કોન્સ્ટેબલ કિરણસિંહના અંતિમયાત્રામા આખું ગામ હિબકે ચડ્યું, બે દીકરા નોધારા બન્યા,હાજર સૌકૌઈની આંખો ભીની થઈ ગઈ હતી.

‘કિરણભાઈએ બાળપણમાં ખૂબ ગરીબી જોઈ છે. ખેતીકામ અને મજૂરી કરીને ભણવા જતા. કોલેજ સમયે આણંદના બજારમાં હાથરૂમાલ અને મોજાની ફેરી કાઢતા. એ પછી ડેરીમાં પણ નોકરી કરી હતી. ત્યાં આઈસક્રીમ પેક કરતા હતા. તેમને પહેલેથી જ આર્મીમાં જવું હતું, પરંતુ એ વખતે તેમની હાઇટ થોડી નાની પડી, એટલે પોલીસ વિભાગમાં જોડાયા. દસમા-બારમામાં ભણતા ત્યારથી લઈ કોલેજમાં પણ તેઓ આર્મીમાં જવાની જ તૈયારી કરતા હતા. તેમનાં પત્નીનું સાત વર્ષ અગાઉ નિધન થયું હતું. તેમને બે બાળક છે. એક અકસ્માતે અમારા પરિવારને વેરવિખેર કરી નાખ્યો,’ આટલું બોલતાં જ ધર્મરાજસિંહને ડૂમો ભરાઈ આવ્યો. બે દિવસ પહેલાં બોરસદ પાસે ફરજ નિભાવવા જતાં મૃત્યુ પામેલા કિરણસિંહના નાના ભાઈ ધર્મરાજસિંહએ ભારે હૈયે આપવીતી જણાવી હતી.

શું હતો બનાવ?
આણંદ જિલ્લાના બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કિરણસિંહ રાજ બુધવારે મોડી રાત્રે આણંદ ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતા, એ વખતે રાત્રે 1 વાગ્યે શંકાસ્પદ ટ્રેલર આવતું દેખાતા તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ટ્રેલર ઊભું ન રહેતાં તેમણે પોતાની પ્રાઇવેટ કારમાં તેનો પીછો કર્યો હતો અને વહેર ગામ નજીક આવેલા અશોક પાર્ક પાસે સર્વિસ રોડ પર ગાડી ઊભી કરી હતી, પરંતુ ટ્રક-ડ્રાઇવરે ગાડીથી તેમની કારને ટક્કર મારતાં મરણતોલ ઇજાઓને કારણે આશરે 11 કલાક પછી બીજા દિવસે સવારે તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં ફરાર ડ્રાઇવર તેના માલિક સાથે પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો. બીજી તરફ બહાદુર પોલીસ જવાન કિરણસિંહના જવાથી તેમનો પરિવાર તૂટી પડ્યો હતો, જ્યારે પોલીસ વિભાગમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

અમે એન્જોયમેન્ટવાળી કોઈ લાઇફ ક્યારેય જીવી નથી
દિવ્ય ભાસ્કરે કિરણસિંહ રાજના નાના ભાઇ ધર્મરાજસિંહ સાથે વાત કરી હતી. ધર્મરાજ સિંહ પણ આણંદ ખાતે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. તેમણે કહ્યું હતું, ‘હું આણંદમાં રહું છું અને મોટા ભાઈ કિરણસિંહ બોરસદમાં રહેતા હતા. મૂળ અમે વાસદ અને અડાસ વચ્ચે આવેલા સુંદાણ ગામના વતની છીએ. અમે ગામડે ખેતરમાં રહીને જ મોટા થયા છીએ. અમારું પોલ્ટ્રી ફાર્મ છે. અમે ગરીબીમાં જ ખેતી અને અન્ય કામ કરીને મોટા થયા છીએ. એન્જોયમેન્ટવાળી કોઈ લાઇફ ક્યારેય જીવી નથી. નાનપણમાં ખેતીકામ, પોલ્ટ્રી ફાર્મનું કામ કરીને શાળાએ જઈને ભણવાનું બસ એટલું જ કર્યું છે.’

માતા બાદ પિતાનું નિધન થતાં બે સંતાન પર તૂટી પડ્યું આભ
ધર્મરાજસિંહ ઉમેર્યું કે ‘કિરણસિંહનાં પત્નીનું સાત વર્ષ અગાઉ નિધન થયું હતું. તેમને સંતાનમાં બે બાળક છે નાનો નવ વર્ષનો છે, જ્યારે મોટો સોળ વર્ષનો છે. સિવાય પરિવારમાં હું અને મારાં માતા-પિતા છીએ. ઘટના બની એ રાત્રે તેમની નાઈટ ડ્યૂટી હતી ત્યારે સાથે એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ હતા. આર્થિક મદદમાં હાલ સુધીમાં પોલીસ સહાય મળે એ મળી છે. બીજું, ઓનલાઇન પણ લોકો દ્વારા રૂપિયા મોકલવાના ચાલુ છે.’

એવા બહાદુર હતા કે કોઈ દિવસ કોઈનાથી ડરીને જગ્યા નથી છોડી
આ અંગે તેમના ઉપરી અધિકારી અને બોરસદ ટાઉનના PI ડી.આર. ગોહિલ સાથે વાત થઈ હતી. તેમણે જણાવ્યું, ‘કિરણસિંહ રાજ માટે બે શબ્દો બહુ જ પર્ફેક્ટ છે. એક- વફાદારી અને બીજો શબ્દ બહાદુરી. તેમણે પોલીસ ડિપાર્ટમેન્ટના વફાદાર કર્મચારી તરીકે ગણી શકીએ. તેઓ હંમેશાં યુનિફોર્મ અને મજબૂત અધિકારીઓને વફાદાર રહ્યા હતા અને બહાદુર પણ એવા કે કોઈનાથી ડરીને કોઈ દિવસ પોતાની જગ્યા છોડીને ભાગ્યા નથી. હું અહીં દોઢેક મહિનાથી આવ્યો ત્યારથી તેઓ મારી સાથે હતા.

હું તેમની કામગીરીનો મારો પર્સનલ અનુભવ કહું તો, બોરસદ ટાઉનમાં હિંદુ-મુસ્લિમના રાયોટ શરૂ થાય એવી સ્થિતિ હતી. ત્યારે હું ટીમ લઈને બ્રાહ્મણવાડાના ખાંચા નજીક દવાખાનું છે ત્યાં પહોંચ્યો. ત્યાં વધારેપડતો પથ્થરમારો થતો હતો અને હથિયારો સાથે માણસોનું ટોળું હુમલો કરવાની તૈયારીમાં હતું. એ સંજોગોમાં અમે ત્યાં ગેસ છોડીને એમાંથી નોટોરિયસ માણસોને પકડવાનું શરૂ કર્યું, ત્યારે એ મારી સાથે હતા. 4-5 જણને પકડીને અમે બાકીનું ટોળું ભગાડ્યું. એ દરમિયાન બે કોન્સ્ટેબલ કિરણસિંહ અને વિજય બંને મારી સાથે હતા. 4-5 જણને પકડતાં ટોળાએ ફરી અમારી પર હુમલો કર્યો ત્યારે વિજયને છરી વાગી ગઈ હતી તો તેને તાત્કાલિક બચાવીને કિરણસિંહ લઈ ગયેલા. કપરા સંજોગોમાં આરોપીઓને પકડવામાં તેઓ મારી સાથે જ હતા.

રમખાણમાં કિરણસિંહે સાથી કર્મચારીનો જીવ બચાવ્યો હતો
PI ડી.આર. ગોહિલએ વધુમાં કહ્યું, ‘આ ઉપરાંત ગઈ 12 તારીખની જ વાત છે. નૂપુર શર્માની ઘટના બની એના બીજા દિવસની વાત છે. એ રાયોટિંગમાં બે દવાખાનાં સળગ્યાં હતાં અને હુમલામાં બે વ્યક્તિઓને ઇજા પહોંચાડી હતી. વાહનો સળગાવ્યાં હતાં. પોલીસની ગાડીઓ ડેમેજ થઈ હતી. પોલીસકર્મીઓને પણ વાગ્યું હતું. અમે રાયોટિંગનો ગુનો દાખલ કરીને 50 જેટલા આરોપીઓને પકડી લીધા હતા. આ આખી કાર્યવાહીમાં કિરણસિંહે કાબિલેદાદ કામગીરી કરી બહાદુરીનાં દર્શન કરાવ્યાં હતાં.’


ટ્રક પાછળ બોક્સ જેવું કંઈક દેખાતાં કિરણસિંહને શંકા ગઈ હતી
ઘટના અંગે તેમણે જણાવ્યું હતું, ‘એ રાત્રે કિરણસિંહની નાઇટ શિફ્ટ હતી અને એ વખતે તેમની સાથે એક હોમગાર્ડ હતો. કિરણસિંહની નોકરી આણંદ ચોકડી ખાતે હતી, જે બોરસદ ટાઉન પોલીસના વિસ્તારમાં આવે છે. ભાદરણ તરફથી રાજસ્થાન પાસિંગની એક ટ્રેલર ટ્રક આવી હતી. આવી ટ્રકની સામાન્ય સ્થિતિ હોય એના કરતાં એની પાછળ તરફ બોક્સ જેવું કંઈક બનાવેલું હતું, જેમાં કોઈ વસ્તુ મૂકેલી હતી, આથી જ કિરણસિંહને શંકાસ્પદ લાગ્યું અને તેમણે ગાડી ઊભી રાખવા માટે ઈશારો કર્યો. ત્યારે ડ્રાઇવરે ગાડી ઊભી રાખ્યા વગર સ્પીડ વધારીને ભગાડી દીધી, જેથી તેનો પીછો કરતાં પોતાની કાર લઈને કિરણસિંહ અને તેમની સાથેના હોમગાર્ડ હાઇવે પર ચડવાના અપ્રોચ રોડ આગળ ઊભા રહ્યા.

આખો પગ છૂંદાઈ ગયો હતો
PI ડી.આર. ગોહિલએ આગળ કહ્યું, ”કિરણસિંહ બહાર નીકળવા જાય એ પહેલા જ ડ્રાઇવરે ગાડી તેમની કાર સાથે અથડાવી દીધી. તેમણે દરવાજાની બહાર જે પગ રાખ્યો હતો એ આખો છૂંદાઈ ગયો અને એ સાથે જ તેઓ આગળ જઈને પડ્યા. એ જોઈ ટ્રકચાલક ફરાર થઈ ગયો. એ ઘટના બાદ અન્ય કર્મચારીઓ ત્યાં આવી પહોંચતાં કિરણરાજને શ્રદ્ધા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે શ્રીક્રિષ્ના હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં શ્રીક્રિષ્ના હોસ્પિટલે એવું તારણ કાઢ્યું હતું કે પગની ઇજાઓ જોતાં પગ કાપવાની જરૂરિયાત ઊભી થઈ હતી. પછી એક્સ-રે અને સોનોગ્રાફી કરવામાં આવ્યા, ત્યારે તેમનાં આંતરિક અંગોમાં પણ ઇજા થઈ હોવાનું સામે આવ્યું હતું, જેથી ઇન્ટર્નલ ઓર્ગન ડેમેજ થવાથી અને બ્લીડિંગ ખૂબ વધુ થઈ જવાને કારણે તેમને બચાવી શકાયા નહીં.’

પોલીસ તેમનાં બાળકો માટે ફંડ ભેગું કરી રહી છે
PI ગોહિલે ઉમેર્યું હતું, તેમનાં બે સંતાનોના ભવિષ્ય માટે મદદરૂપ થઈને અમે ફંડ ભેગું કરવાનું આયોજન કર્યું છે. અમારી એ ગણતરી છે કે તેમનાં બાળકોના શિક્ષણની જે જરૂરિયાત હોય એ અમે પૂરી કરીશું અને અમે ભાઈના એકાઉન્ટ નંબર જાહેર કર્યા છે, જેમાં બધા પોતપોતાની રીતે નાની-મોટી મદદ મોકલી રહ્યા છે.’

error: Content is protected !!