મૃત્યુ પામનાર પત્નીની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે રોજ 200 લોકોને ભોજન આપે છે પતિ….

વડોદરા:મહિલાઓ કરવા ચોથનું વ્રત કરી પતિના આયુષ્ય માટેની કામના કરે છે. જોકે કરવા ચોથે બીમારીથી મૃત્યુ પામેલી પત્નીની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માંજલપુરના આધેડ 4 વર્ષથી સામાન્ય લોકોને જમાડીને સેવા કરે છે. પોતે દિવસે સામાન્ય લારી ચલાવી તેની આવકથી ગરીબ-નિઃસહાય લોકોને બે સમયનું ભોજન આપે છે.

માંજલપુર ખાતે રહેતા અને કુબેરભવન પાછળ સેવઉસળની લારી ચલાવતા 58 વર્ષના દિનેશભાઇ શર્માએ સયાજીમાં આવતા દર્દીના પરિવારજનોને જમવાની તકલીફ ન પડે તે માટે રોજ 200 લોકોને જમાડવાની વ્યવસ્થા ઊભી કરી છે. ગંભીર બીમારીથી પીડાતાં તેઓનાં પત્ની અનિતાબેન શર્માની સારવારમાં તેમની દુકાન અને મકાન વેચાયું હતું. 8 વર્ષની સારવાર બાદ વર્ષ 2015ના 10 મહિનામાં કરવા ચોથે તેમની પત્નીએ અંતિમ શ્વાસ લીધા.

સારવારના અંતિમ દિવસોમાં અનિતાબેને સયાજીમાં આવતા અન્ય દર્દીના પરિજનોને પડતી પરેશાની જોઈ પતિ દિનેશભાઇ શર્માને આ લોકો માટે જમવાની વ્યવસ્થા થઈ શકે તો તે કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પત્નીની ઈચ્છાને દિનેશભાઈએ જીવનનો મંત્ર બનાવ્યો અને પોતે દિવસ દરમિયાન જે પણ કમાણી કરે તેને નિરાશ્રિતો અને નિઃસહાય લોકોના જમવા પાછળ ખર્ચવાની નેમ લીધી.

પરિવારમાં 4 પુત્રીઓની જવાબદારી સાથે દિનેશભાઇ શર્માએ આ કાર્ય ઉપાડ્યું અને 4 વર્ષથી તેઓ સવારે 75 લોકો અને સાંજે 125થી 150 લોકોની આંતરડી ઠારે છે. તેમણે શ્રી કૃષ્ણ વાસુદેવાય સેવા ટ્રસ્ટ બનાવ્યું છે. સેવાયજ્ઞમાં તેમની 4 પુત્રી અને 2 જમાઈ પણ જોડાયાં છે. પંચમુખી હનુમાનજીના મંદિર સામે સવારે બે રોટી અને લસણની ચટણી અને સાંજે કઢી, ખીચડી કે દાળભાત તેમજ શાક અને રોટલી રાખે છે

error: Content is protected !!