેમાં તેમણે કહ્યું કે છે કે એ અમારા પરિવારની ઇવેલ્યુશન શરૂ કરાવશે. એ વાતને પણ આજે 3-4 સપ્તાહ થઈ ગયાં છે, પણ તેમણે કોઈ ઇવેલ્યુશન ચાલુ કરાવ્યું નથી. હજુ સુધી તેમના તરફથી કોઈ જવાબ પણ નથી આવ્યો.’

ફોસ્ટરની સિસ્ટમ શું છે?
ભાવેશે આગળ ઉમેર્યું હતું, ‘ફોસ્ટરમાં કોઈ ડાયરેક્ટ ફેમિલી હોતી નથી. ફોસ્ટર પીપલ બાળકને 1-2 કે 3 વર્ષ રાખે એનું કંઈ નક્કી હોતુ ંનથી. જે બાળકનો પરિવાર ના હોય તેમને ફોસ્ટરમાં રાખવામાં આવે છે. અમારા બાળકનો પરિવાર છે. જૈન સમાજમાંથી ઘણા લોકો અમારી બાળકીને રાખવા માટે આગળ આવ્યા છે તેમ છતાં જર્મન ચાઇલ્ડ સર્વિસ મારા બાળકને તેમને સોંપવા માગતા નથી અને કોઈ રિસ્પોન્ડ આપતા નથી. એક વખત ફોસ્ટરમાં રાખવાનું નક્કી થઈ જાય પછી બાળક 16-18 વર્ષ સુધીનું થાય ત્યાં સુધી ફોસ્ટરમાં જ રાખવામાં આવે છે. એ બાળક એકથી બીજા ફોસ્ટરમાં મૂવ કર્યા કરે.’