પુત્રીઓ માટે પિતાનો રડાવી દેતો સંઘર્ષ, રાત-દિવસ ભઠ્ઠીમાં મજૂરી કામ કરતા પિતાની એક દીકરી અધિકારી અને બીજી બની IT ઇજનેર
રાજકોટઃ રાજકોટના રફાળા ગામના મૂળ વતની હંસરાજભાઈ સોજીત્રા ભઠ્ઠીકામમાં મજૂરી કરતા હતા. હંસરાજભાઈ અને નંદુબેનને સંતાનમાં 2 દીકરી અને એક દીકરો હતો. 5 સભ્યના પરિવારનું ગુજરાન ચલાવવાની સાથે સંતાનોની સુખાકારી માટે રાત-દિવસ જોયા વગર કામ કરતા હતા. હંસરાજભાઈ પોતે અભણ પણ એની સમજણ ભણેલા ગણેલાને પણ ભોંઠા પાડે એવી હતી.
હંસરાજભાઈએ દીકરાની સાથે બંને દીકરીને પણ કારકિર્દી માટે સ્વતંત્રતા આપી હતી. સંતાનો સારામાં સારી રીતે ભણી શકે એટલે તેઓ કારખાનામાં કામ કરવા સાઇકલ લઈ જતા જેથી બચત થાય અને એ રકમ બાળકોના અભ્યાસ માટે વપરાય. પોતાના ઘરમાં પ્લાસ્ટર કરવાનો ખર્ચ ન કરીને સાદા મકાનમાં જ રહ્યા. કારણકે તેઓ એવું માનતા કે મકાનને શણગારવામાં ખર્ચ કરવાને બદલે જીવનને શણગારવા માટે શિક્ષણ પાછળ ખર્ચ કરવો જોઈએ. મકાન ભલે પ્લાસ્ટર વગરનું હોય પણ જીવન શિક્ષણ વગરનું ન હોવું જોઈએ.
એક દીકરી અધિકારી અને બીજી IT પ્રોફેશનલ બની
હંસરાજભાઈએ સંતાનોને ઉડવા માટે ખુલ્લું આકાશ આપ્યું તેના પરિણામ રૂપે મોટી દીકરી નિરલે સરકારી આયુર્વેદ કોલેજમાંથી એમ.ડી. સુધીનો અભ્યાસ કરીને પીએચડી પણ કર્યું અને અત્યારે ત્રિપુરામાં અગરતલા ખાતે ભારત સરકારના અધિકારી તરીકે એમની સેવાઓ આપે છે. નાની દીકરીએ પણ સરકારી કોલેજમાંથી જ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એન્જિનિયરીંગ કર્યું અને બેંગ્લોર બેઇઝ કંપનીમાં ઉચ્ચ હોદા પર કામ કરે છે જ્યારે સૌથી નાના દીકરા કેયુરે એની પસંદગીના મેનેજમેન્ટ સબ્જેક્ટમાં અભ્યાસ કર્યો અને પ્રતિષ્ઠિત કંપનીમાં સારા પગારથી નોકરી પર લાગી ગયો.
હંસરાજભાઇ સુખનો સૂરજ ઉગ્યો એ જોઇ ન શક્યા
હંસરાજભાઈએ એક જ કારખાનામાં 32 વર્ષ મજૂરીકામ કર્યું. અભણ પિતાએ અનેક અભાવો વચ્ચે જીવન જીવીને સંતાનોને ભણાવ્યા. સંતાનોએ પણ ખખડધજ મકાનની જગ્યાએ ભૌતિક સુવિધાઓથી સભર એક આધુનિક મકાન તૈયાર કરીને પિતાને આપ્યુ. ભગવાનને પણ કંઈક જુદુ જ મંજૂર હશે. જે પિતાએ સંતાનોના સુખી જીવન માટે પોતાની જાતને ઓગળી દીધી એ સંતાનોના જીવનમાં સુખનો સુરજ ઉગતાની સાથે હંસરાજભાઈનો જીવનદીપ ઓલવાઈ ગયો. થોડા સમય પહેલા જ કોરોનાના લીધે હંસરાજભાઈનું અવસાન થયું.