અમરેલીના 160 કિલોના સાગરના મદદે આવ્યા અમદાવાદના બેરિયાટ્રિક સર્જન, તેમની ટીમે બાળકની વિનામૂલ્યે સર્જરી કરી
અમદાવાદઃ 160 કિલો જેટલા અતિશય વજનથી પરેશાન અમરેલીના બેબી સુમો માટે હવે નવી સવાર હળવીફૂલ રહે એવા સંજોગો ઊભા થયા છે. અમરેલી જિલ્લાના ધારીના ખીચા ગામના સાગરને અતિશય વજનને કારણે ચાલવામાં પણ મુશ્કેલી થતી હતી. તેની આ મુશ્કેલી અંગેની જાણ થઈ હતી, જેની વિગતો મેળવી તેની વ્યથાને સમાચાર સ્વરૂપે રજૂ કરી હતી. આ અહેવાલ વાંચીને અમદાવાદના ઓબેસિટી-સર્જન ડોકટર અપૂર્વ વ્યાસ અને તેમની ટીમે આ ગરીબ પરિવારના બેબી સુમોની બેરિયાટ્રિક સર્જરી કરીને તેને આરોગ્યસભર મદદ કરી છે.
અમદાવાદના ડોક્ટરે બેરિયાટ્રિક સર્જરી કરી
ધારીના ખીચા ગામમાં રહેતા કાળુભાના 13 વર્ષીય પૌત્ર સાગર અમરેલીના બેબી સુમો તરીકે ઓળખાય છે. સાગરનું 160 કિલો વજન હતું અને તે દરરોજ 7-8 રોટલા આરોગી જતો હતો, ગરીબ પરિવારમાંથી આવતા બાળકની હાલત એટલી ગંભીર થઈ રહી હતી કે તે હવે હલન-ચલન કરવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યો હતો. મજૂરીકામ કરતા આ ગરીબ પરિવારના બેબી સુમોનું વજન ઘટાડવા મદદની અપીલને જાણીતા અખબારે વાચા આપી હતી. આ અપીલ અંગે વાંચી અમદાવાદના રેડિયન્સ હોસ્પિટલના તબીબ અપૂર્વ વ્યાસ સહિત તેમની ટીમે જાણીતા અખબારનો સંપર્ક કરતાં બાળક સુધી પહોંચાડ્યા હતા. સુમો બાળકના પરિવાર સાથે વાતચીત બાદ બાળકને અમદાવાદ બોલાવી લેવાયો હતો અને અમદાવાદમાં ડો. અપૂર્વ વ્યાસ અને તેમની ટીમે બેબી સુમોની વિનામૂલ્યે બેરિયાટ્રિક સર્જરી કરી હતી.
એક વર્ષમાં 100 કિલો જેટલું વજન ઘટશે
બેબી સુમોના વજન અંગેની ગેસ્ટ્રિક બાયપાસ બેરિયાટ્રિક સર્જરી કરનાર ઓબેસિટી-સર્જન ડો અપૂર્વ વ્યાસે જણાવ્યું હતું કે દિવ્યભાસ્કર એપ પર અમરેલીના ખીચા ગામના બાળકના 140 કિલોના વજન અને તેની મુશ્કેલી અંગેના સમાચાર અમે જોયા. આ જોઈને મારી ટીમના મિલિન્દભાઈએ જાણીતા અખબારની ડિજિટલ ટીમ પાસેથી નંબર અને કુટુંબની વિગતો મેળવી અને આ બાળકના પરિવારનો સંપર્ક કર્યો. આ બાળકને અમદાવાદ બોલાવ્યો અને કોઈપણ ખર્ચ વિના સર્જરી કરી છે. ખરેખર તો 160 કિલો વજન ધરાવતા બાળકને નાની ઉંમરે બ્લડપ્રેશર પણ રહે છે, જે તેને વધુ મુશ્કેલી સર્જે એમ છે, એવા સંજોગોમાં હવે અમે સફળ ઓપરેશન કર્યું છે અને બાળકને છ મહિના ડાયટ ચાર્ટ મુજબ ખોરાક લેવાનો રહેશે તેના ખોરાક અંગે હોસ્પિટલનો સ્ટાફ તેની સાથે સતત સંપર્કમાં રહેશે..ગેસ્ટ્રિક બાયપાસ સર્જરીને પગલે આગામી એક વર્ષમાં આ બાળકનું જે 100 કિલો જેટલું ઓવરવેઇટ છે એ ઘટી જશે, એટલે કે 100 કિલો જેટલું વજન ઘટી જશે.
અમને આવી મહામૂલી મદદ મળીઃ સાગરનો પરિવાર
સાગરના પરિવારે જણાવ્યું હતું કે અમારા માટે તો આ સર્જરી કરનારા ડોકટર ભગવાન સમાન છે. અમારી પાસે તો પૈસા પણ નહોતા. હવે બાળકની તબિયતમાં સુધારો થશે, તેથી અમે જાણીતા અખબારના ડિજિટલનો પણ આભાર માનીએ છે કે તેમણે અમારો પ્રશ્ન રજૂ કર્યો અને અમને આવી મહામૂલી મદદ મળી છે.
વજન ઘટાડવા માટે 2 ટાઇમ જમવાનું પણ આપતા
સાગર દિવસના 8 રોટલા ખાય છે. બાળકની આ બીમારીને કારણે પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યો છે. મજૂરીકામ કરીને જીવન ગુજારતો આ પરિવાર પહેલાં સાગરને ત્રણ ટાઇમ જમવાનું આપતો હતો, પરંતુ સાગરનું વજન ઘટાડવા માટે 2 ટાઇમ જમવાનું આપી રહ્યો છે. જોકે એનાથી પણ સાગરના વજનમાં કોઈ ફેર પડ્યો નથી. એવા સંજોગોમાં હવે આ વજન ઘટાડતી બેરિયાટ્રિક સર્જરી સાગરને વર્ષો પહેલાં ઓછું વજન અને પાતળો હતો એમ બનાવી હેલ્ધી બનાવવામાં મદદરૂપ થશે.
જન્મ્યો ત્યારે શરીર પાતળું હતુઃ દાદા
શનિવારે સાગરના દાદા કાળુભાએ જણાવ્યું હતું કે સાગર મારા દીકરાનો દીકરો છે. તેની ઉંમર 13 વર્ષ છે. સાગર જન્મ્યો ત્યારે તેનું શરીર પાતળું હતું, પણ પછી તેનું શરીર વધતું જ ગયું. હવે તેની ભૂખ પણ વધતી ગઈ. હવે અમે તેના શરીરને પૂરું થાય એટલું આપી શકતા નથી. આ સાગર રોજના 7થી 8 રોટલા ખાય છે.