ડેન્ગ્યુના કારણે ઊંઝા ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલનું અવસાન, થોડીવારમાં પાર્થિવદેહને ઊંઝા લઈ જવાશે
મહેસાણા : જિલ્લાના ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલની ડેન્ગ્યુ થયા બાદ આજે 44 ની વયે અવસાન થઈ ગયું છે. 11 ડિસેમ્બરના રોજ ઝાયડસના ડાયરેક્ટર ડૉ.વી.એન.શાહે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું કે આશા પટેલના મોટા ભાગનાં અંગો ફેલ થયાં છે. આવા સંજોગોમાં રિક્વરીના ચાન્સ બહુ ઓછા હોય છે. આશાબેનનું અવસાન થયું ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઝાયડસમાં હાજર હતાં.
આશાબેનના પાર્થિવદેહને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાંથી ઊંઝા લઈ જવાશે. જ્યાં તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યાર બાદ આવતીકાલે સિદ્ધપુરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
એક કર્મશીલ જનપ્રતિનિધિ તરીકે તેઓ હંમેશાં યાદ રહેશેઃ રાજ્યપાલ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબહેન પટેલના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. રાજ્યપાલે તેમના શોક સંદેશમાં જણાવ્યું છે કે, ડો.આશાબહેન પટેલ જાગૃત જનપ્રતિનિધિ તરીકે ઓળખ ધરાવતા હતા. એક કર્મશીલ જનપ્રતિનિધિ તરીકે તેઓ હંમેશાં યાદ રહેશે. રાજ્યપાલે સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાશ્વત શાંતિ અર્પે એવી પ્રાર્થના પણ વ્યક્ત કરી છે.
આશાબેને લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને સેવા આપીઃ મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભૂપેન્દ્ર પટેલે ડો.આશા બહેન પટેલે એક જાગતિક જન પ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી છે. મુખ્યમંત્રીએ સ્વ.આશા બહેન ના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી છે.
જુજારુ એવાં સક્ષમ મહિલા આગેવાન ગુમાવ્યાંઃ ભરત પંડ્યા સેવા અને વિકાસ માટે જુજારુ એવાં સક્ષમ મહિલા આગેવાન ગુમાવ્યાં છે.” ભગવાન તેમનાં આત્માને શાંતિ આપે અને તેમનાં પરીવારને અને સહુને આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.
કેમિસ્ટ્રીમાં પી.એચ.ડી હતા આશાબેન 6 જાન્યુઆરી 1954ના રોજ જન્મેલા આશાબેન આજીવન અપરિણીત રહ્યાં હતા. ઉત્તર ગુજરાતના પાટણની હેમચંદ્રાચાર્ય યૂનિવસિટીમાંથી વિજ્ઞાનમાં અનુસ્નાતક અને કેમિસ્ટ્રીમાં Ph.d થયેલા ડો.આશા પટેલ ખેતી વ્યવસાય સાથે જોડાયેલા હતા. વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ડૉ.આશાબેન પટેલ ચૂંટાયાં હતાં, જોકે 2019માં તેમણે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયાં હતાં, જેને કારણે ખાલી પડેલી આ બેઠક પર ચૂંટણી યોજાઇ હતી, જેમાં ભાજપે આશાબેનને જ ટિકિટ આપતાં ફરી જીતી ગયાં હતાં.
ઊંઝા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી નહીં યોજાઈ ગુજરાત વિધાનસભા પહેલાથી જ ખંડિત છે, દેવભૂમિ દ્વારકા બેઠક ખાલી હતી, ત્યાં આશાબેનના અવસાનને કારણે ઊંઝા વિધાનસભા બેઠક પણ ખાલી પડી છે. 14મી વિધાનસભાની મુદ્દતને આડે એક વર્ષ કરતા પણ ઓછો સમય હોવાથી પેટાચૂંટણી આવશે નહીં.
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષે કહ્યું હતું તબિયતમાં સુધારો જો કે આજે સવારે તેમની હેલ્થને લઈ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હેલ્થ બગડવાની સ્થિતિ પર બ્રેક લાગી છે. પ્લેટલેટ્સ કાઉન્ટ 30 હજારથી વધુ થયા છે અને બ્લડ પ્રેશર પણ કન્ટ્રોલમાં આવી રહ્યું છે. માત્ર એટલું જ નહીં, આશાબેનનું શરીર પણ રિસપોન્ડ કરી રહ્યું છે. સમયાંતરે એમના રિપોર્ટ્સ કરાવવાં આવી રહ્યાં છે. લીવરમાં SGPT(સિરમ ગ્લૂટેમિક પાયરુવિક ટ્રાન્સએમિનસ) કાઉન્ટ પણ વધ્યા છે.
શુક્રવારે ઝાયડસ હોસ્પિટલમાં ખેસડાયાં હતા આશાબેન પટેલને દિલ્હીથી પરત આવ્યાં પછી ડેન્ગ્યુ થયો હતો. તેમને 7 ડિસેમ્બરે તાવ આવ્યો હતો. બાદમાં તેમને ડેન્ગ્યુ થયો હોવાનું તારણ સામે આવ્યું હતું. બે દિવસ ઊંઝાની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જોકે ત્યાં તેમની તબિયત વધુ બગડતાં શુક્રવારે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં છે. ડેન્ગ્યુને કારણે તેમનું લિવર ડેમેજ થયું હોવાથી તેમની સ્થિતિ ગંભીર બનતાં હાલમાં તેમને વેન્ટિલેટર પર રાખાયાં હતા.
11 ડિસેમ્બરે મુખ્યમંત્રીનો કાફલો ઝાયડસ પહોંચ્યો હતો સોલામાં ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ તેઓ સીધા જ ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેઓ ધારાસભ્ય આશાબેન પટેલની ખબરઅંતર પૂછવા ગયા હતા. ત્યારે મંત્રી બ્રિજેશ મેરજા પણ ઊંઝાના ધારાસભ્યના હાલચાલ પૂછવા દોડી ગયા હતા.
કોંગ્રેસમાંથી રાજીનામું ધરી ભગવો ખેસ ધારણ કર્યો 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ડૉ.આશાબેન પટેલ ચૂંટાયાં હતાં, જોકે 2019માં તેમણે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયાં હતાં, જેને કારણે ખાલી પડેલી આ બેઠક પર ચૂંટણી યોજાઇ હતી, જેમાં ભાજપે આશાબેનને જ ટિકિટ આપતાં ફરી જીતી ગયાં હતાં. ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલાં ડૉ.આશાબેન પટેલ 19,500 મતની લીડથી વિજેતા બન્યાં હતાં. 2019ની પેટાચૂંટણીમાં ભારે રસાકસી બાદ ભાજપનાં ડૉ. આશાબેન પટેલનો 23,072 મતની લીડથી વિજય થયો હતો.