વ્યાજખોરોએ પત્ની પર બળાત્કારની ધમકી આપતા યુવકે જીવન ટુંકાવી લીધું, જાણો ક્યાંનો છે આ બનાવ?
ગુજરાતમાં વધુ એક શોકિંગ અને હિચકારો બનાવ સામે આવ્યો છે. વાત એમ બની હતી કે આજથી સાત-આઠ મહિના પહેલા વ્યાજખોરોએ પત્ની પર બળાત્કાર કરીશ તેવી ધમકી આપતા ભાવનગરના યુવાને આપઘાત કર્યો હતો. આ અંગે મરનારની બહેને વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદ કરી ન્યાય માંગતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને સાત મહિના પહેલા યુવાને કરેલા આપઘાતના બનાવમાં મરનારની બેનની ફરિયાદના આધારે ત્રણેય વ્યાજખોરો વિરુદ્ધ આજે ગુનો નોંધેલ છે.
રાહુલભાઇ સુભાષભાઇ પાટીલ એ 12એપ્રીલ 2017ના રોજ જુદા જુદા ઇસમો પાસેથી વ્યાજે પૈસા લીધેલ જેમાં રાજભા ગોહિલ (રહે. કાળિયાબીડ) નામના ઇસમે એસ.બી.આઇ. બેન્કના ચાર ચેક તથા બે ફેડરલ બેન્કના ચેક લઇ અઢી લાખ રૂપીયા 3 ટકાના વ્યાજે રાહુલભાઇને આપેલ તેની સામે રાહુલભાઇએ સાડા ચાર લાખ ભરપાઇ કરી દિધેલ.
જ્યારે સંજય મહેતા (રહે. કાળિયાબીડ) પાસેથી રૂા. 25000 જેટલા વ્યાજે લીધેલ જેની સામે 13000 ભરી દેતા દસ મહિનાનું વ્યાજ આપેલ હતું. જ્યારે કલ્પેશ મહેતા (રહે. કાળિયાબીડ) એ રાહુલભાઇ પાસેથી બે ચેક લઇ પૈસા વ્યાજે આપેલ આ ત્રણેય ઇસમ વારંવાર પૈસા ભરવા દબાણ કરતા હોય તે લાગી આવતા રાહુલભાઇએ ગઇ 24-5-2022ના રોજ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધેલ.
રાજભા ગોહિલે અગાઉ પણ મૃતકને તારી સામે તારી પત્ની પર બળાત્કાર કરીશ અને તારા ઘરે ગુંડા મોકલીશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મૃતકના બહેને નિલમબાગ પોલીસ મથકમાં રાજભા ગોહિલ, સંજય મહેતા, તથા કલ્પેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જો કે, મૃતકના બહેને આ ફરિયાદ અગાઉ PMO ઓફિસમાં કરતા પોલીસતંત્ર હરકતા આવ્યું હતું. આ બનાવની પોલીસે આગળ તપાસ હાથ ધરી ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા.