એક રૂંવાડા ઉભા કરી દેતો બનાવ સામે આવ્યો છે. બેંગલુરુના નાગવારામાં મંગળવારે અંડર કન્સ્ટ્રક્શન મેટ્રો પિલર તૂટી પડતા એક મહિલા અને તેના અઢી વર્ષના બાળકનું મોત થયું છે. મહિલાનો પતિ અને એક દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. મહિલાનો પરિવાર બાઈક પર જતો હતો. તે સમયે પિલર તેમના ઉપર પડે છે. મહિલા સાથે જોડિયાં બાળકોમાંથી એક બાળકે જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.
ઘટના પછી આ મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે આ દુર્ઘટના 40% કમિશનવાળી સરકારના કામનું પરિણામ છે. જેના કારણે કામમાં ક્વોલિટી રહી જ નથી. બીજી તરફ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. બેંગલુરુમાં મેટ્રોના MDએ પીડિત પરિવારને 20 લાખનું વળતર આપવા જાહેરાત કરી છે.
બાઈક પર પિલર પડ્યો, માતા અને દીકરાએ ઘટના સ્થળે જીવ ગુમાવ્યો
પોલીસ અનુસાર, ઘટના HBR લેઆઉટ પાસે આઉટર રિંગ રોડ પર સવારે 11 વાગ્યે બની હતી. લોહિત કુમાર, તેમની પત્ની તેજસ્વિની અને તેમનાં જોડિયાં બાળકો બાઈકથી જઈ રહ્યાં હતાં. ત્યાં નમ્મા મેટ્રો સ્ટેશનનું કામ શરૂ છે. મેટ્રો પિલર માટે લોખંડના સળિયાનું બનેલા પિલરનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું, જે બાઈક પર પડ્યું.
ઘટનામાં તેજસ્વિની અને તેમના અઢી વર્ષના દીકરા વિહાનનું ઘટના સ્થળે મોત થયું હતું. બીજી તરફ લોહિત અને તેમની દીકરી ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. પોલીસે જણાવ્યું કે બાઈક સવાર મહિલા અને પુરુષ બંનેએ હેલમેટ પહેર્યું હતું.
મેટ્રોના MDનો દાવો- કામમાં ક્વોલિટીનું સંપૂર્ણ ધ્યાન રખાયું
પિલર પડ્યા બાદ બેંગલુરુ મેટ્રોના એમડી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમની કંપની કામમાં ગુણવત્તાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. તેમણે કહ્યું કે આ કેસની ઝીણવટભરી તપાસ બાદ જ ખબર પડશે કે તેની પાછળ ટેક્નિકલ કારણ છે કે માનવીય ભૂલ.
ઘટના પછી રસ્તા પર લાંબો ટ્રાફિક જામ
પિલરની ઊંચાઈ 40 ફૂટથી વધુ હતી. આ ઘટનાને કારણે થોડા સમય સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. FSL અને અન્ય વિશેષજ્ઞોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વિસ્તારના એડિશનલ CPએ ઘટનાની તપાસ શરૂ કરી છે.