બજરંગદાસબાપુના ધામમાં 24 કલાક લોકોને ફ્રીમાં મળે છે ભોજન, જુઓ રસોડાની અંદરની ખાસ તસવીરો

બગદાણા : આખી દુનિયામાં ‘બાપા સીતારામ’ નામ ગૂંજતું કરનાર સંત બજરંગદાસબાપુની કર્મભૂમિ બગદાણામાં આમ તો બારેમાસ ભક્તોનો અવિતર પ્રવાહ ચાલુ રહે છે, પણ બે દિવસ વિશેષ ઉજવણી થાય છે. બજરંગદાસ બાપાની પૂણ્યતિથિ (પોષ વદ 4) અને ગુરુપુર્ણિમાનો ઉત્સવ અહીં ધામધૂમથી ઉજવાય છે. અહીં ભક્તોને ભક્તોને પરંપરાગત રીતે પંગતમાં બેસાડીને ભાવભેર જમાડવામાં આવ્યા હતા. લાખો ભક્તો એક સાથે પ્રસાદ લેવા આવે છતાં ક્યાંય અગવડ દેખાતી નથી.

બગદાણા આશ્રમ મહુવાથી 32 કિમી, ભાવનગર 78 કિમી, અમદાવાદ 250 કિમી દૂર છે. બગદાણા જવા માટે અમદાવાદથી સીધી બસ મળે છે. આ ઉપરાંત ગુજરાતનાં અન્ય મોટાં શહેરો ભાવનગર, રાજકોટમાંથી સીધી બસ મળી શકે છે. રાજકોટથી જનાર આટકોટ, બાબરા અને પાલિતાણા વાયાથી અહીં જાય છે જે 190 કિમી થાય છે. જુનાગઢથી જનાર વાયા વિસાવદર-ચલાલા થઈને જાય છે જે 175 કિમી થાય છે.

નોંધનીય છે કે ચાર દાયકા પહેલાં સંત પૂજ્ય બજરંગદાસબાપા બગદાણાના ગુરૂઆશ્રમ ખાતે તારીખ 9/1/1977ના રવિવારના વહેલી સવારે બ્રહ્મલીન થયા હતા. આ દિવસે વિક્રમ સંવત મુજબ પોષ માસની વદ ચોથની તિથી હતી.. એ મુજબ દર વર્ષે બાપાની પૂણ્યતિથિ ઉજવવમાં આવે છે.

બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે.પૂજ્ય બજરંગદાસપાપાનું જીવન શ્રદ્ધાળુઓને સત્કર્મ કરવાની પ્રેરણા આપે છે. પૂજ્ય બાપુનું નામ આજે સૌરાષ્ટ્ર અને ગુજરાત જ નહીં પણ વિદેશમાં પણ ભક્તોના હ્રદયમાં દેવ કક્ષાએ બિરાજમાન થયું છે.

1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું. જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરનું પ્રવેશદ્વાર વિશાળ છે. બન્ને બાજુ કાચ છે, જ્યારે શિવ અને પાર્વતીની પ્રતિમા મૂકવામાં આવી છે.સમય ગયે ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા. તેઓએ 1977માં દેહત્યાગ કર્યો. બગદાણામાં બે ધર્મશાળા છે, જેમાં 100 રૂમ છે. રહેવાની કોઈ ફી નથી. ભોજનાલય 24 કલાક ધમધમે છે.

ભાવનગરના અઘેવાડા ગામમાં હીરદાસ અને શિવકુંવરબાના ઘરે 1906માં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો. રામાનંદી સાધુના ઘરે જન્મ થયો હોવાથી તેમનું નાનપણનું નામ ભક્તિરામ હતું. તેમણે 11 વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસે દીક્ષા લીધી અને સમાધિમાં લીન થઈ ગયા.

ભક્તિરામ જ્યારે દક્ષિણા આપવા ગયા ત્યારે સીતારામબાપુએ તેમને કહ્યું કે તમે તો ગુરુ અવતાર છો મારે તમને આપવાનું હોય તમારે નહીં. ત્યારે ભક્તિરામે કહ્યું કે જો તમે મને કંઇક આપવા માગતા હોવ તો એવું કંઇક આપો કે મારા મુખે રામનું રટણ ચાલુ જ રહે. ત્યારે સીતારામબાપુએ તેમને નવું નામ આપ્યું ‘બજરંગી’ અને કહ્યું કે આખું જગત તમને બજરંગદાસના નામથી ઓળખશે.

ગુરુજ્ઞાન લીધા પછી બજરંગદાસ બાપા ગુજરાતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ બગદાણા આવ્યા. અંદાજે આ વર્ષ 1941નું હતું. અહીં બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ બજરંગદાસ બાપાને ગમી ગયા ને ત્યાર પછી અહીં તેઓ કાયમ માટે રહી ગયા. એવું કહેવાય છે કે તેઓએ 1951માં આશ્રમની સ્થાપના કરી હતી.

error: Content is protected !!