નવા વર્ષના બીજા જ દિવસે આગમાં હસતો ખેલતો પરિવાર હોમાયો, પતિ-પત્ની અને 8 વર્ષના બાળકનું મોત

એક શોકિંગ અને આંચકાજનક બનાવ સામે આવ્યો છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. પરિવાર જ્યારે ઘરમાં સૂતો હતો ત્યારે વહેલી સવારે કોઈ કારણસર આગ લાગતાં ઘરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.

ઘરમાં ધુમાડો હતો અને ત્રણેય લાશ પડી હતી
ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે ત્યાં પહોંચ્યા બાદ જોતાં રૂમમાં ધુમાડો હતો અને પતિ-પત્ની અને એક બાળકની લાશ ફાયરબ્રિગેડને મળી આવી હતી. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતાં શાહપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. એફએસએલની તપાસ બાદ જ જાણવા મળશે.

ફાયરને 5 વાગ્યાના સુમારે ફોન ગયો
મળતી માહિતી મુજબ, અમદાવાદ ફાયરબ્રિગેડને આજે વહેલી સવારે 4.55 વાગ્યે કોલ મળ્યો હતો કે શાહપુર દરવાજા બહાર માસ્ટર પેટ્રોલ પંપ પાસે આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આગ લાગી છે, જેથી ફાયરબ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

આગ લાગવાનું કારણ અકબંધ
ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ત્યારે મકાનમાં ગાદલાંમાં આગ ચાલુ હતી, જેને ફાયરબ્રિગેડે બુઝાવી હતી, જોકે ઘરમાં જોતાં ખૂબ જ ધુમાડો હતો, એક બાળક સહિત ત્રણ લોકો મૃત હાલતમાં પડ્યા હતા. જયેશભાઈ વાઘેલા, તેમનાં પત્ની અને બાળક સાથે આ મકાનમાં રહેતાં હતાં અને વહેલી સવારે કોઈ કારણસર ઘરમાં આગ લાગી હતી અને રૂમમાં ફેલાઈ ગઈ હતી.

ત્રણેયને બહાર નીકળવાનો મોકો ન મળ્યો
જયેશભાઈ અને તેમનો પરિવાર વહેલી સવારે જ્યારે ઊંઘમાં હતો ત્યારે જ આગ લાગી હતી, કદાચ તેમને જાણ જ થઈ ન હતી કે આગ લાગી છે. ઘરમાં ધુમાડો થઈ ગયો હતો અને પતિ, પત્ની અને બાળક બહાર નીકળે એની પહેલાં જ તેમનાં મોત થઈ ગયાં હતાં. ત્રણે લોકોને ઘરની બહાર નીકળવાનો મોકો જ મળ્યો નહોતો અને તેઓ આગમાં મૃત્યુ પામ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!