નાનકડા એવા ગામડાની ખેડૂતપુત્રીનો ધમાકો, GPSCની પરીક્ષા પાસ કરી પોલીસ ઇન્સપેક્ટર બની

નાનકડા એવા ગામડાની ખેડૂતપુત્રીનો ધમાકો, GPSCની પરીક્ષા પાસ કરી પોલીસ ઇન્સપેક્ટર બની

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પથંકની અને છેલ્લા થોડા વર્ષોથી કચ્છમાં નોકરી કરતી ખેડૂત પુત્રી પોલીસ ઇન્સ્પેક્ટર બની છે. ખેતી સાથે જોડાયેલા પરિવારની પુત્રી પોલીસ ઇન્સ્પેક્ટર બની મહિલાઓ અને બાળકો વિરૂદ્ધ થતાં ગુના અટકાવવાની ઈચ્છા ધરાવે છે. દેશની મહિલા જે ધારે તે કરી શકે છે, તે સાબિત કર્યું છે. આમ નાનકડા એવા ગામડાની ખેડૂતપુત્રીએ GPSCની પરીક્ષા પાસ કરી પોલીસ ઇન્સપેક્ટર બની ધમાકો કર્યો છે.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના વતની અને છેલ્લા બે વર્ષથી કચ્છમાં આઇ.સી.ડી.એસ.શાખામાં મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવતા કુંદનબેન ગઢવીએ સરકારના આઇ.સી.ડી.એસ. શાખામાં જોડાયા બાદ કચ્છમાં પોસ્ટિંગ પર આવ્યા હતા. પણ બાળપણથી પોલીસમાં જોડાવાનો સ્વપ્ન સાકાર કરવા તનતોડ મહેનત કરી અને ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ 2ની પરીક્ષા પાસ કરી પોલીસ ઇન્સ્પેકટર બન્યા છે.

કુંદનબેને જણાવ્યું હતું કે, બાળપણથી જ પોલીસ વિભાગમાં જોડાઈ દેશની સેવા કરવાનું સ્વપ્ન હતું. બાળપણમાં જ્યારે પોલીસની પરેડ થતી હોય ત્યારે હંમેશા એક ઈચ્છા જાગતી કે, જો હું પણ પોલીસમાં હોઉં તો એક સારી લીડર બની વિભાગને ગાઈડ કરી શકું.

કુંદનબેન ગઢવીનો પરિવાર અનેક વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો છે. પોતાના વતન ધ્રાંગધ્રાના પીપળી ગામે તેમનો પરિવાર ખેતીવાડી સંભાળે છે. પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ કુંદનબેને પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષા માટે તૈયારી શરૂ કરી હતી. 2018માં પરીક્ષા આપ્યા બાદ ઇન્ટરવ્યૂ રાઉન્ડ સુધી પહોંચ્યા હતા. એટલે બીજી વખત ભરતી આવતા ફરી અથાગ મહેનતથી તૈયારી કરી ઇન્ટરવ્યૂ પણ પાસ કર્યું હતું.

કુંદનબેન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીધામમાં બે વર્ષ આઇ.સી.ડી.એસ. શાખામાં ફરજ બજાવતા ત્યારે બાજુમાં જ પોલીસ અધિક્ષકની કચેરીમાં પોલીસ કર્મીઓને પોતાનું કામ કરતા જોઈ ખાખી વર્દીની નોકરી પ્રત્યે આકર્ષાઇ હતી. આઈ.સી.ડી.એસ. શાખામાં ફરજ બજાવ્યા બાદ હવે પોલીસ વિભાગમાં હું મહિલાઓ અને બાળકો માટે ખૂબ સારી કામગીરી કરી શકીશ. આપણા દેશમાં થતાં જુવેનાઇલ ક્રાઈમ અને બાળકો પ્રત્યે થતાં ક્રાઇમ હું અટકાવી શકું તે તરફ પ્રયાસો કરીશ.