જે સ્થળે મળતા હતા ત્યાં પ્રેમી-પંખીડાએ ઝેરી દવા ગટગટાવી, કારણ બસ આવડું જ હતુ
ગુજરાતમાં એક કાળજા કંપાવતી ઘટના સામે આવી છે.પ્રેમના દિવસોમાં સાથે રહેવાના અને સાથે મરવાના લીધેલા વચનને સાવલીના મોક્સી ગામની યુવતી અને કાલોલ તાલુકાના નારનપુરા ગામના યુવાને ઝેરના પારખાં કરીને નિભાવ્યું છે. મોક્સી ગામની પ્રાથમિક શાળા પાસેની જે જગ્યા ઉપર પ્રેમી-પંખીડા મળતા તેજ સ્થળે બંનેએ ઝેરી દવા ગટગટાવી લઇ ફાની દુનિયાને અલવિદા કરી દીધી હતી. પ્રેમી સાથે ઝેરી દવા ગટગટાવી લઇ વચન નિભાવનાર યુવતીના આગામી દિવસોમાં લગ્ન થવાના હતા.
ઝેરી દવા પીધા બાદ બેભાન અવસ્થામાં મળ્યા
મળેલી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના મોક્સી ગામમાં અક્ષરપુરીમાં રહેતી 21 વર્ષીય પારૂલ રાઠોડ અને પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નારનપુરા ગામના જોરાવરસિંહ રાઠોડે ગામની પ્રાથમિક શાળા પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ બેભાન અવસ્થામાં પડેલા યુગલને પસાર થતાં ગામના કોઇ વ્યક્તિએ જોતા તુરતજ તેણે ગામના અગ્રણીઓ જાણ કરી હતી. જોતજોતામાં ગામ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
બંનેના ટૂંકી સારવાર દરમિયાન મોત
દરમિયાન ઝેરી દવા ગટગટાવી લેનાર પારૂલ અને જોરાવરસિંહને બચાવી લેવા માટે ગામની વ્યક્તિએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તુરજ એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. અને જોરાવરસિંહ રાઠોડને ભાદરવા ગામ સ્થિત આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યારે પારૂલની હાલત ગંભીર હોવાના કારણે તેણે પ્રાથમિક સારવાર ભાદરવા આરોગ્ય કેન્દ્રમાં આપ્યા બાદ વડોદરા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જોકે, જોરાવરસિંહ અને પારૂલના ઝેર ફરી વળી હોય, બંનેના હોસ્પિટલોમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતા. આ બનાવે ગામમાં સનસનાટી મચાવી મૂકી હતી.
બંનેએ લગ્ન કરવાનો પણ નિર્ધાર કરી લીધો હતો
દરમિયાન આ બનાવ અંગેની જાણ ભાદરવા પોલીસને કરવામાં આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કાલોલનો રહેવાસી જોરાવરસિંહ રાઠોડ ખેતી કામ કરતો હતો. અવાર-નવાર તે મોક્સી ગામમાં રહેતા તેના બનેવીના ઘરે આવતો હતો. આથી તેની પારૂલ રાઠોડ સાથે આંખો મળી જતાં, તેઓ મોક્સી ગામની પ્રાથમિક શાળા પાસે મળતા હતા. બંનેએ લગ્ન કરવાનો પણ નિર્ધાર કરી લીધો હતો. સાથે તેઓએ એકબીજાને વચન પણ આપ્યું હતું કે, જીવનના અંત સુધી સાથે રહેશું. અને જો સાથે રહી નહીં શકીએ તો સાથે મરીશું તેવા એકબીજાને કોલ પણ આપ્યા હતા.
પ્રેમિકાના લગ્ન નક્કી થતા બંનેએ આપઘાત કરી લીધો
દરમિયાન પારૂલના અન્ય યુવાન સાથે લગ્ન નક્કી થતાં પરિવારજનોએ તેના આગામી દિવસોમાં લગ્ન લેવાની તૈયારી કરી હતી. આથી પારૂલને પ્રેમી જોરાવરસિંહ સાથે લગ્ન શક્ય જણાયું ન હતું. આથી તેને પોતાના પ્રેમી જોરાવરસિંહને પોતાના લગ્ન અંગેની વાત કરી હતી. પારૂલ અને જોરાવરસિંહને જીવતા જીવ સાથે રહી શકીશું નહિં લાગતા બંનેએ પ્રેમના દિવસોમાં એક બીજાને સાથે રહેવાના અને સાથે મરવાના આપેલા વચન પૂરીપૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો. આખરે બંનેએ ઝેરી દવા ગટગટાવી લઇ ફાની દુનિયાને અલવીદા કરી દીધી હતી. મોક્સી ગામમાં ભારે ચકચાર જગાવનાર આ બનાવ અંગે ભાદરવા પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.