13 વર્ષથી વાંકી હતી ડોક, ડોક્ટરોએ તેને અસહ્ય પીડામાંથી મુક્ત કરી નવજીવન આપી માનવતા મહેકાવી
સામાન્ય રીતે રાત્રીના સમયે પથારીમાં તકિયા કે ઓશિકા વગર ઉંઘવાના સંજોગોમાં સવારે અકડામણમને લીધે ડોકમાં અસહ્ય પીડા થતી હોય છે. જ્યાં સુધી આ પીડામાંથી છૂટકારો મળતો નથી ત્યા સુધી જીવ સતત અધ્ધર રહે છે. પણ આપણે એક એવી પાકિસ્તાની છોકરીની અહીં વાત કરવા જઈ રહ્યા છીએ કે જે 8 મહિનાની હતી ત્યારે રમત-રમતા પડી જતા ડોક 90 ડિગ્રી જેટલી વળી ગઈ હતી અને આ પીડાદાયક સ્થિતિને તે છેલ્લા 13 વર્ષથી સહન કરતી હતી. ભારતીય ડોક્ટરોએ નવી દિલ્હીમાં આ છોકરી પર સફળ ઓપરેશન કરી તેને આ પીડામાંથી મુક્તિ અપાવી છે.
અફશીન ગુલ નામની આ છોકરી 13 વર્ષ અગાઉ રમતા-રમતા પડી ગઈ હતી અને ત્યારથી તેને ડોકમાં સતત પીડા થવા લાગી હતી, તે પોતાની ડોક સીધી સ્થિતિમાં રાખી શકતી ન હતી. આ સંજોગોમાં તે ભોજન લેવામાં, શૌચાલયનો ઉપયોગ કરવામાં અને ચાલવા તથા બેસવામાં અસહ્ય મુશ્કેલીનો સામનો કરતી હતી.
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા મિઠી વિસ્તારની રહેવાસી છે. જોકે ભારતમાં નવી દિલ્હી સ્થિતિ એપોલો હોસ્પિટલમાં તેના ઉપર સફળ સર્જરી કરવામાં આવી હતી. આ માટે 34 હજાર ડોલરનું ભંડોળ પણ એકત્રિત કરવામાં આવ્યું હતું.
આ અગાઉ ફેબ્રુઆરી,2018માં આ છોકરીને એપોલો હોસ્પિટલ લાવવામાં આવી હતી, ત્યારે નિષ્ણાતોએ કહ્યું કે આ માટે ઓપરેશન કરવાની જરૂર પડશે અને તેને બચવાની શક્યતા 50 ટકા જેટલી રહેશે. આ સંજોગોમાં સફળ સર્જરી માટે 50 ટકા જોખમ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો, તેમ અફશીનના ભાઈ મોહમદ યાકુબે જણાવ્યું હતું.
ડો.રાજગોપાલન ક્રિષ્ણન કે જેઓ ભારત પરત ફર્યાં તે અગાઉ NHSમાં 15 વર્ષ સુધી કામ કરતા હતા તેમણે તબીબી જગતનો આ અસાધારણ કેસ પોતાના હસ્તક લીધો. આ અગાઉ તેમણે પોતાની કારકિર્દીમાં અનેક જટિલ સ્પિનલ સર્જરી કરવામાં સફળતા હાંસલ કરી હતી.
સેલેબ્રલ પાલ્સી બીમારીથી સમસ્યા વધેલી
અફશીનના પરિવારનું માનવું હતું કે છોકરીની ડોક આપમેળે જ સમય જતા સીધી થઈ જશે, પણ એવું થયું નહીં. અફશીનને સેરેબ્રલ પાલ્સીની પણ ફરિયાદ હતી. સેરેબ્રલ પાલ્સી એક એવી બીમારી છે કે જેની જટિલ સ્થીતીને લીધે કેટલાક સમય અગાઉ માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલનો દીકરો જૈન નડેલનું મૃત્યુ થયું હતું. સેરેબ્રલ પાલ્સીની સ્થિતિ ગંભીર બનતા એક અખબારમાં અફશીન અંગે માહિતી પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યારબાદ GoFundMe મારફતે રૂપિયા 25 લાખનું ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું હતું.
અફશીનનો ભાઈ ડોક્ટરને મળ્યો
અફશીનનો ભાઈ યાકૂબ એક ડોક્યુમેન્ટ્રી જોયા બાદ ડો.રાજગોપાલન કૃષ્ણાને મળ્યો હતો, જે ભારત પરત ફર્યાં તે અગાઉ 15 વર્ષ સુધી નેશનલ હેલ્થ સર્વિસ (NHS)માં કામ કરતા હતા. અફશીનની સફળતાપૂર્વક સર્જરી થઈ ચુકી છે, જોકે અત્યારે તેને સપોર્ટ ઉપર રહેવું પડશે. અલબત આગામી સમયમાં તે એક તંદુરસ્ત જીવન જીવી શકશે, કારણ કે તેની ડોક સીધી થઈ ચુકી છે. દીકરી સાજી થયેલી જોતા ભાઈ તથા માતા સહિત સમગ્ર પરિવારની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.
સેરેબ્રલ પાલ્સી શું છે
સેરેબ્રલ પાલ્સી એક માંસપેશીઓ સાથે જોડાયેલી બીમારી છે, જે માથામાં કોઈ વિકૃતિને લીધે સર્જાય છે. તેને લીધે મસ્તિકા અને માંસપેશીઓને જોડવામાં વિકૃત્તિ સર્જાઈ શકે ચે. તે જન્મ અગાઉ, જન્મ સમયે અથવા તો જન્મ બાદ પણ થઈ શકે છે. તેનાથી નબળી માંસપેશીઓ, ધ્રુજારી, સંવેદના, દ્રષ્ટિ ખામી, બોલવા-સાંભળવામાં સમસ્યા વગેરે મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.રમતા-રમતા પડી જતા ડોક 90 ડિગ્રી વળી ગયેલી ડોક ડોક્ટરોએ સીધી કરી, દીકરીને સાજી થયેલી જોતા પરિવારના આંખમાં હર્ષના આસું આવી ગયા, જાણો શું છે આ બિમારી?