લ્યો બોલો,સરપંચપદ માટે હરાજી ! ભટોલી ગામમાં 44 લાખની બોલી લગાવી એક વ્યક્તિએ ખરીદ્યું સરપંચનું પદ….

મધ્યપ્રદેશ : આપણાં દેશમાં લોકશાહી પદ્ધતિથી ચૂંટણી યોજાય છે, પરંતુ સરકાર રચવા માટે જ્યારે સાંસદો કે ધારાસભ્યોને ખરીદવા પડે ત્યારે સવાલ થાય કે આ કેવી લોકશાહી? પરંતુ આ બદી હવે ગામડાંઓમાં પણ વિસ્તરી રહી છે. મધ્યપ્રદેશમાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાની શરૂઆત થઈ છે. પરંતુ પ્રદેશની કેટલીક પંચાયતમાંથી એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે જેનાથી લાગી રહ્યું છે કે આપણાં દેશની લોકશાહી પતન તરફ છે કે શું?

જ્યાં લોકશાહીમાં બહુમતી માટે બોલી લગાડવામાં આવી રહી છે. એટલે કે ચૂંટણી પહેલાં જ એવું નક્કી થઈ જાય છે કે ગામડાંઓનો આગામી સરપંચ કોણ બનશે. મધ્યપ્રદેશના અશોક નગર જિલ્લાની ભટોલી ગ્રામ પંચાયતમાં આવો જ એક મામલો સામે આવ્યો છે, જ્યાં ચૂંટણી પહેલાં ગ્રામીણોએ સરપંચ પસંદ કરી લીધો છે અને તે માટે લાખો રૂપિયાની બોલી બોલવામાં આવી છે.

44 લાખ રૂપિયામાં નક્કી થયો સરપંચ
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામીણ ક્ષેત્રમાં અલગ જ દ્રશ્યો જોવા મળ્યા. એટલે કે અહીં સરપંચ પદ માટે રીતસરની બોલી બોલાવવામાં આવી. એટલે કે જે પૈસા ખર્ચવામાં સક્ષમ તેને સર્વસંમતિથી ગામનો મુખિયા બનાવવામાં આવશે. ગ્રામીણોનું કહેવું છે કે જેટલા પૈસા સરપંચની બોલી માટે લાગશે તે પૈસા ગામના વિકાસ કાર્યોમાં ઉપયોગ કરાશે. અશોકનગર જિલ્લાના ભટોલી ગ્રામ પંચાયતમાં સરપંચ પદની બોલી બોલવામાં આવી. અહીં 44 લાખ રૂપિયાની બોલી લગાવીને ગામનો સોભાગ સિંહ વિજયી થયો છે.

કોઈપણ જાતના વિરોધ વગર સોભાગ સિંહ સરપંચ બનશે
સોભાગ સિંહે 44 લાખ રૂપિયાની બોલી લગાવીને ગામના સરપંચ પર પોતાનો દાવો મજબૂત બનાવ્યો છે. હવે તેઓ ગામના વિકાસ કાર્યોમાં 44 લાખ રૂપિયાનો ખર્ચ કરશે અને કોઈપણ જાતના વિરોધ વગર સરપંચ બનશે. કેમકે તેના વિરોધમાં હવે ગામનો કોઈ પણ સભ્ય ફોર્મ નહીં ભરે. સોભાગ સિંહે જણાવ્યું કે સરપંચ પદ માટેની બોલી 21 લાખ રૂપિયાથી શરૂ થઈ હતી, જે 44 લાખ રૂપિયાએ ખતમ થઈ. તેઓએ જણાવ્યું કે ગ્રામ પંચાયતના ચાર લોકો આ બોલીમાં સામેલ થયા હતા પરંતુ છેવટે તેઓએ બાજી મારી હતી.

બોલીમાં બોલવામાં આવેલી રકમ ઉપયોગ ગામના વિકાસ માટે થશે
સોભાગ સિંહે જણાવ્યું કે, સરપંચ પદ માટે બોલવામાં આવેલી બોલીની રકમનો ઉપયોગ ગામના વિકાસ કાર્યોમાં થશે. ગામમાં રસ્તા, પાણી અને અન્ય જે પણ જરૂરી કામ હશે તેને પૂરા કરવામાં આવશે. જ્યારે મંદિર બનાવવા માટે પણ પૈસાનો ઉપયોગ થશે. ગ્રામ પંચાયત ભટોલીમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, પરંતુ તે પહેલાં જ અહીં ગ્રામીઓએ પોતાના સરપંચ ચૂંટી લીધા છે.

દતિયા જિલ્લામાં પણ જોવા મળ્યો આવો જ મામલો
ભટોલી ગામ પહેલું એવું ગામ નથી જ્યાં સરપંચ પદ માટે બોલી લગાડવામાં આવી હોય. આ પહેલાં દતિયા જિલ્લાના એક ડઝન ગામોમાં આ રીતે સરપંચ પદ માટે બોલી લગાવીને પસંદગી કરાઈ હતી. ગ્રામીણોનું કહેવું છે કે તે બિનજરૂરી ખર્ચાઓને રોકી રહ્યાં છે. તેમજ સર્વસંમતિવાળી પ્રાચીન પરંપરાનું અનુકરણ કરે છે. તેનો ચૂંટણીપંચ સાથે કોઈ સંબંધ નથી. તેઓ ઉમેદવાર પાસેથી મળનારી રકમનો ઉપયોગ ગામના વિકાસ માટે કરશે. પરંતુ અહીં મોટો સવાલ એ છે કે જો આ રીતે જ બોલી લગાડીને સરપંચની પસંદગી કરવામાં આવી રહી છે તો ચૂંટણી પંચ કેમ મૌન છે, તેઓ કેમ કોઈ દરમિયાનગીરી નથી કરી રહ્યું.

error: Content is protected !!