રાજકોટમાં સિટી બસે ટુવ્હીલરને પાછળથી ટક્કર મારતા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા PSIનું મૃત્યુ, બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી
રાજકોટ : સિટી બસને કારણે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. સિટી બસે ટુવ્હીલરને પાછળથી ટક્કર મારતા રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) તરીકે ફરજ બજાવતા એચ.એ. અઘામને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આથી તેઓને સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન મૃત્ય નીપજ્યું હતું. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.
PSIને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક ચોકથી ડાબી તરફ ટોઇંગ સ્ટેશન નજીક સિટી બસે પાછળથી ટુવ્હીરને ઠોકરે લીધું હતું. આ અકસ્માતમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં બેન્ડ PSI તરીકે ફરજ બજાવતા એચ.એ. અઘામને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. બાદમાં 108 મારફત PSIને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ ટૂંકી સારવારમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. PSIના મૃત્યુને લઇને પોલીસ બેડામાં શોક છવાઈ ગયો છે.જોકે સારવાર દરમિયાન મૃત્ય નીપજ્યું હતું. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.
મૃતકનો એક પુત્ર SRPમાં ફરજ બજાવે છે
મૃતક PSI મોચીનગરમાં રહેતા હતા. તેઓનો આજે વીક ઓફ હતો. આથી કામ માટે તેઓ ઘરથી બહાર નીકળ્યા ત્યારે 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક પાસે અકસ્માત નડ્યો હતો અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તેમને સંતાનમાં બે પુત્ર છે. જેમાં એક SRPમાં ફરજ બજાવે છે. પોલીસે બસ ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.