‘પરિવાર અને રૂઢીચુસ્ત સમાજ પ્રેમસંબંધ નહીં સ્વીકારે’, તેવા ડરથી વડોદરાના દોડકામાં પ્રેમી-પ્રેમિકાનો વૃક્ષ પર એકસાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો…

વડોદરા: જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામની સીમમાં રહેતા પ્રેમી-પંખીડાએ ગુરૂવારે મોડી રાત્રે દોડકા ગામની સીમમાં લીમડાના ઝાડની ડાળી ઉપર દોરીથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. રૂઢીચુસ્ત સમાજ લગ્નની મંજૂરી આપશે નહીં, તેવા ડરથી પ્રેમી-પંખીડાએ આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. લીમડાના ઝાડની ડાળી ઉપર દોરી બાંધી હાથમાં હાથ નાંખી પ્રેમી પંખીડાએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા દોડકા અને મોક્સી ગામમાં ભારે ચકચાર જગાવી મૂકી છે.

પ્રેમી-પંખીડાએ ઓઢણી વડે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો                                                                સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલા મોક્સી ગામમાં રહેતા 21 વર્ષિય હરીશ બુધાભાઇ ચાવડા અને સીમાબહેન બળવંતભાઇ ચાવડાએ ગુરૂવારે મોડી રાત્રે દોડકા ગામની સીમમાં લીમડાના ઝાડની ડાળી ઉપર ઓઢણીથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વહેલી સવારે દોડકા ગામના લોકોએ ગામની સીમમાં લીમડાના ઝાડની ડાળી ઉપર પ્રેમી-પંખીડા ફાંસો ખાધેલી હાલતમાં જોતા ચોંકી ઉઠ્યા હતા અને આ બનાવની જાણ ભાદરવા પોલીસને કરતા તુરંત જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રેમી-પંખીડાની લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

યુવક-યુવતી વચ્ચે એક વર્ષથી પ્રેમ સબંધ હતો       દોડકા અને મોક્સી ગામમાં ભારે ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે ભાદરવા પોલીસ સ્ટેશનના પોલીસ જવાન કિશનભાઇ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે, હરીશ ચાવડા અને સીમા ચાવડા મોક્સી ગામની સીમમાં રહેતા હતા. બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમ સબંધ હતો. બંને અવાર-નવાર મળતા હતા. પ્રેમના દિવસોમાં બંનેએ લગ્ન કરવાના એકબીજાને કોલ આપ્યા હતા. પરંતુ, બંને ચાવડા જ્ઞાતીના હોવાથી તેઓને પરિવારજનો લગ્નની મંજૂરી આપશે નહીં, તેવો ડર સતત સતાવતો હતો.

સમાજ લગ્નની મંજૂરી નહીં આપે તેવા ડરથી અંતિમ પગલુ ભર્યુ                                                         પ્રેમમાં ગળાડૂબ હરીશ અને સીમા એકબીજા વગર જિંદગી પસાર કરી શકે તેમ ન હતા. તેઓએ નક્કી કર્યું હતું કે, પરિવાર અને રૂઢીચુસ્ત સમાજ ભલે લગ્ન કરવાની મંજૂરી ન આપે. પરંતુ, પરિવાર અને સમાજ સાથે જિંદગીને અલવિદા કરવામાં રોકી શકશે નહીં. હરીશ અને સીમાએ પોતાના પ્રેમને અમર રાખવા માટે નક્કી કર્યા મુજબ ગુરૂવારે મોડી રાત્રે ઘરમાંથી નીકળી ગયા હતા અને દોડકા ગામની સીમમાં ભેગા થયા હતા.

લીમડાના ઝાડની ડાળી પર દોરીથી ફાંસો ખાઇ લીધો બુધવારે રાત્રે લગભગ 2.30 વાગ્યાના સુમારે સીમાના પરિવારજનોને સીમા ઘરમાં ન હોવાની જાણ થતાં, વહેલી સવાર સુધી શોધખોળ શરૂ કરી હતી. પરંતુ, કોઇ ભાળ મળી ન હતી. દરમિયાન તેઓને દોડકા ગામની સીમમાં સીમાએ તેના પ્રેમી સાથે લીમડાના ઝાડની ડાળી ઉપર દોરીથી ફાંસો ખાઇ લીધો હોવાની જાણ થતાં ચોંકી ઉઠ્યા હતા.

ગામ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા                    આજે સવારે દોડકા ગામના લોકોને આ બનાવની જાણ થતાં ગામ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ સાથે આ બનાવની જાણ ભાદરવા પોલીસ અને પ્રેમી-પંખીડાના પરિવારજનોને થતાં તેઓ પણ દોડકા ગામની સીમમાં દોડી આવ્યા હતા. આ બનાવની જાણ થતાં દોડી આવેલી પોલીસને ઘટના સ્થળ પાસેથી પાણીની બોટલ અને એક ભુરા કલરનું પ્રવાહી ભરેલી બોટલ મળી આવી હતી. પોલીસે પ્રેમી-પંખીડાની લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ભાદરવા પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઘોધંબામાં પણ પ્રેમી-પંખીડાએ આપઘાત કર્યો હતો  આ પહેલા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખરોડ ગામના સગીર પ્રેમી અને પ્રેમિકાએ ઝાડ પર એકસાથે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ‘સમાજ પ્રેમસંબંધ નહીં સ્વીકારે’ એવા ડરથી બંનેએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ રાજગઢ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી..

error: Content is protected !!