દીવ બાદ દમણ બીચ પર સર્જાઈ મોટી દુર્ઘટના, પેરાસેલિંગ કરતા સહેલાણીઓ નીચે પટકાયા

એક રૂંવાડા ઊભા કરી દેતો હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે. સંઘ પ્રદેશ દમણના જમપોર બીચ પર વેકેશનની મજા માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. તેમાં પેરાસેલિંગ કરવા આવેલા સહેલાણીઓ હવામાંથી ધડામ દઈને નીચે પટકાયા હતા. એમાં 2 સહેલાણી અને એક ટ્રેનર નીચે પટકાતાં ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે વાપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે આ સમગ્ર ઘટનાનો વીડિયો પંથકમાં વાઇરલ થવા પામ્યો છે.

હવામાંથી ધડામ દઈને નીચે પટકાયા
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે વેકેશન માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. દમણ ખાતે આવેલા જમપોર બીચ પર લોકો મજા માણવા આવતા હોય છે. ત્યારે સહેલાણીઓ બીચ પર મૂકવામાં આવેલા એડવેન્ચર સ્પોર્ટ્સની મજા લેતા જોવા મળે છે. એમાં દમણના જમપોર બીચ પર મૂકવામાં આવેલા એડવેન્ચર સ્પોર્ટ્સ કરતા સમયે સહેલાણીઓ સાથે એક દુર્ઘટના ઘટી હતી. બીચ પર બે સહેલાણી અને ટ્રેનર એમ ત્રણ જણા પેરાસેલિંગ કરવા માટે હવામાં ઊડ્યા હતા. એમાં અચાનક હવા બદલાતાં તેઓ હવામાંથી નીચે પટકાયા હતા.

ઘટનાનો વીડિયો વાઈરલ
સહેલાણીઓ અને ટ્રેનર નીચે પટકાતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને પહેલા દમણ ખાતે સારવાર આપવામાં આવી હતી. એ બાદ તમામને વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ સમગ્ર ઘટનાનો વીડિયો પંથકમાં વાઈરલ થવા પામ્યો હતો.ત્રણ જણા પેરાસેલિંગ કરવા માટે હવામાં ઉડ્યા, અચાનક હવા બદલાતાં ધડામ દઈને નીચે પટકાયા, જોનારાઓ હચમચી ઉઠ્યા,

નોંધનીય છે કે ચોમાસાની શરૂઆત પહેલાં હવાની ગતિમાં વધારો થાય છે અને પવનની દિશા બદલાતી રહે છે. ત્યારે આવા સમયે એડવેન્ચર સ્પોર્ટ્સ બંધ રાખવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો રૂપિયાની લાલચે જોખમી સ્પોર્ટ્સ ચાલુ રાખે છે, ત્યારે આ દુર્ઘટનાને પગલે પ્રવાસન વિભાગ દ્વારા પણ આ બાબતે ધ્યાન આપવામાં આવે એવી સ્થાનિકોમાં માગ ઊઠવા પામી છે.

error: Content is protected !!