દારૂ છુપાવવાનો નવો કીમિયો, જમીનમાં સંતાડેલી વિદેશી દારૂની 1065 બોટલ જોતાં જ પોલીસ ચોંકી ઊઠી
વડોદરા: વડોદરા શહેરના માણેજા રાજનગર ફાટક પાસે આવેલા સ્મશાનની પાછળ ખાડો ખોદીને પ્લાસ્ટિકનું ડ્રમ ઉતારી એમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જંગી જથ્થો મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસની નજર ચૂકવીને વિદેશી દારૂનો ધંધો કરતા એક બૂટલેગરની પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી હતી, જ્યારે તેના સાગરીતને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે સાગરીતને વોન્ટેડ જાહેર કર્યો
વડોદરા શહેર મકરપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડને માહિતી મળી હતી કે માણેજા રાજનગર રેલવે ફાટક પાસે આવેલા સ્મશાનની પાછળ ખાડો ખોદીને એમાં ડ્રમ ઉતારી દીપક સોનાર નામનો બૂટલેગર અને તેનો સાગરીત વિદેશી દારૂનો ધંધો કરે છે, જેના આધારે સર્વેલન્સ સ્ક્વોડે દરોડો પાડીને સ્મશાનની પાછળ ખાડો ખોદીને એમાં છુપાવી રાખેલી વિદેશી દારૂની 1065 બોટલ કબજે કરી હતી. એ સાથે આ વિદેશી દારૂ સંતાડી ધંધો કરનાર 287, સત્યનગર સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, માણેજા ખાતે રહેતા દીપક નારસિંગ સોનારની ધરપકડ કરી હતી, જ્યારે તેના સાગરીત સુરેશ ઉર્ફે કાણિયો તેજબહાદુર થાપા(રહે, 12, ડાહીબાનગર, મકરપુરા, વડોદરા)ને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે.
પોલીસે 1, 10,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
મકરપુરા પોલીસે 1, 10,600 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાયેલા બૂટલેગર દીપક સોનાર અને વોન્ટેડ સુરેશ ઉર્ફે કાણિયો થાપા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ઘોસ વધારતાં બૂટલેગરો અવનવા કીમિયા અપનાવે છે
ઉલ્લેખનીય છે કે પોલીસે બૂટલેગરો સામે ઘોસ વધારતાં બૂટલેગરો અવનવા કીમિયા અપનાવી વિદેશી દારૂનો ધંધો કરી રહ્યા છે, પરંતુ, પોલીસની બાજનજરમાં બૂટલેગરો ફાવતા નથી. મકરપુરા પોલીસે ખાડો ખોદીને દાટી દીધેલો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડતાં વિસ્તારના બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.