ડૉકટર દંપતીએ આત્મહત્યા કરી: પહેલા પત્ની પછી પતિએ જીવન ટૂંકાવ્યું

પુણે: પુણેમાં નવવિવાહિત ડૉકટર દંપતીએ ગુરૂવારે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. ડૉ. નિખિલ અને ડૉ. અંકિતાના શબ ગુરૂવારે સવારે એમના ઘરેથી મળી આવ્યા હતા. આ બંને દંપતીએ ઘરેલુ ઝઘડાના પરિણામે સુસાઈડ કરી હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવી રહી છે. જોકે પોલીસ અન્ય એન્ગલથી પણ ઘટનાની તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે અંકિતા BHMS ડૉકટર અને નિખિલ BAMS ડૉકટર હતા. આ બંને વાનવડી વિસ્તારના આઝાદ નગરના એક બંગલામાં રહેતા હતા. પોલીસે દંપતીના શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધા છે. અત્યારે તો આ કેસને એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR)માં દાખલ કર્યો છે. રિપોર્ટ આવ્યા પછી ઘટસ્ફોટ થશે.

મોડી રાત્રે બંને વચ્ચે ઝઘડો થયો હતો
વાનવાડી પોલીસ સ્ટેશન દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર, બંનેના કોલ રેકોર્ડની તપાસ કર્યા પછી સામે આવ્યું હતું કે સુસાઈડ પહેલા ડૉકટર દંપતી વચ્ચે કોઈ વાતને લઇને ઝઘડો થયો હતો. વાતચીત દરમિયાન નિખિલે ફોન કટ કરી દીધો હતો, તેથી અંકિતાએ ગુસ્સામાં આવીને પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. ડૉ. નિખિલ જ્યારે સાંજે ઘરે આવ્યો ત્યારે અંકિતાનું શબ પંખાથી લટકેલો જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાથી પતિ પણ માનસિકરૂપે તૂટી ગયો અને બીજા રૂમમાં જઇને આત્મહત્યા કરી લીધી હતી.

સવારે સમગ્ર ઘટનાની જાણ થઈ
પોલીસના જણાવ્યા પ્રમાણે ઘરકામ કરવા આવતી મહિલાએ ગુરૂવારે સવારે વારંવાર દરવાજો ખટખટાવ્યો હતો, પરંતુ સામેથી કોઇ પ્રતિસાદ ના મળતા તેને શંકા ગઈ હતી. આ અંગે તેણે પાડોશીને જાણ કરી હતી. પાડોશીએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા તે ઘટનાસ્થળ પર આવી હતી અને દરવાજો તોડી દીધો અને ઘરની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને દંપતીના શબ પંખાથી લટકેલા જોવા મળ્યા હતા.

error: Content is protected !!