Breaking News: ટ્રેજેડી કીંગની વિદાઈ, બોલિવૂડના 98 વર્ષીય દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું નિધન

બોલિવૂડના ખ્યાતનામ અભિનેતા 98 વર્ષીય દિલીપ કુમારનું વહેલી સવારે નિધન થયું છે. મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપ કુમારે સવારે 7.30 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. 30 જૂને શ્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેઓ ICUમાં હતા. ઉલ્લેખનીય છે કે 6 જૂનના રોજ દિલીપ કુમારને એડમિટ કરવામાં આવ્યા હતા અને તેમને 11 જૂનના રોજ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

શ્વાસ લેવામાં તકલીફ પડતાં દાખલ કરવામાં આવ્યા હતા
98 વર્ષીય દિલીપ કુમારને હિંદુજા હોસ્પિટલના ICU વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી શ્વાસની તકલીફ તથા તેમની ઉંમર જોતાં પરિવારે હોસ્પિટલમાં એડમિટ કરવાનો નિર્ણય લીધો હતો.

જૂનમાં પાંચ દિવસ એડમિટ રહ્યા હતા
નોંધનીય છે કે 6 જૂનના રોજ દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ પડતાં આ જ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને ફેફસાંમાં પાણી ભરાઈ ગયું હતું. ડૉક્ટર્સ પાણી બહાર કાઢ્યું હતું અને પાંચ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ગયા વર્ષે બે ભાઈના મોત
ગયા વર્ષે દિલીપ કુમારના બે નાના ભાઈઓના કોરોનાને કારણે મોત થયા હતા. 2020માં બંને ભાઈઓ અસલમ ખાન (80) તથા અહેસાસ ખાન (90)નું મોત કોરોનાને કારણે થયું હતું. બંને ભાઈ લીલાવતી હોસ્પિટલમાં એડમિટ હતા. જોકે, દિલીપ કુમારને આજ સુધી બંને ભાઈના મોત અંગે ખબર નથી.

પદ્મભૂષણ, દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત
દિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. તેમણે ‘જ્વાર ભાટા’, ‘અંદાજ’, ‘આન’, ‘દેવદાસ’, ‘આઝાદ’, ‘મુગલ-એ-આઝમ’, ‘ગંગા જમુના’, ‘ક્રાંતિ’, ‘કર્મા’, ‘સૌદાગર’ સહિત 50થી વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું હતું. છેલ્લે તેઓ ફિલ્મ ‘કિલા’માં જોવા મળ્યા હતા.

8 વાર ફિલ્મફેર અવૉર્ડ મળ્યો
દિલીપ કુમારને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવૉર્ડ આઠ વાર મળ્યો હતો. હિંદી સિનેમાનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 2015માં સરકારે તેમને પદ્મભૂષણ અવૉર્ડથી સન્માનિત કર્યા હતા.

error: Content is protected !!