અંક્લેશ્વરમાં ચોથા માળે ગેલરીમાં રમતો 5 વર્ષનો બાળક 35 ફૂટ નીચે પટકાયો છતાં આબાદ બચાવ

અંકલેશ્વરમાં આવેલાં સમડી ફળિયાના મુળજી કલ્યાણ ટાવરના ચોથા માળની ગેલરીમાંથી અંદાજે 40 ફૂટ ઉપરથી શુક્રવારે સવારના 11.15 વાગ્યાના અરસામાં 5 વર્ષનો એક બાળક અકસ્માતે નીચે પટકાયો હતો. ચોથા માળેથી પડતી વેળા ત્રીજા માળે આવેલી પ્લાસ્ટિકની છાજલી પર પડ્યા બાદ બાળકના હાથમાં કેબલનો વાયર આવી જતાં તેણે એ પકડી નીચે પડ્યો હતો. જોકે છાજલી અને વાયરને કારણે તેનો જમીન પર પટકાવાનો ફોર્સ ઘટી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં તેને સામાન્ય ઇજાઓ થતાં શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

અંક્લેશ્વરમાં મુળજી કલ્યાણ ટાવર નામના બહુમાળી બિલ્ડિંગના ચોથા માળે રહેતા પ્રતિમ શાહનો શિશુ-1માં અભ્યાસ કરતો 5 વર્ષીય પુત્ર સિદ્ધમ શુક્રવારે સવારે 11.15 વાગ્યાના અરસામાં તેના ઘરની ગેલરીમાં રમી રહ્યો હતો. રમતી વેળાં ગેલરીમાંથી નીચે જોતી વેળા કે અન્ય કોઇ કારણસર તેનું સંતુલન નહીં રહેતાં તે નીચે પડી ગયો હતો. સદનસીબે તે નીચેના અન્ય ફ્લેટની ગેલરીને લગાવેલી પ્લાસ્ટિકની છાજલી પર પડ્યો હતો. એ સમયે તેના હાથમાં ત્યાંથી પસાર થઇ રહેલો કેબલ વાયર આવી જતાં તેણે વાયર ફિટ પકડી લીધો હતો. એ બાદ તે ત્યાંથી પણ નીચે પડ્યો હતો.

જોકે તેણે પડતી વેળા કેબલ વાયર પકડી લીધો હોઇ જમીન પર પડવાનો ફોર્સ ઘટી જતાં તેને સામાન્ય ઇજાઓ જ થતાં તેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે તેનાં પરિવારજનો તેમજ આસપાસના લોકો તરત દોડી આવતાં તેમણે તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં હાલમાં તેની સારવાર ચાલી રહી છે. તબીબોના જણાવ્યાનુસાર તેને મોઢાના ભાગે તેમજ શરીરમાં અન્ય ભાગોમાં સામાન્ય ઇજાઓ જ થઇ હતી. આશ્ચર્યજનક રીતે બાળકે મોતને માત આપતાં પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હતો.

અંક્લેશ્વરના મુળજી કલ્યાણ ટાવરના ચોથા માળેથી 5 વર્ષનું બાળક પડવાની ઘટના ત્યાં નજીકમાં જ લગાવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી, જેમાં તે જમીન પર પટકાતાં અને લોકોએ તેને સારવાર માટે લઇ જતા દેખાયા હતા.

અન્ય પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સો

અંક્લેશ્વર ઔદ્યોગિક વસાહત હોઇ નોકરિયાત વર્ગ અહીં આવી વસતા હોય છે, જેને કારણે ઊંચી ઇમારતો નિર્માણ થઇ રહી છે. ત્યારે આવી ઊંચી ઇમારતમાં રહેતા પરિવારો માટે આ ઘટના લાલબત્તી સમાન બની છે. પરિવારોએ સુરક્ષા માટે તેમની ગેલરીમાં જાળી ફિટ કરાવવી જરૂરી બની છે.

error: Content is protected !!