જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતીબાપુએ પોતાની જ પિસ્તોલથી જાતે ગોળી મારીને આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ, થોડા દિવસ અગાઉ રાજ ભારતીબાપુ દારૂ પીતા હોવાનો વીડિયો અને અન્ય કેટલાક ઓડિયો વાઇરલ થયા હતા, જેને લીધે આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક તબક્કે માહિતી મળી રહી છે.
જાતે જ ગોળી મારીને જીવન ટૂંકાવ્યું
રાજ ભારતીબાપુએ પોતાના ખડિયા ગામ સ્થિત વાડીમાં જાતે જ ગોળી મારીને જીવન ટૂંકાવ્યું છે. પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી લમણામાં ગોળી મારતાં લોહીલુહાણ હાલતમાં તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સારવાર મળે એ પૂર્વે જ તેમનું મોત થયું હતું. આ મામલે પોલીસે અત્યારે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ ભારતીબાપુએ કેમ કરી આત્મહત્યા?
મહત્ત્વનું છે કે રાજ ભારતીબાપુના થોડા દિવસ અગાઉ કેટલાક ઓડિયો વાયરલ થયા હતા. જેમાં બાપુ કેટલીક મહિલાને વોટ્સએપમાં વોઇસ મેસેજમાં પ્રેમભરી વાતો કરે છે. આ ઉપરાંત વાઇરલ થયેલા એક વીડિયોમાં તેઓ દારૂ પીતા નજરે પડે છે. જ્યારે સીગારેટ પીતાની એક તસવીર પણ સામે આવી હતી..
જેને લઇ સાધુ સંતો અને તેમના ભક્તોમાં તેમના પ્રત્યે ઘૃણાનો ભાવ જોવા મળ્યો હતો. જેના કારણે ડિપ્રેશનમાં આવીને આજે રાજભારતીબાપુએ આ પગલું ભર્યું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. હાલ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.