ગુજરાતનો આ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બનશે,કુલ વિસ્તારમાં 77 ટકા જંગલ, 2205 પ્રકારનાં ફૂલો અને 400થી વધુ પ્રકારની વનસ્પતિ

ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર થવા જઈ રહ્યો છે. જૈવિક કૃષિને પ્રોત્સાહન આપવા રાજય સરકાર આગામી 19મી નવેમ્બરે ડાંગને પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કરશે. આ બાબતે કૃષિ સચિવ મનિષ ભારદ્વાજને પૂછવામાં આવતા તેમણે સ્વીકાર્યુ હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ દેશમાં સૌ પ્રથમ ડાંગ જિલ્લાને ‘પ્રાકૃતિક જિલ્લા’ તરીકે 19મી નવેમ્બરે જાહેર કરી રહ્યા છીએ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે રાજયપાલોની ગવર્નર્સ કોન્ફરન્સ-2021નું આયોજન કર્યુ હતું. આ આયોજનમાં ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે રાજયમાં થતી પ્રાકૃતિક કૃષિ વિશેષતા રજૂ કરી હતી.

ડાંગના કુલ વિસ્તારમાં 77% વન વિસ્તાર છે                                                                                                                     આચાર્ય દેવવ્રત ગુજરાતમાં રાજયપાલ તરીકે નિયુકત થતા જ તેમણે રાજયમાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવાનું અભિયાન હાથ ધર્યુ છે. જે અંતર્ગત રાજય સરકાર દ્વારા સમારોહ યોજીને આગામી ડાંગને પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરાશે. ડાંગ કુદરતી સંસાધનોથી ભરપૂર જિલ્લો છે.

છેલ્લા 2 વર્ષથી ડાંગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરે તેવા પ્રયાસ હાથ ધરાતા જિલ્લાના 12 હજાર ખેડૂતો તેમની 57 હજાર હેકટર જમીનમાં આ પ્રકારની ખેતી કરે તેવા પ્રયાસ હાથ ધરાઇ રહ્યા છે. ડાંગમાં અત્યારે આશરે 19,600 હેકટર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થાય છે.

જૈવિક ખેતી કેવી રીતે થાય છે?
જૈવિક કૃષિ એટલે જીરો બજેટથી થતી કૃષિ કહેવાય છે. આ ખેતીમાં દેશી ગાયનું ગૌમુત્ર અને છાણમાં પાણી,ગોળ,ચણાનો લોટ ઉમેરીને ખાતર બનાવાય છે.આ ખાતરથી ખેતી કરવામાં આવે છે. આ ખેતી કરવાની એક અલગ પધ્ધતિ છે. જેમાં જમીનમાં પાક વાવતા પહેલા જમીનને ખેડતી વખતે જ ખાતર નખાય છે, પછી પાક ઉગે પછી જરૂરિયાત પ્રમાણે ખાતર અપાય છે. આ ખાતરથી થતા પાકથી કોઇ આડઅસર થતી નથી.

ખેડૂતોને ફાયદો થશે, પાકનું ઉત્પાદન વધશે
ખેડૂતો રાસાયણિક ખાતરથી ખેતી કરે તો તેમને ખર્ચ થાય છે,આ કૃષિમાં ખાતર ખેડૂતો દેશી ગાયના છાણ-ગૌમુત્રથી તૈયાર થતું હોવાથી જીરો બજેટથી ખેતી થશે તેવો રાજય સરકાર દાવો કરે છે. ઉપરાંત રાસાયણિક ખાતરથી જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે, જે આ ખેતીમાં ઘટશે નહીં. પ્રાકૃતિક કૃષિથી બે વર્ષમાં જમીન ફળદ્રુપ થઇ જતી હોવાથી પાક ઉત્પાદન વધે છે. પાક રાસાયણિક ખાતર વગરનો હોવાથી તેનો બજાર કિંમત વધારે મળે છે. ડાંગને પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરાશે એટલે બજેટ વધુ ફાળવાશે. ચાલુ નાણાંકીય વર્ષમાં રાજયમાં પ્રાકૃતિક કૃષિ માટે રૂ. 225 કરોડનું બજેટ ફાળવાયું છે.

ડાંગમાં 410 જાતની વનસ્પતિ, 15 દિવસ સુધી કરમાય નહીં એવાં ફૂલો ઊગે છે
ડાંગમાં શૉ-પીસ તરીકે વપરાતું અને 15 દિવસ સુધી કરમાઇ નહીં તેવું એન્થોરીયમ ફલાવર થાય છે. ઉપરાંત 12થી13 જાતના ચોખા, ચણા, નાગલી, રાજગરો, અડદ, મગ, મગફળી, ચણા, વટાણા, તુવેર થાય છે.

error: Content is protected !!