વર્ષોથી આખું ગામ એક રસોડે જમે, ક્યારેય ચૂંટણી થઈ નથી, હજુ સુધી એકેય પોલીસ કેસ પણ નહીં

મહેસાણા : ચાંદણકી ગામ એક શ્રેષ્ઠ ઉત્તમ ઉદાહરણ પાડી રહ્યું છે. અંદાજે 1100ની વસતિવાળા આ ગામના 300થી વધુ લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશમાં વેલસેટ છે. એટલું જ નહીં, આ ગામના અન્ય લોકો રાજ્યના અલગ-અલગ શહેરમાં સ્થાયી થયા છે. અત્યારે ગામમાં માત્ર 50-60 જ લોકો રહે છે. ગામમાં રહેતા દરેક લોકોની ઉંમર 60 ઉપર છે.

ગામના સરપંચ પૂનમભાઈ પટેલ સૌથી નાના, એટલે કે 57 વર્ષના હોવાની સાથે પોતાને ગામના યંગેસ્ટ પણ ગણાવે છે. આજે આ ગામમાં કોઈ યુવાન રહેતું નથી. આમ છતાં ગામમાં તમામ પ્રકારની સુવિધા અને સ્વચ્છતા જોવા મળે છે. ત્યારે 18 ડિસેમ્બર, એટલે કે ઇન્ટરનેશલ માઇગ્રન્ટ્સ ડે નિમિત્તે દિવ્યભાસ્કર ડિજિટલે આ ગામની મુલાકાત લીધી હતી અને અહીં રહેતા તમામ વયોવૃદ્ધો સાથે વાતચીત કરી હતી.

ચાંદણકી ગામના સરપંચ પૂનમભાઈએ દિવ્યભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે ”હું છેલ્લાં 3 વર્ષથી આ ગામમાં રહું છું. આ પહેલાં હું 20 વર્ષ ન્યૂયોર્કમાં રહ્યો હતો. જોકે સુંદર અને રળિયામણા ગામ સાથેનું એટેચમેન્ટ હવે મારાથી છૂટતું નથી. મારું અમદાવાદમાં ઘર છે છતાં ત્યાં રહેવું ગમતું નથી, એટલે હવે હું ગામમાં જ રહું છું. ગામમાં લગભગ 1100 લોકોની વસતિ છે, જેમાંથી 300 લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશમાં વેલસેટ છે. આ સિવાયના ગામલોકો અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગર સહિતના અલગ-અલગ સિટીમાં રહે છે.

દરેક વયોવૃદ્ધ એક જ રસોડે જમે છે.
પૂનમભાઈએ જણાવ્યું હતું કે ”રતિલાલ સોમનાથ પટેલ દ્વારા 8થી 10 વર્ષ પહેલાં ગામમાં એક રસોડાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સમય જતાં સુધારા કર્યા છે. આજે દરેક વયોવૃદ્ધ લોકો પોતાને મનગમતું ભોજન અહીં જમે છે. આ કાર્યમાં અમારા ગામના બહાર રહેતા છોકરાઓનો પણ સારો સપોર્ટ છે. જે વડીલો અહીં જમવા ના આવી શકે તેમને અમે ટિફિન પણ પહોંચાડી દઈએ છીએ.”

આજસુધી ગામમાં પંચાયતની ચૂંટણી થઈ નથી.
પૂનમભાઈએ વઘુમાં જણાવ્યું હતું કે ”વી આર યુનાઇટેડ પીપલ ઓફ ચાંદણકી. એકબીજા સાથે અંતરથી જોડાયેલું ગામ, એકબીજા માટે જીવતું ગામ એટલે અમારું ચાંદણકી ગામ. કોઈને ક્યારેય કોઈ જ કમ્પેઇલન નહીં. જ્યારથી દેશમાં પંચાયત રાજ્યની સ્થાપના થઈ છે ત્યારથી આજસુધી ગામમાં કોઈ જ ચૂંટણી થઈ નથી. આજસુધી ગામમાં કોઈ પોલીસ કેસ થયો નથી. બસ, આમ જ અહીં બધા એકબીજા સાથે હળીમળીને રહે છે. ”

”જરૂર પડ્યે ગામનો કોઈપણ છોકરો દોડતો આવે”
ચાંદણકી ગામમાં રહેતા પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું કે ” અમારું ગામ પહેલેથી જ એકબીજા સાથે હળીમળીને રહે છે. ક્યારેક ગામમાં કોઈ એવી પરિસ્થિતિ થાય ત્યારે અમારા ગામના કોઈપણ છોકરાને અમે બોલાવીએ તો તેના દરેક કામ પડતા મૂકીને દોડતા આવે છે. કોઈપણને ગમે તે તકલીફ હોય તો પોતાના છોકરા સિવાય બીજા છોકરા પણ એટલી જ લાગણીથી ગામમાં હાજર થઈ જ જાય છે.”

”ગામના વિકાસ માટે બહાર રહેતાં બાળકો સતત પ્રયત્નશીલ રહે છે”
ચાંદણકી ગામના રતિલાલ પટેલે કહ્યું, ” અમારા ગામમાં માત્ર સિનિયર સિટિજનો રહેતા હોવા છતાં આટલો વિકાસ છે, એ અમારા બહાર રહેતાં બાળકોને લીધે છે. આજે અમારું ગામ CCTV કૅમેરાથી પણ સજ્જ છે. અમારા ગામનાં બાળકો ભલે આજે દેશ-વિદેશમાં રહેતાં હોય, પણ તેઓ આ ગામને ભૂલ્યાં નથી. તેઓ ઘણીવાર પોતાના ખર્ચે ગામમાં દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. ”

error: Content is protected !!