ગુજરાતનો કરૂણ બનાવ, ભયાનક અકસ્માતમાં બે પાક્કા મિત્રોના મોત, આખોય પરિવાર હીબકે ચડ્યો

ગુજરાતમાં વધુ એક રડાવી દેતો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વરની એક ફાર્મા કંપનીમાં કામ કરતા 9 યુવાન કારમાં ફરવા માટે સેલવાસ ગયા હતા ત્યાંથી પરત આવતી વેળાએ વહેલી સવારે હાઈવે પર સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા ડિવાઇડર કુદાવી ફોર્ચ્યુનર કાર બીજા ટ્રેક ઉપર નવસારી તરફ જતી લકઝરી બસની સાથે અથડાઇ હતી. જેમાં 9 યુવાનના કમકમાટીભર્યા મોત થયા હતા. જે પૈકી ગોંડલના ગુંદાળાના ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા (ઉં.વ.24) અને ધોરાજીના ભાદાજાળિયા ગામના જયદીપ કાંતિભાઈ પેથાણી (ઉં.વ.25)નું પણ હચમચાવી દેતું મોત થયું હતું.

મૃતક ધર્મેશ શેલડિયા અને જયદીપ પેથાણી બન્ને પાકા મિત્રો હતા. આજે બન્ને મિત્રોની પોતપોતાના ગામમાંથી અંતિમયાત્રા નીકળી હતી. જેમાં બન્નેના પરિવાર હીબકે ચડ્યા હતા. કંધોતર દીકરા ધર્મેશની અર્થીને પિતા પ્રકાશભાઈએ કાંધ આપતા હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયાં હતાં.

ધર્મેશ શેલડિયા પિતાનો એકનો એક પુત્ર હતો
ગોંડલના ગુંદાળામાં રહેતા પ્રકાશભાઈ શેલડિયાને સંતાનમાં એક પુત્ર ધર્મેશ અને એક પુત્રી છે. પરંતુ ધર્મેશનું અકસ્માતમાં મોત થતા પિતાએ એકનો એક પુત્ર ગુમાવ્યો છે. ધર્મેશના કાકા જીતુભાઈ શેલડિયાએ જણાવ્યું હતું કે, ધર્મેશ પરિવારમાં એકનો એક આધારસ્તંભ હતો. ધર્મેશનો હસતો અને હસમુખો ચહેરો હતો. તેને પરિવારમાં અમે જોકર કહીને બોલાવતા હતા. ધર્મેશના પિતા પ્રકાશભાઈ ખેતીકામની સાથે સેન્ટિંગનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા. ધર્મેશે BMSC કેમિકલ સુધીનો અભ્યાસ કર્યો છે. તે અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મામાં પ્રોડક્શન ઓફિસર ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો.

ધર્મેશ અંકલેશ્વરમાં રૂમ ભાડે રાખી નોકરી કરતો
જીતુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ધર્મેશ લગભગ બેથી અઢી વર્ષથી અંકલેશ્વરમાં રૂમ ભાડે રાખી 9 મિત્રો સાથે રહેતો હતો. કંપનીમાં કામ કરતા 9 મિત્રોમાંથી ધર્મેશ જે રૂમમાં રહેતો હતો તે રૂમના જ 4 મિત્રોના અકસ્માતમાં મૃત્યુ થયાં છે. મારા ભાઈ પ્રકાશભાઈએ ખેતીકામ અને છૂટક સેન્ટિંગની મજૂરી કામ કરી એકના એક દીકરાને ભણાવ્યો હતો. ધર્મેશ પોતે પગભર થાય એ માટે લક્ષ્ય સુધી પહોંચ્યો હતો. 30 ડિસેમ્બરે ધર્મેશે તેમના કાકાના પુત્ર જયદીપ સાથે રાજીખુશીનો ફોન કર્યો હતો. તેમના પિતા સાથે 4થી 5 દિવસમાં એકવાર વીડિયો કોલમાં વાત કરતો હતો.

પરિવારને આજે સવારે જાણ કરવામાં આવી
ધર્મેશ મોટા તહેવાર અને પારિવારિક પ્રસંગોમાં ઘરે આવતો હતો. 20 ઓક્ટોબરના રોજ ધર્મેશ તેના ભાભુના પાણીઢોળની વિધિમાં ગુંદાળા આવ્યો હતો. અકસ્માતની જાણ પરિવારજનોને દિવ્ય ભાસ્કરની એપના સમાચારથી થઈ હતી. આથી ધર્મેશના મામા અશ્વિનભાઈ વડોદરિયા નવસારી જવા રવાના થયા હતા. ગઈકાલે રાત્રે 12.30 વાગ્યે ધર્મેશનો મૃતદેહ ગોંડલ પહોંચ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ધર્મેશના પરિવારને આજે સવારે કરવામાં આવી હતી. આજે સવારે 7 વાગ્યે ધર્મેશની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

9 લોકોનો 2022ના વર્ષનો અંતિમ દિવસ બન્યો
નવસારી જિલ્લામાં ગઈકાલે વહેલી સવારે ગોઝારો અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં વર્ષનો છેલ્લો દિવસ 9 લોકો માટે જિંદગીનો છેલ્લો દિવસ બની ગયો હતો. વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુનરના ચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઈડર કૂદી ગઈ હતી અને અમદાવાદના પ્રમુખસ્વામીનગરમાંથી પરત ફરી રહેલી બસ સાથે જોરદાર અથડાઈ હતી, જેથી બસના મુસાફરને હાર્ટ-એટેક આવી ગયો હતો.

આ અકસ્માતમાં ફોર્ચ્યુનરમાં સવાર 9 પૈકી 8 લોકોના તેમજ બસમાં સવાર એક મુસાફરનું મોત થતાં કુલ 9 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 30 જેટલા લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ આ ઘટનામાં મૃતકોને 2-2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

આ અકસ્માતમાં ભગવાનની કૃપાથી 56 યાત્રી બચી ગયા
બસચાલક આશિષ ચૌધરીએ જણાવ્યું હતું કે વલસાડથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અમે અમારી બસમાં 56 મુસાફર સાથે ગયા હતા. 30મી ડિસેમ્બરની રાત્રિએ 8 વાગ્યે અમદાવાદથી બસ ઉપાડવામાં આવી હતી. મળસકે 3.20 વાગ્યાના સમયે પરથાણ નજીક નાઝ હોટેલ પાસે અચાનક એક કાર આવી અમારી બસની આગળ અથડાઈ ગઇ હતી. જોયું તો કારમાં યુવાનોનો અવાજ સંભળાતો હતો. આ બાબતે પોલીસને જાણ કરી અને પોલીસે આવીને કાર્યવાહી કરી. ભગવાનની કૃપાથી બચી ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!