CNG કારમાં થયો બ્લાસ્ટ, લોકોની ભીડ વચ્ચે એક વ્યક્તિએ બચાવવાની કોશિશ કરી, પણ…
છોટા ઉદેપુરના તેજગઢ રેલવે ફાટક પાસે આજે વહેલી સવારના લગભગ 5:30 થી 6:30 વાગ્યાના અરસામાં એક વેગેનાર કારમાં અચાનક આગ લાગી હતી. ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ગાડી ઝાડ સાથે ટકરાઇ હતી. ગાડી CNG કીટ વાળી હોવાથી તરતજ ગાડીમાં આગ લાગી હતી. આ ઘટનાને આંખે જોનાર વ્યક્તિએ યુવકને બચાવવાની કોશીશ કરી, પરંતુ ચાલક સ્ટેરિંગમાં ફસાઈ ગયો હોવાથી તેને બચાવી શક્યા નહીં.
ત્યારબાદ જોતજોતામાં ગાડી અને યુવક બંને બળીને ભડથું થઈ ગયા હતા. જિલ્લા પોલીસને જાણ કરતા પીઆઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. તો આવો જાણીએ કે આ સમગ્ર ઘટનાને નજરે જોનાર વ્યક્તિનું શું કહેવું છે…
આ સમગ્ર ઘટનાને નજરે જોનાર નંદુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સવારમાં લગભગ 6:10 વાગ્યાની આજુબાજુ આ ઘટના ઘટી હતી. જ્યારે હું ગેટ પર આવ્યો ત્યારે આ ગાડી ઝાડ સાથે અથડાયેલી હતી અને થોડી આગ પણ લાગેલી હતી. હું દોડીને આવ્યો અને ગાડી ઉભી રાખીને મેં જોયુ ત્યારે કાચ બંધ હતા. કાચને તોડ્યા પણ બહાર ના નિકાળી શક્યો. ત્યાં સુધીમાં આગ આખી ગાડીમાં ફરી વળી હતી. ત્યારબાદ ગાડીની નજીક ના જવાયું. બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, કાચ તોડ્યા, બહાર ખેંચી જોયું પણ સ્ટેરીંગમાં બરાબરના ફસાયેલા હતા એટલે હું કાઢી ના શક્યો. મેં એકલા હાથે બચાવવાની પુરી કોશીશ કરી પણ બચાવી ન શક્યો.
મળતી માહિતી પ્રમાણે મૂળ પાટણના રહેવાસી અને હાલ વડોદરા ખાતે રહેતા હિતેશ મહેશભાઈ પટેલ પોતાની CNG વેગેનાર કાર લઇને વડોદરાથી છોટા ઉદેપુર તરફ જઈ રહ્યાં હતા. ત્યારે તેજગઢ રેલવે ફાટક નજીક ગાડી ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ગાડી ઝાડ સાથે ટકરાઇ હતી. ગાડી CNG હોવાથી ઝાડ સાથે ટકરાતાની સાથેજ આગ લાગી હતી અને જોતજોતામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ચાલકને ગાડીમાંથી બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો. આમ, હિતેશ ગાડીમાં જ આગની લપેટમાં આવીને ભડથું થઈ ગયો હતો.
આ આગ લાગવાની જાણ આજુબાજુમાં તથા રાહદારીઓને થતા સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં આગ વિકરાળ બની ચૂકી હતી. જેથી સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરતા છોટા ઉદેપુરથી ફાયર ફાઇટર આવી પહોંચી આગ બુઝાવી હતી. ત્યાં સુધીમાં ગાડી બળીને ખાક થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે છોટા ઉદેપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
બનેલી ઘટના અંગે છોટા ઉદેપુરના પી.આઇ. અરુણ પરમાર જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સવારે 6:30 વાગ્યાના અરસામાં તેજગઢ પાસે અકસ્માત થયાનો અને આગ લાગતાં ગાડી સળગી ગયાનો ફોન આવ્યો હતો. એટલે અમે તરત જ પોલીસ કાફલા સાથે પહોંચી ગયા હતા. ત્યાં જઈને જોયું તો વેગેનાર ગાડી હતી. જે અકસ્માતે આગ લાગતાં સળગી ગઈ હતી અને અંદર ડ્રાઈવિંગ સિટ પર બેઠેલો ઇસમ પણ સળગીને ભડથું થઈ ગયો હતો.
ગાડીના નંબર પરથી તપાસ કરતા તેમના વાલી વારસાની જાણ થઈ હતી. તેઓ પાટણના માનપુર ખાતેના અને હાલ વડોદરા રહે છે. જેઓ અહીંયા રંગપુર પાસે કોન્ટ્રાક્ટનું કામ કરે છે. તેમનું નામ હિતેશ મહેશભાઈ પટેલ હોવાનું બહાર આવ્યું હતું. કાર સીએનજી કીટ હતી, એટલે તેનું રજીસ્ટ્રેશન થયેલું છેકે કેમ એના માટે અમે તપાસ અર્થે આરટીઓને સ્થળ પર બોલાવી રિપોર્ટ કરવામાં આવશે.