એક ગામમાં માતા અને બે પુત્રીની, તો બીજા ગામમાં બે ભાઈની અંતિમયાત્રા નીકળી, સર્જાયા કરૂણ દ્રશ્યો, જુઓ

એક ગામમાં માતા અને બે પુત્રીની, તો બીજા ગામમાં બે ભાઈની અંતિમયાત્રા નીકળી, સર્જાયા કરૂણ દ્રશ્યો, જુઓ

સોજીત્રાના ડાલી ગામ પાસે ગુરુવારની મોડી સાંજે થયેલા ટ્રિપલ અકસ્માતમાં મિસ્ત્રી પરિવારનાં માતા અને બે પુત્રી તથા બોરિયાવીના બે કાકા-બાપાના પુત્રો અને રિક્ષા-ડ્રાઈવર સહિત કુલ છ વ્યક્તિનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં જીવ ગુમાવનારાં માતા અને બે પુત્રીની શુક્રવારની સવારે અંતિમ યાત્રા નીકળી હતી. આ સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયાં હતાં.

જ્યારે આખું ગામ હીબકે ચડ્યું હોય એવો માહોલ સર્જાયો હતો. બોરિયાવી ગામે પણ બે ભાઈના અગ્નિદાહ સમયે ભારે શોકમય પરિસ્થિતિ હતી. અકસ્માત કરનારા આરોપીને સખત સજા થાય અને મૃતકોને ઝડપી ન્યાય મળે એવી લોકલાગણી પ્રવર્તી રહી છે.

છ લોકોનાં મોત થયાં હતાં
સોજીત્રા ગામે રહેતા મિસ્ત્રી વિપુલભાઈનાં પત્ની અને બે પુત્રી તારાપુરના ટીંબા ગામે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ગયાં હતાં, જ્યાંથી તેઓ રિક્ષામાં પરત સોજિત્રા આવવા નીકળ્યાં હતાં તેમજ બોરિયાવીના બે કાકા-બાપાના દીકરા બે ભાઈ મિત્રનું સામાજિક વ્યવહારનું કામ પતાવી પરત ફરતા હતા.

એ દરમિયાનમાં ડાલી ગામ પાસે પૂરપાટ ઝડપે આવેલી કારે ટ્રિપલ અકસ્માત સર્જી દીધો હતો, જેમાં રિક્ષા પણ અડફેટે ચડી જતાં એમાં સવાર વિપુલભાઈનાં પત્ની વીણાબહેન, બે પુત્રી જાનવી અને જિયા ઉપરાંત રિક્ષાચાલક યાસીન વ્હોરા અને બાઇકસવાર યોગેશકુમાર રાજેશભાઇ ઓડ, સંદીપ ઠાકોરભાઈ ઓડ (રહે. બોરિયાવી)નાં મોત નીપજ્યાં હતાં.

અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયાં
વીણાબહેન અને તેમની બે પુત્રીનાં મોતથી સમગ્ર સોજીત્રામાં શોકની લાગણી ફેલાઇ ગઈ હતી, જેમની શુક્રવાર સવારે એકસાથે અંતિમયાત્રા નીકળી હતી. બોરિયાવી ગામે પણ સવારે બન્ને ભાઈની અંતિમયાત્રા સાથે જ નીકળી હતી.

પરિવારના જુવાનજોધ અને કમાઉ યુવકોના આકસ્મિક નિધનથી મિત્રો અને પરિવાજનો સહિત સમગ્ર નગર હીબકે ચઢ્યું હતું. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયાં હતાં. જ્યારે સમગ્ર નગરમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

આરોપી ધારાસભ્યનો જમાઈ હોઈ, કાયદાની છટકબારીનો લાભ ન લઈ લે એ માટે ગામનાં જાગ્રત જનો અને મિત્રો સ્નેહીઓએ યોગ્ય અધિકારીઓ અને રાજકીય અગેવાનોનો પણ સંપર્ક કરી મૃતકોને ઝડપી ન્યાય મળે તેમજ ફરી કોઈ નશાની હાલતમાં આવો અકસ્માત ન સર્જી શકે એવો કાયદો ઘડવા પણ દબાણ સાથે રજૂઆતો કરી રહ્યા છે.

આરોપીને નાની-મોટી ઈજાઓ થઈ
આ અંગે આણંદ એએસપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે આરોપીને નાની-મોટી ઈજાઓ થઈ છે, જે સારવાર હેઠળ છે. તેની વધુ પૂછપરછ કરતાં ઘટનાની સત્યતા સામે આવશે. આરોપી નશામાં હતો કે કેમ એ અંગે પણ મેડિકલ ટેસ્ટ કરાવવા જણાવ્યું છે, જેથી એ રિપોર્ટ આવ્યા બાદ હકીકત વધુ સ્પષ્ટ થશે.